1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમિત શાહનો અમદાવાદ પોલીસ અને NHAI ને નિર્દેશ, એસ.જી. હાઈવેને ટ્રાફિક મુક્ત કરો
અમિત શાહનો અમદાવાદ પોલીસ અને NHAI ને નિર્દેશ, એસ.જી. હાઈવેને ટ્રાફિક મુક્ત કરો

અમિત શાહનો અમદાવાદ પોલીસ અને NHAI ને નિર્દેશ, એસ.જી. હાઈવેને ટ્રાફિક મુક્ત કરો

0
Social Share

અમદાવાદ, 16 મે 2026: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થાપનને લઈને એક અત્યંત મહત્વની અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. એસ.જી. હાઈવે પર દિનપ્રતિદિન વકરી રહેલી ટ્રાફિકની સમસ્યા અને શહેરમાં ક્રાઈમ રેટને કાબૂમાં લેવા અંગે આ બેઠકમાં ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ગૃહમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી છે કે વાહનચાલકોને કોઈ હાલાકી ન પડવી જોઈએ અને ટ્રાફિકનું સંચાલન સુગમ બને તે માટે તાત્કાલિક અસરથી નક્કર આયોજન કરવામાં આવે.

અમદાવાદની જીવાદોરી સમાન એસ.જી. હાઈવે પર વાહનોની સ્પીડ વધારવા અને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની ગૃહમંત્રીએ વ્યક્તિગત રીતે સમીક્ષા કરી હતી. તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના આપતાં જણાવ્યું કે, હાઈવે પર નિર્માણાધીન ઓવરબ્રિજની આસપાસ જ્યાં ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે, ત્યાં વાહનચાલકોની સુરક્ષા માટે વિશેષ બેરિકેડિંગ અને સાઈનબોર્ડ જેવી તકેદારી રાખવામાં આવે. ખાસ કરીને પીક-અવર્સ (સવાર-સાંજના વ્યસ્ત સમય) દરમિયાન જંકશનો પર ટ્રાફિક જામ ન સર્જાય તે માટે અત્યારથી જ સ્પેશિયલ એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ અપાયા છે.

આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગૃહમંત્રી સમક્ષ અમદાવાદના વર્તમાન ક્રાઈમ રેટ અને ગુનાખોરીને ડામવા માટે પોલીસ વિભાગ દ્વારા લેવાયેલા પગલાંનું વિગતવાર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. અમિત શાહે આ રિપોર્ટની ખૂબ જ બારીકાઈથી સમીક્ષા કરી હતી અને શહેરમાં ગુનાખોરી ગ્રાફ નીચે લાવવા માટે પોલીસ કમિશનરને ખાસ ટકોર કરી હતી. તેમણે જણાવ્યું કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત થવી જોઈએ અને ગુનેગારોમાં પોલીસનો ખોફ કાયમ રહેવો જોઈએ જેથી સામાન્ય નાગરિકો પોતે સુરક્ષિત અનુભવી શકે. ગૃહમંત્રી અમિત શાહની આ મેગા સમીક્ષા બેઠક બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આગામી દિવસોમાં એસ.જી. હાઈવેના ટ્રાફિક મેનેજમેન્ટ, સ્માર્ટ સિગ્નલિંગ અને શહેરની એકંદર સુરક્ષા વ્યવસ્થામાં મોટા અને સકારાત્મક બદલાવ જોવા મળશે.

આ પણ વાંચોઃ અમદાવાદ સોની બજારમાં સોના-ચાંદીના વેપારમાં મોટો કડાકો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code