Homeગુજરાતીઈરાન સાથેની ડીલ સફળ રહેશે, પણ અમે ત્યાં એક પણ રૂપિયો રોકાણ...

ઈરાન સાથેની ડીલ સફળ રહેશે, પણ અમે ત્યાં એક પણ રૂપિયો રોકાણ કરવાના નથી: ટ્રમ્પ

એવિયન (ફ્રાન્સ), 16 જૂન 2026: ફ્રાન્સના એવિયન શહેરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કતરના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની વચ્ચે એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન સાથે થયેલા તાજેતરના શાંતિ કરાર અંગે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ઈરાન સાથે કરાર જરૂર કરી રહ્યું છે, પરંતુ અમે ઈરાનમાં એક પણ પૈસાનું રોકાણ કરવાના નથી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાગેર ગાલિબાફે આ ઐતિહાસિક શાંતિ કરાર પર ડિજિટલ માધ્યમથી હસ્તાક્ષર કર્યા છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “અમે ઈરાન સાથે ડીલ કરી છે અને તે સફળ થવી જોઈએ. હવે આ પ્રક્રિયા બીજા તબક્કામાં પ્રવેશશે, જે મને લાગે છે કે વધુ સરળ રહેશે. ગયા અઠવાડિયે અમે ઈરાન પર હુમલો કરવા નહોતા માંગતા, પણ અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો અને અમે બે વાર કાર્યવાહી કરી. અમે ત્રીજી વાર પણ હુમલો કરવાના હતા, પરંતુ તેની જરૂર ન પડી. અમારી આ ડીલ એકદમ વ્યાજબી અને સારી છે. પરંતુ હું સ્પષ્ટ કરી દઉં કે અમે ઈરાનમાં કોઈ નાણાકીય રોકાણ નથી કરી રહ્યા અને ભવિષ્યમાં જો જરૂર જણાશે તો અમને ઈરાનમાં ઘૂસીને ઓપરેશન કરવાનો સંપૂર્ણ અધિકાર છે.”

ટ્રમ્પે ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, “મારા માટે સૌથી મહત્વની બાબત એ છે કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર ન હોવા જોઈએ. કરારમાં આ વાત સ્પષ્ટ લખવામાં આવી છે કે તેઓ પરમાણુ હથિયાર ન તો બનાવશે, ન ખરીદશે અને ન તેનો ઉપયોગ કરશે. જો તેઓ આ નિયમ તોડશે, તો તેમણે એવા ભયાનક પરિણામો ભોગવવા પડશે જેની હું અત્યારે કલ્પના પણ નથી કરાવી શકતો. જો કે, મને આશા છે કે અમારા સંબંધો સારા રહેશે.” ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે તેઓ ઈરાનમાં સત્તા પરિવર્તન કરવા નથી માંગતા અને અત્યારના ઈરાની નેતાઓ કટ્ટરપંથી નથી પરંતુ સમજદાર છે.

  • રશિયા-યુક્રેન યુદ્ધ પર ટ્રમ્પ ચિંતિત: ‘મેં 8 યુદ્ધો ઉકેલ્યા છે, આ પણ ઉકેલીશ’

બીજી તરફ વૈશ્વિક ચિંતા સમાન રશિયા-યુક્રેન યુદ્ધ પર બોલતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, “રશિયાએ હવે આ યુદ્ધ રોકીને સમજૂતી કરી લેવી જોઈએ. રશિયા અને યુક્રેન બંનેએ પોતાના અસંખ્ય લોકો ગુમાવ્યા છે. ગયા મહિને જ બંને તરફના થઈને કુલ 35 હજાર સૈનિકો માર્યા ગયા છે. દર મહિને આટલી મોટી ખુવારી એ તદ્દન પાગલપન છે. બીજા વિશ્વયુદ્ધ પછી આવી ભયાનક સ્થિતિ ક્યારેય નથી સર્જાઈ. મેં ભૂતકાળમાં 8 મોટા યુદ્ધો સગેવગે કર્યા છે અને મને લાગતું હતું કે આ યુદ્ધ ઉકેલવું સૌથી સરળ હશે, પણ બંને નેતાઓ વચ્ચે ભારે વૈમનસ્ય છે. આ અંગે મેં રવિવારે રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ વાત કરી છે અને આજે ફરી અમારી બેઠક થવાની છે.”

ઈરાન સાથેના આ શાંતિ કરાર અંગે ટ્રમ્પે જણાવ્યું કે, આ કરારની તમામ વિગતો શુક્રવારે જિનીવા ખાતે યોજાનારા સત્તાવાર હસ્તાક્ષર સમારોહ બાદ સાર્વજનિક કરવામાં આવશે. આ સમારોહમાં અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ હાજર રહેશે. ટ્રમ્પના દાવા મુજબ આ કરાર લાગુ થવાથી મધ્ય-પૂર્વમાં વર્ષોથી ચાલી આવતો તણાવ ઘટશે અને શુક્રવાર સુધીમાં ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝ જલડમરુમધ્ય) વેપાર અને ઉર્જા પુરવઠા માટે સંપૂર્ણપણે ખુલી જશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2915 માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા ઈરાન સાથે કરાયેલા ન્યુક્લિયર કરારની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ઓબામાની એ ડીલ નિષ્ફળ હતી જેના કારણે ઈરાનની તિજોરીમાં અબજો ડોલર પહોંચ્યા હતા. આ જ કારણે ટ્રમ્પે 2018માં અમેરિકાને એ કરારમાંથી બહાર કાઢી લીધું હતું, જેમાં બ્રિટન, ચીન, ફ્રાન્સ, જર્મની અને રશિયા પણ સામેલ હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular