1. Home
  2. revoinews
  3. આણંદ કૃષિ યુનિવર્સિટીને IIRF રેન્કિંગમાં દેશભરમાં 13મો ક્રમ: ગુજરાતના કૃષિ શિક્ષણને રાષ્ટ્રીય ગૌરવ
આણંદ કૃષિ યુનિવર્સિટીને IIRF રેન્કિંગમાં દેશભરમાં 13મો ક્રમ: ગુજરાતના કૃષિ શિક્ષણને રાષ્ટ્રીય ગૌરવ

આણંદ કૃષિ યુનિવર્સિટીને IIRF રેન્કિંગમાં દેશભરમાં 13મો ક્રમ: ગુજરાતના કૃષિ શિક્ષણને રાષ્ટ્રીય ગૌરવ

0
Social Share

આણંદ, 2 જૂન, 2026 – આણંદ કૃષિ યુનિવર્સિટીને IIRF રેન્કિંગમાં દેશભરમાં 13મો ક્રમ પ્રાપ્ત થયો છે. એ દ્વારા ગુજરાતના કૃષિ શિક્ષણને રાષ્ટ્રીય ગૌરવ પ્રાપ્ત થયું હોવાનું કૃષિ યુનિવર્સિટી દ્વારા જારી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ગુજરાતની અગ્રણી અને પ્રતિષ્ઠિત કૃષિ યુનિવર્સિટી એવી આણંદ કૃષિ યુનિવર્સિટી (AAU), આણંદે IIRF (International Institutional Ranking Framework) India Ranking 2026 દ્વારા જાહેર કરાયેલ તાજેતરના રાષ્ટ્રીય મૂલ્યાંકનમાં દેશની શ્રેષ્ઠ કૃષિ અને બાગાયત યુનિવર્સિટીઓમાં 13મો ક્રમ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

IIRF India Ranking 2026 ભારતની એક પ્રતિષ્ઠિત અને સ્વતંત્ર રેન્કિંગ આપતી સંસ્થા છે, જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું મૂલ્યાંકન માત્ર શૈક્ષણિક ગુણવત્તાના આધારે જ નહીં પરંતુ સંશોધન, રોજગારક્ષમતા, ઉદ્યોગ સાથેના સંબંધો, નવીનતા, સ્ટાર્ટઅપ અને ઇન્ક્યુબેશન, સામાજિક પ્રભાવ, વિદ્યાર્થી વિકાસ, આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ અને સંસ્થાકીય વિકાસ જેવા વ્યાપક માપદંડોના આધારે કરવામાં આવે છે. દેશભરની હજારો સંસ્થાઓમાંથી વિવિધ પરિમાણો પર થયેલા મૂલ્યાંકન બાદ IIRF દ્વારા વિવિધ યુનિવર્સિટીઓનું મૂલ્યાંકન કરવાંમાં આવે છે.

આણંદ કૃષિ યુનિવર્સિટી

આણંદ કૃષિ યુનિવર્સિટી વર્ષોથી કૃષિ શિક્ષણ, સંશોધન અને ખેડૂતો સુધી ટેકનોલોજી પહોંચાડવાના ક્ષેત્રમાં અગ્રેસર રહી છે. ગુજરાતના કૃષિ વિકાસમાં યુનિવર્સિટીનું અનેરૂ યોગદાન રહ્યું છે. આધુનિક કૃષિ સંશોધન, ગુણવત્તાસભર શિક્ષણ, નવીન કૃષિ તકનીકો, કૃષિ ઉદ્યોગસાહસિકતા અને ખેડૂત કલ્યાણ માટેના કાર્યક્રમો દ્વારા યુનિવર્સિટીએ રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે સદર રેન્કિંગમાં પશ્ચિમ ભારતની કૃષિ યુનિવર્સિટીઓમાં આણંદ કૃષિ યુનિવર્સિટીએ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરીને ગુજરાતના કૃષિ શિક્ષણને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવી છે.

આ પણ વાંચોઃ દુનિયાની ભાવિ સલામતી માટે આ બે પુસ્તક સીમાચિહ્ન સાબિત થઈ શકે તેમ છે…

દેશના લોખંડી પુરુષ અને ભારતના એકીકરણના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂત, ગામડાં અને શિક્ષણના સમન્વયથી સમૃદ્ધ ભારતનું જે સ્વપ્ન જોયું હતું, તે સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આણંદ કૃષિ યુનિવર્સિટી સતત પ્રગતિના નવા સોપાનો સર કરી રહી છે. કૃષિ શિક્ષણને આધુનિકતા, સંશોધન અને રાષ્ટ્રસેવાના મૂલ્યો સાથે જોડીને યુનિવર્સિટી નવી પેઢીને સશક્ત બનાવી રહી છે.

યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. એન. આઈ. શાહ અને સર્વે યુનિવર્સિટી અધિકારીશ્રીઓ દ્વારા આ સિદ્ધિ બદલ AAUના વૈજ્ઞાનિકો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, પૂર્વ હોદેદારો અને અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ. આ સિદ્ધિ આગામી વર્ષોમાં યુનિવર્સિટીને વધુ ઊંચા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુકામો સર કરવાની પ્રેરણા આપશે.

આ પ્રસંગે સમગ્ર યુનિવર્સિટી પરિવાર, ગુજરાતના ખેડૂતો અને રાજ્યના નાગરિકોને ગૌરવની લાગણી અનુભવાઈ રહી છે. આણંદ કૃષિ યુનિવર્સિટી ભવિષ્યમાં પણ કૃષિ શિક્ષણ, સંશોધન અને ગ્રામ વિકાસના ક્ષેત્રે શ્રેષ્ઠતા જાળવી રાખીને રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપતી રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code