Homeગુજરાતીદેશ-વિદેશકેનેડામાં લોરેન્સ ગેંગ સામે એક્શન: 200 સભ્યોને દેશ છોડવાનો ઓર્ડર, 111 ને...

કેનેડામાં લોરેન્સ ગેંગ સામે એક્શન: 200 સભ્યોને દેશ છોડવાનો ઓર્ડર, 111 ને કરાયા ડીપોર્ટ

ઓટાવા, 23 સપ્ટેમ્બર 2026: કેનેડામાં સક્રિય ભારતીય મૂળની ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ વિરુદ્ધ કેનેડિયન સુરક્ષા અને તપાસ એજન્સીઓએ પોતાની કાર્યવાહી અત્યંત ઝડપી બનાવી દીધી છે. કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી અને સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ હવે સુરક્ષા એજન્સીઓ માટે પ્રાથમિક ટાર્ગેટ બની ગયું છે. એજન્સીઓએ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા 200 જેટલા સભ્યોને કેનેડા છોડી દેવાનો આદેશ આપ્યો છે, જેમાંથી અત્યાર સુધીમાં આશરે 111 જેટલા લોકોને દેશમાંથી ડીપોર્ટ (દેશનિકાલ) કરી દેવામાં આવ્યા છે. આ વ્યાપક કાર્યવાહી વચ્ચે 25 વર્ષીય જશનદીપ સિંહનો કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જશનદીપ સિંહ ભારતીય નાગરિક છે અને ડિસેમ્બર 2022માં વિદ્યાર્થી વિઝા પર કેનેડા પહોંચ્યો હતો. કેનેડાના ઇમિગ્રેશન એન્ડ રિફ્યુજી બોર્ડે જુલાઈમાં તેને કેનેડામાં રહેવા માટે અયોગ્ય ઠેરવી દેશમાંથી બહાર મોકલવાનો આદેશ આપ્યો છે. તપાસ એજન્સીઓનો આરોપ છે કે જશનદીપનો સીધો સંબંધ લોરેન્સ બિશ્નોઈના આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક સાથે હતો.

  • સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોથી ભેદ ખુલ્લો

જશનદીપ સિંહ સામેની કાર્યવાહીનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા પર સામે આવેલો એક વાયરલ વીડિયો બન્યો હતો. આ વીડિયો ઓગસ્ટ 2025માં એડમોન્ટનમાં યોજાયેલી એક બર્થડે પાર્ટીનો હોવાનું સામે આવ્યું છે. આ પાર્ટીમાં બિશ્નોઈ ગેંગનો મિડલ મેનેજર મનાતો અર્શદીપ સિંહ પણ હાજર હતો. નોંધનીય છે કે અર્શદીપ સિંહને 2026માં કેનેડામાંથી ડિપોર્ટ કરી દેવામાં આવ્યો છે.

વીડિયોમાં પાર્ટી દરમિયાન લોકો વચ્ચે પિસ્તોલ ફેરવવામાં આવતી દેખાય છે. ત્યારબાદ આખું ગ્રુપ એક ગ્રામીણ વિસ્તારમાં જાય છે, જ્યાં અર્શદીપ સિંહ કથિત રીતે હવાઈ ફાયરિંગ કરીને ઓછામાં ઓછા 5 રાઉન્ડ ગોળીબાર કરતો જોવા મળે છે. વીડિયોમાં એક કારની ટ્રંક (ડિક્કી) પર બર્થડે કેક પણ રાખેલી દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઘટનાસ્થળેથી વપરાયેલા કારતૂસના ખોખા પણ જપ્ત કર્યા હતા.

  • ફાયરિંગ અને એક્સ્ટોર્શન નેટવર્ક સાથે કનેક્શન

તપાસ આગળ વધતાં આ હથિયાર અને ફાયરિંગનો સંબંધ બ્રિટિશ કોલંબિયાના સરે વિસ્તારમાં આવેલા એક કેફે પર થયેલા ગોળીબાર સાથે જોડાયેલો હોવાનું ખુલ્યું હતું. આ ઘટના કેનેડાના લોઅર મેનલેન્ડ વિસ્તારમાં ચાલી રહેલા ખંડણી (એક્સ્ટોર્શન) નેટવર્કની તપાસનો એક ભાગ હતી. આ મામલે જશનદીપ સિંહ પણ પોલીસના રડારમાં આવી ગયો હતો. ઇમિગ્રેશન સુનાવણી દરમિયાન તેણે બિશ્નોઈ ગેંગ સાથેના સંબંધો નકાર્યા હતા અને વીડિયો અંગે અલગ-અલગ દલીલો કરી હતી, પરંતુ ઇમિગ્રેશન બોર્ડે તેના નિવેદનોને અવિશ્વસનીય ગણાવીને તેને ડીપોર્ટ કરવાનો ચુકાદો આપ્યો હતો.

કેનેડામાં બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા લોકો પર ટેરર, એક્સ્ટોર્શન, ડ્રગ્સ ટ્રાફિકિંગ અને કોન્ટ્રેક્ટ કિલિંગ જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપો છે. દરમિયાન સપ્ટેમ્બર 2026માં બિશ્નોઈ ગેંગ તરફથી સામે આવેલા એક કથિત પત્રએ ભારે સળવળાટ મચાવ્યો હતો. આ પત્રમાં ગેંગે કેનેડામાં પોતાના 5000 શૂટર્સ હોવાનો દાવો કર્યો હતો અને કેનેડામાં પોતાનું વર્ચસ્વ જમાવવાની ધમકી પણ આપી હતી, જેનાથી સુરક્ષા એજન્સીઓની ચિંતામાં ભારે વધારો થયો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular