HomeગુજરાતીખોરાકBRICS મહેમાનોની થાળીમાં કાશ્મીરનો શાહી સ્વાદ, જાણો ‘શાહી પુલાવ’ની ખાસ રેસીપી

BRICS મહેમાનોની થાળીમાં કાશ્મીરનો શાહી સ્વાદ, જાણો ‘શાહી પુલાવ’ની ખાસ રેસીપી

રેસીપી, 12 સપ્ટેમ્બર 2026: ભારતમાં 12 અને 13 સપ્ટેમ્બરના રોજ 18માં BRICS શિખર સંમ્મેલન યોજાવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી આ સમિટમાં વિદેશી મહેમાનો માટે તૈયાર કરવામાં આવી રહેલા ખાસ મેનૂમાં ભારતના વિવિધ રાજ્યો અને પ્રદેશોના પરંપરાગત સ્વાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ મેનૂમાં ‘કાશ્મીરી પુલાવ’નો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત મેનૂમાં અવધી કબાબ, હૈદરાબાદી બિરયાની, વિવિધ પ્રાદેશિક થાળીઓ અને બાજરી (મિલેટ્સ) માંથી બનેલી વાનગીઓનો પણ સમાવેશ થાય છે.

કાશ્મીરી પુલાવ તેની સુગંધ, હળવી મીઠાશ અને તેમાં વપરાતા ડ્રાય ફ્રૂટ્સને કારણે અન્ય પુલાવ કરતા અલગ અને ખાસ છે. તેમાં તીખા મસાલાને બદલે કેસર, એલચી, તજ અને ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી વાનગીને શાહી દેખાવ અને અનોખો સ્વાદ મળે છે. જો તમે ઘરે BRICS-પ્રેરિત આ કાશ્મીરી શાહી પુલાવ બનાવવા માંગતા હોવ તો તમે તેને ખૂબ જ સરળતાથી બનાવી શકો છો.

કાશ્મીરી પુલાવ સામગ્રી

1 કપ – બાસમતી ચોખા

2 કપ – પાણી

1 મોટી ચમચી – ઘી

10 – બદામ

1 મોટી ચમચી – કિસમિસ

1 નાનું – સફરજન અથવા દાડમના દાણા

10 – કેસરના તાંતણા

2 મોટી ચમચી – નવશેકું દૂધ

મીઠું – સ્વાદ અનુસાર

1 નાની ચમચી – ખાંડ

1 નાનો ટુકડો – તજ

2 – લીલી એલચી

2 – લવિંગ

1 – તમાલપત્ર

10 – કાજુ

કાશ્મીરી પુલાવ બનાવવાની રીત

સૌ પ્રથમ બાસમતી ચોખાને સારી રીતે ધોઈ લો અને લગભગ 30 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. આમ કરવાથી ચોખાના દાણા લાંબા અને છૂટા (ફ્લફી) બને છે. નવશેકા દૂધમાં કેસરના તાંતણા ઉમેરો અને તેને થોડીવાર રહેવા દો, જેથી કેસરનો રંગ અને સુગંધ દૂધમાં સારી રીતે મિક્સ થઈ જાય.

હવે એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં તજ, એલચી, લવિંગ અને તમાલપત્ર ઉમેરો અને થોડી સેકન્ડ માટે સાંતળો. જ્યારે મસાલામાંથી સુગંધ આવવા લાગે, ત્યારે પલાળેલા ચોખા ઉમેરો. પાણી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો પછી વાસણને ઢાંકી દો. ચોખાને ધીમી આંચ પર ચઢવા દો. જ્યારે ચોખા થોડા કાચા (અડધા ચઢેલા) હોય ત્યારે તેમાં કેસરવાળું દૂધ ઉમેરો.

એક અલગ પેનમાં થોડા ઘીમાં કાજુ, બદામ અને કિસમિસને હળવા સાંતળી લો. તૈયાર કરેલા પુલાવ પર આ વસ્તુઓ ભભરાવો. કાશ્મીરી પુલાવની એક ખાસિયત તેનો ફળોનો અને હળવો મીઠો સ્વાદ છે. તેથી તમે ઉપર દાડમના દાણા અથવા સફરજનના નાના ટુકડા ઉમેરી શકો છો. ઈચ્છો તો તમે થોડી ખાંડ પણ ઉમેરી શકો છો. પુલાવને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દીધા પછી, કાંટા (ફોર્ક) વડે તેને હળવા હાથે છૂટા કરો. ડ્રાય ફ્રૂટ્સથી સજાવીને પીરસો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular