1. Home
  2. ગુજરાતી
  3. તપાસ દરમિયાન અધિકારીઓને ડરાવવાનો મમતા બેનર્જી ઉપર ઈડીએ લગાવ્યો આરોપ
તપાસ દરમિયાન અધિકારીઓને ડરાવવાનો મમતા બેનર્જી ઉપર ઈડીએ લગાવ્યો આરોપ

તપાસ દરમિયાન અધિકારીઓને ડરાવવાનો મમતા બેનર્જી ઉપર ઈડીએ લગાવ્યો આરોપ

0
Social Share

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ I-PAC ના ઓફિસ અને તેના કો-ફાઉન્ડર પ્રતીક જૈનના નિવાસસ્થાને EDના દરોડા બાદ સર્જાયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બુધવારે જસ્ટિસ પી.કે. મિશ્રા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચ સમક્ષ થયેલી સુનાવણીમાં ED અને બંગાળ સરકાર વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. EDએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તપાસમાં અવરોધ ઊભો કર્યો હતો, જ્યારે બંગાળ સરકારે ED પર એજન્સીનો ‘હથિયાર’ તરીકે ઉપયોગ કરવાનો વળતો આરોપ લગાવ્યો છે.

ED તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ કોર્ટમાં જણાવ્યું હતું કે, એજન્સીને હથિયાર બનાવવામાં આવી રહી નથી, પરંતુ તપાસ દરમિયાન અધિકારીઓને ડરાવવામાં આવ્યા છે. EDએ પોતાની અરજીમાં માગ કરી છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યના DGP અને કોલકાતા પોલીસ કમિશનર વિરુદ્ધ FIR નોંધવામાં આવે, કારણ કે તેઓએ કથિત રીતે દરોડાની જગ્યાએ પહોંચીને તપાસમાં અવરોધ નાખ્યો હતો.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોગંદનામામાં તમામ આરોપોને નકારતા જણાવ્યું હતું કે, 8 જાન્યુઆરીએ તેઓ પ્રતીક જૈનના નિવાસસ્થાને અને I-PAC ઓફિસે એટલે ગયા હતા કારણ કે તેમને માહિતી મળી હતી કે ED દ્વારા તૃણમૂલ કોંગ્રેસનો સંવેદનશીલ રાજકીય ડેટા એક્સેસ કરવામાં આવી રહ્યો છે. આ ડેટા 2026ની વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના અને સંભવિત ઉમેદવારોની યાદી સાથે સંબંધિત હતો. મમતા બેનર્જીએ દાવો કર્યો કે તેમણે વિનમ્રતાપૂર્વક ડેટા અને ફાઇલો પરત માગી હતી, જે EDના અધિકારીઓએ આપી દીધી હતી અને ત્યારબાદ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.

સોગંદનામામાં એવો પણ તર્ક આપવામાં આવ્યો છે કે કોલસા કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસ કે તેના કોઈ હોદ્દેદારો આરોપી નથી, તો પછી ED શા માટે પાર્ટીના ગુપ્ત ડેટા પર દાવો કરી રહી છે? બંગાળ સરકારનો આરોપ છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા જાણી જોઈને I-PAC ને નિશાન બનાવવામાં આવી રહી છે. તેમજ ED પાસે આ દરોડાનું કોઈ ઓડિયો કે વીડિયો રેકોર્ડિંગ નથી, જે તેની પારદર્શિતા પર સવાલ ઉઠાવે છે. સુપ્રીમ કોર્ટે હવે આ મામલે વધુ સુનાવણી હોળી પછી, એટલે કે 18 માર્ચ પર મુલતવી રાખી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ઐદ્યોગિક વિકાસને વેગ આપવા માટે નાણા મંત્રીએ કઈ જાહેરાત કરી.. જાણો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code