Homeગુજરાતીગુજરાતસિદ્ધપુરમાં વર્ષોની પરંપરા મુજબ દશેરાના દિવસે રંગ-બેરંગી પતંગોથી આકાશ છવાઈ જશે

સિદ્ધપુરમાં વર્ષોની પરંપરા મુજબ દશેરાના દિવસે રંગ-બેરંગી પતંગોથી આકાશ છવાઈ જશે

પાટણઃ સિદ્ધપુર શહેર એ એક ઐતિહાસિક નગરી છે. સરસ્વતી નદીના કિનારે આવેલા આ શહેરમાં અનેક પૌરાણિર મંદિરો આવેલા છે. માતૃ તર્પણ માટે દેશભરમાંથી લોકો આવે છે. સિદ્ધપુરમાં અનેક વાર-તહેવારો રંગેચંગે ઊજવાતા હોય છે પણ દશેરાના પર્વમાં દશેરાના દિને આકાશમાં રંગ-બેરંગી પતંગો ચગાવીને લોકો પ્રવની ઊજવણી કરે છે. સમગ્ર દેશમાં ઉતરાયણના દિવસે પતંગ મહોત્સવ ઉજવાય છે. જ્યારે સિદ્ધપુરમાં ઉતરાયણના દિવસે માત્ર દાન પુન્ય કરવામાં આવે છે અને પતંગ મહોત્સવ ઉત્તરાયણની જગ્યાએ દશેરાના દિવસે ઉજવવામાં આવે છે. જેથી શુક્રવારે સિદ્ધપુરમાં પતંગોના પેચ જામશે અને એ લપેટની ચીસો ગુંજશે.

સિદ્ધપુર શહેરમાં દશેરાના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે.. સાથોસાથ લોકો ફાફડા જલેબીની પણ મજા માણશે. હાલમાં બજારમાં પતંગ અને દોરીની ખરીદી કરવા તેમજ માંજો પીવરાવવા માટે લોકોની ભીડ જામી રહી છે.દશેરાના દિવસે પતંગોત્સવ થતો હોય તેવું સમગ્ર ભારત દેશમાં એક માત્ર શહેર સિદ્ધપુર જ છે. દશેરાની અનોખી પતંગોત્સવથી થતી ઉજવણી માટે હાલમાં બજારમાં ઠેર ઠેર માંજો પીવરાવવાના ચરખા લાગી ગયા છે તો અનેક પતંગોની દુકાનો પણ ખુલી ગઈ છે. 70 રૂપિયા પ્રતિ કોડીથી લઈ અનેક ક્વોલીટીના અવનવા પતંગો બજારમાં વેચાઈ રહ્યા છે તો રેડીમેડ બરેલી દોરીએ પણ બજારમાં આકર્ષણ જમાવ્યું છે.

સિદ્ધપુરના કર્મકાંડી પંડિતોના જણાવ્યા મુજબ તા. 14 જાન્યુઆરીના દિવસે જ મકરસંક્રાંતિ નિમિત્તે દેશભરમાં પતંગોત્સવ ઉજવાય છે, પરંતુ સિદ્ધપુરના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહનું વર્ષો પહેલાં 14 જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે જ અવસાન થયું હોવાથી સિદ્ધપુરમાં તે દિવસે શોક મનાવાય છે અને તે દિવસને બદલે દશેરાએ પતંગોત્સવ ઉજવાય છે. સિદ્ધપુર શહેર સાથે જોડાયેલી કેટલીક સામાજિક સંસ્થાઓ આ પ્રથા બદલીને ઉત્તરાયણને દિવસે પણ પતંગોત્સવ ઉજવવા લોકોને પ્રેરણા આપવા મફતમાં પતંગ દોરાની વહેંચણી પણ કરે છે .જોકે, હજુ સુધી ધારી સફળતા મળી નથી અને લોકો દશેરાના દિવસે જ પતંગોત્સવની ઉજવણી કરે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular