1. Home
  2. ગુજરાતી
  3. ડોલરની મોનોપોલી તૂટશે ખરી?
ડોલરની મોનોપોલી તૂટશે ખરી?

ડોલરની મોનોપોલી તૂટશે ખરી?

0
Social Share

(સ્પર્શ હાર્દિક)

પાછલી સદીમાં સંસારે બે મહાયુદ્ધ જોયાં અને એના પરિણામે જેનો સૂર્ય કદી આથમતો ન હોવાનું કહેવાતું એ બ્રિટિશરોનું સામ્રાજ્ય પોતે જ આથમી ગયું. જર્મની અને જાપાન જેવા દેશો પણ ઘણે હદે ખુવાર થઈ ગયા. વિશ્વની સત્તા બે પ્રબળ ધ્રુવો વચ્ચે હાલકડોલક થવા લાગી, જેમાંનું એક રશિયા અને બીજું અમેરિકા. રશિયા તો ખેર કૉલ્ડ વૉર પછી નબળું પડ્યું, પણ અમેરિકાએ ૧૯૪૫માં પરમાણુ શસ્ત્ર વડે તાકત દેખાડીને જે દબદબો હાસલ કરેલો એ છેક ઘણે અંશે આજ સુધી પણ જળવાઈ રહ્યો છે.

અમેરિકાના પાવરનું એક સ્પષ્ટ અને આકર્ષક પ્રતીક એટલે એમનું ચલણી નાણું ડોલર. આ ડોલર કેવી રીતે વિશ્વની સ્ટ્રોંગ કરન્સી બન્યો એનું એક કારણ ૧૯૪૪માં થયેલ ‘બ્રેટન વુડ એગ્રિમેન્ટ’ પણ છે, જેના દ્વારા અમેરિકાએ ડોલરને ગ્લોબલ ટ્રેડની મેઇન કરન્સી બનાવવાનું મહત્વનું પગથિયું સર કર્યું હતું. મિલિટરી પાવર પણ અમેરિકા પાસે ખાસ્સો હોવાથી એની બાયપ્રૉડક્ટ જેમ લગભગ અપરાજેય માની લેવામાં આવેલા અમેરિકાના ડોલર પર અન્ય દેશોનો પણ વિશ્વાસ મજબૂત થયો. ૧૯૭૦ના દાયકામાં ક્રૂડ ઑઇલ ઉત્પાદક દેશોનો સૌથી મોટો ગ્રાહક અમેરિકા ફરી પોતાના પ્રભાવ દ્વારા ક્રૂડ ઑઇલનો મોટા ભાગનો વેપાર ડોલરમાં થાય, વિશ્વના નાના-મોટા દેશોને ડોલરની ગરજ પડતી રહે એવી વ્યવસ્થા ઊભી કરવામાં સફળ રહ્યું. પેટ્રોડોલર પોતાનામાં એક અલાયદા શબ્દ તરીકે ચલણમાં આવ્યો, જે ડોલરનું ક્રૂડ ઓઇલના વેપાર પર આધિપત્ય સૂચવે છે. હાલ જગતના દેશો ડોલરને એક રિઝર્વ કરન્સી તરીકે સાચવવામાં પોતાની ભલાઈ સમજે છે, અને ક્યારેક જો આ રિઝર્વ ડોલર જે-તે દેશ પાસે ઘટી જાય તો એ દેશનું અર્થતંત્ર પડી ભાંગશે એવી હોહા મચી જાય.

કિન્તુ કશું જ કાયમી નથી હોતું. ડોલરનું બળ ઘટ્યું છે અને હજુ ઘટી રહ્યું છે એવું અર્થશાસ્ત્રના તજજ્ઞો અને જીઑપૉલિટિક્સના અભ્યાસુઓ વારંવાર કહી રહ્યા છે. ઑફ કૉર્સ આ ભારત જેવા દેશો માટે અમુક અંશે હકારાત્મક ઘટના છે. ડોલરના મજબૂત પંજાનો ભાર ગ્લોબલ ઇકોનોમીની છાતી પરથી થોડો હળવો થાય તો અન્ય દેશોની કરન્સીરૂપી શ્વાસ પણ ગ્લોબલ ઇકોનોમીમાં પ્રસરે. અત્યાર સુધી ડોલર અમેરિકાનું એક અમોઘ હથિયાર હતું, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પલટાયેલી સ્થિતિને કારણે ઘણા બધા દેશો તક મળે તો પોતાના કે પોતાના મિત્ર જેવા દેશોના ચલણી નાણાથી વેપાર કરવા ઇચ્છતા થાય છે. પરંતુ અત્યારે એવું શું પરિવર્તન આવ્યું કે ડોલરનું સામ્રાજ્ય ડગમગવાના ચિહ્નો દેખાવા લાગ્યા? ચાલો, વિસ્તારથી સમજીએ.

