1. Home
  2. ગુજરાતી
  3. ઈરાન સંકટ પર એક્શનમાં મોદી સરકાર: અમિત શાહના નેતૃત્વમાં સ્પેશિયલ-3 કમિટીની રચના
ઈરાન સંકટ પર એક્શનમાં મોદી સરકાર: અમિત શાહના નેતૃત્વમાં સ્પેશિયલ-3 કમિટીની રચના

ઈરાન સંકટ પર એક્શનમાં મોદી સરકાર: અમિત શાહના નેતૃત્વમાં સ્પેશિયલ-3 કમિટીની રચના

0
Social Share

નવી દિલ્હી, 12 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં સતત ઘેરાઈ રહેલા ઈરાન સંકટ અને તેના કારણે ભારતમાં ઉભી થયેલી ગેસની અછતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વૈશ્વિક પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે ત્રણ પ્રભાવશાળી મંત્રીઓની એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ ખાસ સમિતિની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કરશે. આ સમિતિમાં અન્ય બે મહત્વના સભ્યો વિદેશ મંત્રી એસ. જયશંકર અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમિતિએ અત્યાર સુધીમાં અનેક બેઠકો કરી છે. આ મંત્રીઓ અન્ય મંત્રાલયો, સરકારી વિભાગો અને રાજ્યો સાથે સંકલન સાધીને સુનિશ્ચિત કરશે કે દેશમાં ઉર્જા પુરવઠો ખોરવાય નહીં.

વડાપ્રધાને પોતાના મંત્રીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે, દેશમાં વર્તમાન સ્થિતિનો ફાયદો ઉઠાવીને ‘ગભરાટનું વાતાવરણ’ઉભું કરનારા લોકો પર કડક નજર રાખવામાં આવે. પીએમએ મંત્રીઓને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા અને વિપક્ષ દ્વારા કરવામાં આવતા પ્રચારનો આક્રમક રીતે જવાબ આપવા જણાવ્યું છે, જેથી જનતામાં કોઈ ખોટો સંદેશ ન જાય. બીજી તરફ, ગેસ અને ઇંધણ સંકટ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશની ઉર્જા સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે મોદી સરકારની વિદેશ નીતિને આ સંકટ માટે જવાબદાર ઠેરવતા કહ્યું કે જો સમયસર રણનીતિ નહીં બદલાય તો આમ જનતાએ મોટું નુકસાન ભોગવવું પડશે અને એલપીજીની સમસ્યા વિકરાળ બનશે.

આ પણ વાંચોઃ વૈશ્વિક તેલ સંકટ: તેલના ભાવ 200 ડોલરને પાર પહોંચવાની ભીતિ વ્યક્ત કરી ઈરાને

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code