ઓમાન નજીક ભારતીય ક્રૂ ધરાવતા જહાજ પર અમેરિકાનો હુમલો: US રાજદૂતને તેડાવી આકરી ટીકા કરી
નવી દિલ્હી, 11 જૂન 2026: પશ્ચિમ એશિયાના સમુદ્રી માર્ગો પર વધી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે ભારતે એક અત્યંત આકરું વલણ અપનાવ્યું છે. ઓમાન નજીક ભારતીય ક્રૂ ધરાવતા કોમર્શિયલ ઓઇલ ટેન્કર ‘સેટેબેલો’પર અમેરિકી સેના દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે નવી દિલ્હી ખાતે અમેરિકી ચાર્જ ડી અફેર્સ જેસન મીક્સને તલબ કર્યા હતા અને આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હુમલાનો ભોગ બનેલા ‘સેટેબેલો’ જહાજ પર કુલ 24 ભારતીય નાવિકો સવાર હતા. જેમાંથી 21 નાવિકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે, જ્યારે 3 નાવિકો હજુ પણ ગુમ છે. ઓમાન ખાતે આવેલું ભારતીય દૂતાવાસ ત્યાંના સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને ગુમ થયેલા ભારતીયો માટે મોટા પાયે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યું છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં કોમર્શિયલ જહાજો અને નાગરિક ઠેકાણાઓ પરના હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ જેથી સમુદ્રી માર્ગો પર પરિવહન વહેલી તકે સામાન્ય થઈ શકે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, પલાઉ દેશનો ધ્વજ ધરાવતું આ ઓઇલ ટેન્કર ઈરાન પર અમેરિકાની આગેવાની હેઠળ લાદવામાં આવેલા આર્થિક અને સૈન્ય પ્રતિબંધો (નાકાબંધી) તોડીને ઈરાનના બંદર તરફ આગળ વધી રહ્યું હતું. અમેરિકી સેનાની ચેતવણીઓ અને નિર્દેશોનું પાલન ન કરવા બદલ આ જહાજ પર સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી.
આશ્ચર્યજનક બાબત એ છે કે અમેરિકી નૌસેનાએ બે દિવસમાં ભારતીય ક્રૂ ધરાવતા બીજા જહાજને નિશાન બનાવ્યું છે. ‘સેટેબેલો’ પરના હુમલાના બે દિવસ પહેલા જ અમેરિકાએ અન્ય એક જહાજ ‘એમટી મેરિવક્સ’ પર મિસાઈલ હુમલો કર્યો હતો, જેના કારણે જહાજમાં ભયાનક આગ લાગી ગઈ હતી. આ જહાજ પર પણ 24 ભારતીય નાવિકો સવાર હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે, “બંને જહાજો પર 24-24 ભારતીયો હતા અને તેઓ ઈરાની બંદરોની અમેરિકી નાકાબંધીથી બચીને નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.”
-
ભારતે ઓમાન સરકારનો આભાર માન્યો
પ્રવક્તા રણધીર જાયસવાલે ઉમેર્યું કે, “સોમવારે ‘MT Marivx’ પર થયેલા હુમલા બાદ ભારતીય દૂતાવાસે તાત્કાલિક ઓમાનના સત્તાવાળાઓનો સંપર્ક કર્યો હતો. ઓમાન સરકારે ત્વરિત કાર્યવાહી કરીને તમામ 24 ભારતીય નાવિકોને સુરક્ષિત બચાવી લીધા હતા. મુશ્કેલીના આ સમયમાં ભારતીય નાવિકોના જીવ બચાવવા માટે અમે ઓમાન સરકારની સરાહનીય મદદ બદલ તેમનો આભાર માનીએ છીએ.” હાલ ભારતીય મિશન તમામ નાવિકોના સતત સંપર્કમાં છે.


