1. Home
  2. ગુજરાતી
  3. ઈરાન સંઘર્ષ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરારનો ડ્રાફ્ટ ફગાવ્યો
ઈરાન સંઘર્ષ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરારનો ડ્રાફ્ટ ફગાવ્યો

ઈરાન સંઘર્ષ: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરારનો ડ્રાફ્ટ ફગાવ્યો

0
Social Share

ન્યૂયોર્ક, 1 જૂન 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને શાંત કરવાના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. બંને દેશો વચ્ચે સંઘર્ષવિરામ માટે ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રસ્તાવિત કરારના ડ્રાફ્ટને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. ટ્રમ્પે આ ડ્રાફ્ટ પાછો મોકલી દીધો છે અને તેમાં અનેક મહત્વપૂર્ણ તેમજ કડક ફેરફારો કરવાનો આદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિના આ આકરા વલણના કારણે બંને દેશો વચ્ચેની મંત્રણા વધુ લંબાઈ શકે છે અને કરારને લઈને ફરી એકવાર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે.

આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ તેમના ઉચ્ચ સ્તરીય સલાહકારો સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે વર્તમાન ડ્રાફ્ટ અમેરિકાના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરતો નથી. તેમણે ઈરાનના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ પર વધુ કડક પ્રતિબંધો અને શરતો ઉમેરવા પર ભાર મૂક્યો છે, જેથી ભવિષ્યમાં ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવી ન શકે.

આ પ્રસ્તાવિત કરારમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે વૈશ્વિક વેપાર અને સુરક્ષાના દૃષ્ટિકોણથી વધુ એક કડક શરત ઉમેરવા કહ્યું છે. ટ્રમ્પે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઓઇલ ટ્રેડ રૂટ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ને સંપૂર્ણ રીતે ખુલ્લો રાખવાને આ કરારનો અનિવાર્ય ભાગ બનાવવા પર ભાર મૂક્યો છે. વૈશ્વિક તેલ પુરવઠાનો મોટો હિસ્સો આ દરિયાઈ માર્ગેથી પસાર થાય છે, જેના પર ઈરાન અવારનવાર પોતાનો પ્રભાવ બતાવવાનો પ્રયાસ કરે છે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગની સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી આપે.

ગલ્ફ પ્રદેશમાં શાંતિ સ્થાપવા માટે ચાલી રહેલી આ વાટાઘાટો હવે અંતિમ તબક્કામાં હોવાનું મનાતું હતું, પરંતુ ટ્રમ્પના આ આદેશ બાદ હવે સમગ્ર પ્રક્રિયા ફરીથી પાટા પરથી ઉતરી ગઈ છે. રાજદ્વારી નિષ્ણાતોના મતે, ઈરાન અમેરિકાની આ નવી અને કડક શરતોનો સ્વીકાર કરશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. જો ઈરાન આ શરતો નકારે તો મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં ફરી એકવાર યુદ્ધ અને તણાવની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code