Homeગુજરાતીગુજરાતકર્ણાટકમાં ચાર મંદિરોમાં ચોરી કરીને સુરત આવેલા દાહોદ ગેન્ગના બે શખસો પકડાયા

કર્ણાટકમાં ચાર મંદિરોમાં ચોરી કરીને સુરત આવેલા દાહોદ ગેન્ગના બે શખસો પકડાયા

સુરત, 16 જુન, 2026 :  Two men caught stealing from temples કર્ણાટકના ત્રણ જિલ્લાના જુદા જુદા મંદિરોમાં ચોરી કરીને સુરત ભાગી આવેલા દાહોદ ગેન્ગના બે આરોપીને શહેરની સારોલી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન દબોચી લીધા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કર્ણાટકમાં ચાર મંદિરોમાં ચોરી કરીને આવ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 4.4 કિલોથી વધુ વજનના ચાંદીના ધાર્મિક આભૂષણો, રોકડ અને મોબાઈલ મળી કુલ 8,50,003નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.આર. વેકરીયા અને સર્વેલન્સ સ્ટાફ નિયોલ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ અને કોન્સ્ટેબલ મનિષભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે કર્ણાટકમાં ચોરી કરનારી ટોળકી કપડાંના વર્ણન સાથે અંત્રોલી ગામ તરફથી ચાલીને નિયોલ ચેકપોસ્ટ તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ભુરજીભાઈ ખેમચંદભાઈ ઉર્ફે કેમચંદભાઈ મખોડીયા (ઉં.વ. 44, રહે. સિમલીયા ખુર્દ, દાહોદ) અને વિજયભાઈ બાબુભાઈ ગુંડીયા (ઉં.વ. 27, રહે. ગુંડીયા, ગરબાડા, જી. દાહોદ)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે જ્યારે બંને આરોપીઓની તલાશી લીધી તો તેમની પાસેથી ભારે માત્રામાં ચાંદીના ધાર્મિક આભૂષણો મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી 4,413.050 ગ્રામ (4.4 કિલોથી વધુ) ચાંદીના દાગીના (જેની કિંમત ₹7,98,003), 41,000 રોકડા અને 11,000ની કિંમતના 2 નંગ મોબાઈલ ફોન. આમ કુલ મળીને 8,50,003નો મુદ્દામાલ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ-106 મુજબ જપ્ત કર્યો છે. રિકવર કરાયેલા સામાનમાં ભગવાનની મૂર્તિના 8 નંગ ચાંદીના મુગટ, 4 નંગ ચાંદીની દીવીઓ, 18 નંગ ચાંદીના કુંદર, બાજુબંધ, કલગી અને ધાતુની થાળીઓનો સમાવેશ થાય છે.

ડીસીપી ડૉ. કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, આરોપીઓની ધરપકડ બાદ સંબંધિત કર્ણાટક પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરીને ગુનાની એફ.આઈ.આર. નકલો મંગાવવામાં આવી છે. આ ગેંગે કર્ણાટકના ચાર વિસ્તારોમાં ચોરીની કબૂલાત કરી છે. જેમાં કોટે પોલીસ સ્ટેશન (ચિત્રદુર્ગ જિલ્લો), બસવનગર પોલીસ સ્ટેશન (દાવણગેરે જિલ્લો), ધારવાડ ટાઉન પોલીસ સ્ટેશન (હુબલી-ધારવાડ જિલ્લો) અને વિદ્યાનગર પોલીસ સ્ટેશન (હુબલી-ધારવાડ જિલ્લો)નો સમાવેશ થાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular