ઈસ્લામાબાદ, 30 જુલાઈ 2026: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હંગુ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં નવ પોલીસ અધિકારીઓ અને 15 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં 28 જવાનો પણ ઘાયલ થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે હંગુમાં પોલીસ ચેકપોસ્ટ પર થયેલા આતંકવાદી હુમલા બાદ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
9 પોલીસકર્મીઓ માર્યા ગયા, 15 આતંકવાદીઓનો ખાતમો બોલાવાયો
હંગુમાં પોલીસ ચેકપોસ્ટ પર થયેલા હુમલા બાદ મદદ માટે વધારાના સુરક્ષા દળોને રવાના કરવામાં આવ્યા હતા. જોકે, મદદ માટે જઈ રહેલા વાહન પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ત્યારબાદ થયેલા ભારે ગોળીબારમાં નવ પોલીસકર્મીઓ શહીદ થયા હતા અને અન્ય 28 જણા ઘાયલ થયા હતા, જ્યારે 15 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને અન્ય ઘણા ઘાયલ થયા હતા.
મુખ્યમંત્રી સુહેલ આફ્રિદીએ નિંદા કરી
ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ આ હુમલાની નિંદા કરી છે. તેમણે શહીદ થયેલા પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપી અને સંવેદના વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી કે ઘાયલ જવાનોને યોગ્ય તબીબી સારવાર મળે અને શહીદોના પરિવારોને સહાય પૂરી પાડવામાં આવે. તેમણે આ ઘટના અંગે વિગતવાર અહેવાલ પણ માંગ્યો છે.
એ નોંધપાત્ર છે કે ખૈબર પખ્તુનખ્વામાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત હિંસા જોવા મળી છે. આ માટે અફઘાનિસ્તાનથી ઉગ્રવાદીઓની અવરજવર અને વારંવાર થતી સૈન્ય કાર્યવાહીને જવાબદાર ગણવામાં આવે છે. પાકિસ્તાન સરકારનો આરોપ છે કે નવેમ્બર 2022માં યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ (TTP) એ અફઘાનિસ્તાન સાથેની સરહદ પર આતંકવાદી હુમલાઓ તીવ્ર બનાવ્યા છે.
વધુ વાંચો: પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં માર્ગ અકસ્માતમાં ચાર યુવાનોના મોત

