અમદાવાદ, 28 સપ્ટેમ્બર, 2026 : Gen Z entrepreneur enters Gujarat’s ₹ 1.4 lakh crore semiconductor ecosystem 18 વર્ષની ઉંમરે જ્યારે આજના મોટાભાગના યુવાનો આંત્રપ્રિન્યોર્સ AI, એપ્લિકેશન્સ અને ડિજિટલ ક્ષેત્રે ખેડાણ કરતા હોય છે, ત્યારે ગુજરાતના યુવાને ‘પ્રિસિઝન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ’ દ્વારા એક અલગ કેડી કંડારવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના રેહાન મન્સુરીએ માઇક્રોનેક્સ (Micronex) સ્ટાર્ટઅપ સાથે આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. આ સ્ટાર્ટઅપ સાણંદમાં લીડ ફ્રેમ્સનું નિર્માણ કરશે, જે ખૂબ જ પાતળી ધાતુની ફ્રેમ હોય છે અને સેમિકન્ડક્ટર ચિપ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
સપ્ટેમ્બર 17થી 19 દરમિયાન નવી દિલ્હીમાં આયોજિત *‘સેમિકોન ઇન્ડિયા 2026’* કાર્યક્રમમાં માઇક્રોનેક્સ (Micronex) અને કેઈન્સ સેમિકોન વચ્ચે વ્યવસાયિક ભાગીદારી માટે MoU કરવામાં આવ્યા છે, જેના દ્વારા આ સ્ટાર્ટઅપ માટે સેમિકન્ડક્ટર કંપનીઓ માટે લીડ ફ્રેમ સપ્લાય કરવાની તક ખુલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં જ્યારે સેમિકન્ડક્ટર ક્ષેત્ર મજબૂત બની રહ્યુ છે ત્યારે તેમાં હવે યુવાનો માટે નવી સંભાવનાઓ ખુલી ગઈ છે.
રાજ્યમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ₹1.4 લાખ કરોડ જેટલું રોકાણ આવ્યું છે. ભારત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ ગુજરાતમાં છે. આ આંકડો માત્ર રોકાણની દૃષ્ટિએ જ નહીં, પરંતુ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજિંગ, ડિઝાઇન અને સંશોધન ક્ષેત્રે ગુજરાતની વધતી ક્ષમતાનો પણ પુરાવો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે માત્ર રોકાણ મેળવવા પર જ ધ્યાન નથી આપ્યું, પરંતુ જરૂરી કૌશલ્ય ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા પર પણ ભાર મૂક્યો છે. PDEU દ્વારા માઇક્રોન ટેક્નોલોજીના સહયોગથી ATMP તાલીમ કેન્દ્ર વિકસાવવામાં આવી રહ્યું છે. GTU ખાતે ChipIN એક્સ્ટેન્શન સેન્ટર અને સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરવામાં આવી રહી છે, જ્યાં વિદ્યાર્થીઓને VLSI ડિઝાઇન અને ચિપ ડિઝાઇનની સમગ્ર પ્રક્રિયાની તાલીમ મળશે.
ધોલેરા ITI ખાતે સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે ભારતનો પ્રથમ UHP વેલ્ડિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. MeitY અને DST ગુજરાતના સહયોગથી IIT ગાંધીનગરમાં અદ્યતન સેમિકન્ડક્ટર ઉત્પાદન સંશોધન અને તાલીમ માટે સમર્થ કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવી છે.