આંતરરાષ્ટ્રિય વેપારમાં લેવડદેવડ શક્ય બનાવતી એક ગ્લોબલ બેન્કિંગ સિસ્ટમ બેલ્જિઅમ સ્થિત કંપની ‘SWIFT’ દ્વારા ઊભી કરવામાં આવેલી છે. એમ સમજો કે ભિન્ન ભિન્ન દેશોના ચલણી નાણાંનાં આદાન પ્રદાનનું મોનિટરીંગ કરવાનું કામ આ કંપની કરે છે. યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યા પછી રશિયાને આ સિસ્ટમમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યું એટલે હવે તેને બાકીના દેશો સાથે આર્થિક વહેવારો કરવાનું મુશ્કેલ બન્યું. આ ઘટના શું દર્શાવે છે? એ જ કે, અમેરિકા ડોલરનો એક હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. ડોલર વગર આજે વિશ્વનો ઘણો બધો આર્થિક વહેવાર શક્ય નથી અને જો કોઈ દેશને દબાવવો કે ઝુકાવવો હોય તો રશિયા સાથે જેવું કર્યું એવું અમેરિકા એ દેશની સાથે પણ કરી શકે છે, અને કર્યું પણ છે. આ ડર આજે ઘણા બધા દેશની સરકારો અને એમના અર્થશાસ્ત્રીઓના મનમાં પેસી ગયો હોવાથી ડોલર પ્રત્યે એક પ્રકારનો અણગમો જન્મ્યો છે.

ભારતે વર્તમાન સમયમાં રશિયા પાસેથી સસ્તામાં સારી એવી માત્રામાં ક્રૂડ ઓઇલ ખરીદ્યું, પણ રશિયા SWIFT સિસ્ટમ બહાર હોવાથી ઘણું બધું પેમેન્ટ પેન્ડિંગ હતું. છેલ્લા સમાચાર એ છે કે ભારતીય કંપનીઓ રશિયાથી આયાત કરાયેલ ક્રૂડ ઓઇલની ચૂકવણી ચીનની કરન્સીથી કરશે. માટે હાલ તો એક સમસ્યા ઉકેલાઈ છે. ડોલર પરનો આપણો આધાર ઘટ્યો ખરો, પણ ચીનને આમાં ફાયદો થાય એ આપણા માટે ખાસ હિતકારક નથી. બકરું કાઢતા ઉંટ ન પેઠી જવું જોઈએ. ઘણા સમયથી ચીન પોતાની કરન્સી રેન્મીન્બી, જેનું પ્રચલિત નામ યુઆન છે, એને બળવાન કરવામાં લાગ્યું છે. ડોલર નબળો પડે તો ચીની ચલણી નાણું ફાવી ન જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. ડોલરની શક્તિ ક્ષીણ કરવા BRICS દેશો, બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા એક પ્રકારની સંયુક્ત કરન્સી કાઢી શકે છે એવી વાત સંભળાતી હતી, પરંતુ એમાં પણ ચીનનો પ્રભાવ વધારે રહે તો ભારતને ખાસ ફાયદો ન થાય.

ભારતના અર્થતંત્રની સૌથી મોટી દુખતી નસ છે ક્રૂડ ઓઇલની આયાત. વિશાળ જનસંખ્યાની વિવિધ પ્રકારની ઊર્જાની ભૂખ પણ એટલી જ વિશાળ હોવાથી આપણને ક્રૂડ ઓઇલ વગર હાલની સ્થિતિમાં ચાલે એમ નથી. મોંઘવારીને પણ આ ક્રૂડ ઓઇલના દર ખાસ્સી અસર કરે છે. જેટલી મોટી આયાત એટલી મોટી ડોલર સ્વરૂપે ચૂકવણી. આથી ભારતનું ફોરેઇન રિઝર્વ ખાસ્સું વપરાઈ જાય છે અને આપણે ડોલર અને એ રીતે અમેરિકાના ગરજવાન બની રહીએ છીએ. વિશ્વવ્યાપારમાં કાયમ ડોલરની લેતીદેતીને બદલે વૈકલ્પિક કરન્સીનો પણ ઉપયોગ થતો રહે તો ભારત જ નહીં પણ ઘણા દેશો પરનું ડોલરનું દબાણ ઘટી જાય. આ સાથે, આપણી રિઝર્વ બેન્ક સહિત અન્ય દેશોની પણ સેન્ટ્રલ બેન્કો સોનુ વધુ ને વધુ ખરીદવા પર ધ્યાન આપી રહી છે.

