1. Home
  2. ગુજરાતી
  3. વર્લ્ડ કપ ફાઈનલનો ક્રેઝ: ટિકિટોના કાળાબજાર કરનાર ઝડપાયો
વર્લ્ડ કપ ફાઈનલનો ક્રેઝ: ટિકિટોના કાળાબજાર કરનાર ઝડપાયો

વર્લ્ડ કપ ફાઈનલનો ક્રેઝ: ટિકિટોના કાળાબજાર કરનાર ઝડપાયો

0
Social Share

અમદાવાદ, 7 માર્ચ 2026: અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર આઈસીસી ટી-20 વર્લ્ડ કપ-2026ની ફાઈનલ મેચને લઈને ક્રિકેટ જગતમાં ભારે ઉત્તેજના વ્યાપેલી છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ક્રિકેટ પ્રેમીઓમાં જબરો ઉત્સાહ છે, પરંતુ આ ઉત્સાહનો ગેરફાયદો ઉઠાવી ટિકિટોનું કાળાબજાર (બ્લેક માર્કેટિંગ) કરતા તત્વો પણ સક્રિય થયા છે. જોકે, અમદાવાદ પોલીસે આવા તત્વો સામે કડક વલણ અપનાવીને એક્શન મોડમાં કામગીરી શરૂ કરી છે.

મળતી વિગતો મુજબ, મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં મેચની ટિકિટોના કાળાબજાર થઈ રહ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે એલસીબી ઝોન-2ની ટીમે ચાંદખેડા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે એક શખ્સ ઓનલાઇન બુક કરેલી ટિકિટોને ચાહકોની મજબૂરીનો લાભ ઉઠાવી અત્યંત ઊંચા અને મનસ્વી ભાવે વેચી રહ્યો છે. બાતમીવાળી જગ્યાએ પોલીસે છટકું ગોઠવીને વોચ રાખી હતી. આ દરમિયાન મોટેરા સ્ટેડિયમની બહારથી જ ટિકિટોનો સોદો કરી રહેલા એક યુવકને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપી પાસેથી મેચની અનેક ટિકિટો મળી આવી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસે આ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ધરપકડ કરી છે.

પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કાળાબજારના ખેલમાં અન્ય કોઈ મોટા માથાઓ કે સિન્ડિકેટ સામેલ છે કે કેમ? પકડાયેલા યુવકે આટલી મોટી સંખ્યામાં ટિકિટો ક્યાંથી મેળવી અને તેની સાથે બીજા કેટલા લોકો જોડાયેલા છે, તે જાણવા માટે પોલીસ દ્વારા મોબાઈલ ડિટેલ્સ અને નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. ફાઈનલ મેચ પહેલા પોલીસની આ કાર્યવાહીથી કાળાબજારિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ જંગ માટે સ્ટેડિયમ અભેદ્ય કિલ્લામાં ફેરવાયું

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code