એક સમયે જે-તે દેશની કરન્સીનો પાવર એની પાસે રહેલા સોના જેવી કિંમતી ધાતુઓના ભંડોળની સરખામણીથી માપવામાં આવતો હતો. અર્થાત જે-તે દેશ પોતાની પાસે જેટલા મૂલ્યનું ભંડોળ હોય એટલા મૂલ્યનું ચલણી નાણું છાપવાનો માપદંડ સ્વીકારતું. મનફાવે એમ નાણું છાપવાથી ફુગાવો વધે અને નાણાનું અવમૂલ્યન કે અધોપતન થાય. પરંતુ બે વિશ્વયુદ્ધો પછી જગતનું આર્થિક દૃશ્ય ખાસ્સું બદલાઈ ગયું. અમેરિકા વિજેતા તરીકે ઊભર્યું અને ૧૯૨૦થી ૧૯૭૦ દરમિયાન ડોલર ભરપૂર વિકસ્યો અને વિશ્વવ્યાપારમાં અનેકગણો વહેતો પણ થયો. પરંતુ આખા વિશ્વના આર્થિક વહેવારોને સંતોષે એટલા ડોલર છાપવા માટે એને સપ્રમાણ માત્રામાં સોનાનું ભંડોળ ન હોવાથી ૧૯૭૧માં રિચર્ડ નિક્સને ડોલરની સરખામણીમાં એટલાં મૂલ્યનું સોનુ રાખવાનો માપદંડ સંપૂર્ણ રીતે ફગાવ્યો. આથી અમેરિકાએ જાતે જ મનફાવે એટલા ડોલર છાપીને જગતમાં ફેલાવવાનો એકાધિકાર સ્થાપિત કર્યો અને ત્યાર બાદ વિશ્વની મોટા ભાગની કરન્સી પણ એમને પીઠબળ આપનાર સોનાના ભંડોળથી અલગ થઈ ગઈ. ડોલર છાપવાનો એકાધિકાર અમેરિકા પાસે હોવાથી એને કદી પણ કોઈ દેશનું ગરજવાન રહેવું નથી પડ્યું, ઉલટાનું વિશ્વના અન્ય દેશો ડોલર માટે વલખતા હોય એવું ચિત્ર ઊભું થયું. પરંતુ હવે સ્થિતિ પલટાઈ રહી છે અને પોતાની કરન્સીનો પાવર સાબિત કરવા માટે, ડોલરની ધાક ઘટે એ માટે ઘણા દેશોએ સોનાની ખરીદી પણ વધારી છે.

ડોલર હજુ વધુ નબળો પડશે તો ભારતને પોતાનો રૂપિયો વિશ્વવ્યાપારમાં એક મોટી કરન્સી તરીકે આગળ કરવાની સારી તક મળશે. ડોલર પછી યુરો, જાપાનિઝ યેન અને પાઉન્ડ સ્ટર્લિંગ વિશ્વવ્યાપારના સૌથી આગળની હરોળમાં દોડતા અશ્વો છે અને આ રેસમાં પ્રથમ પંક્તિમાં સ્થાન મેળવવા માટે ભારતે ચીનના યુઆન સહિત ઘણા દેશોની કરન્સીને માત આપવી પડશે. ભારતે આ દિશામાં પ્રયાસો શરૂ કરી જ દીધા છે અને અન્ય દેશો સાથેના આર્થિક વહેવારો રૂપિયામાં થાય એના પર ભાર આપવામાં આવી રહ્યો છે. આશા રાખીએ કે એ દિવસ જલદી આવે જ્યારે તાકતવર વિદેશી કરન્સી સામે ભારતનો રૂપિયો હજુ વધારે ગર્વથી ચળકતો હશે.

hardik.sparsh@gmail.com

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code