Homeગુજરાતીપેકેટબંધ ખાદ્ય પદાર્થો પર વૉર્નિંગ લેબલ મામલે સુપ્રીમ કોર્ટનું સરકાર અને FSSAIને...

પેકેટબંધ ખાદ્ય પદાર્થો પર વૉર્નિંગ લેબલ મામલે સુપ્રીમ કોર્ટનું સરકાર અને FSSAIને અલ્ટીમેટમ

નવી દિલ્હી, 13 ઓગસ્ટ 2026: પેકેટબંધ ખાદ્ય પદાર્થો (પૅક્ડ ફૂડ) પર વધુ માત્રામાં ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટ ધરાવતા ઉત્પાદનો પર સામેની બાજુએ સ્પષ્ટ ચેતવણીરૂપ લેબલ લગાવવાના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને FSSAI ને કડક અલ્ટીમેટમ આપ્યું છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની પીઠે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી છે કે, “જો તમે આ નહીં કરી શકો, તો અમારે આદેશ જાહેર કરવો પડશે.”

સુનાવણી દરમિયાન અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, ફૂડ ઇન્ડસ્ટ્રી આ પ્રકારના લેબલિંગના વિચારનો વિરોધ કરી રહી છે અને ઉદ્યોગના દબાણને કારણે FSSAI દ્વારા માત્ર રોજિંદી જરૂરિયાતની સારણીબદ્ધ જાહેરાતનું જ સૂચન કરવામાં આવ્યું છે. આ વાત પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ખાદ્ય નિયમનકારની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા કે શું આ સત્તામંડળો કોર્પોરેટ જગતના દબાણ હેઠળ ઝુકી રહ્યા છે?

કોર્ટે જણાવ્યું હતું કે, આ મામલો દેશના નાગરિકો અને ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય સાથે સીધો જોડાયેલો છે, તેથી આ અંગેના નિર્ણયો ઉદ્યોગોના વિરોધને બદલે માત્ર અને માત્ર ‘જનહિત’ને ધ્યાનમાં રાખીને જ લેવાવા જોઈએ.

  • વિકસિત દેશોની સરખામણીના તર્કને કોર્ટે ફગાવ્યો

સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ બ્રિજેન્દ્ર ચહરે દલીલ કરી હતી કે વિકસિત દેશોમાં ખાદ્ય પદાર્થોમાં સામાન્ય રીતે મીઠું, ખાંડ અને ચરબીનું પ્રમાણ ઓછું હોય છે, તેથી તે જ ધોરણોને સીધા પરંપરાગત ભારતીય ખાદ્ય પદાર્થો પર લાગુ કરવા યોગ્ય નથી.

આ તર્કને ફગાવતા સુપ્રીમ કોર્ટે આકરા સવાલ સાથે પૂછ્યું હતું કે, “શું ભારતે એક અવિકસિત દેશ જ બની રહેવું જોઈએ? શું ભારત માટે વિકસિત દેશો દ્વારા અપનાવાતા આંતરરાષ્ટ્રીય પેકેજિંગ ધોરણોનું પાલન કરવું મુશ્કેલ છે?” કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, ચેતવણી લેબલનો હેતુ ગ્રાહકોને તેઓ શું ખાઈ રહ્યા છે તેની સાચી માહિતી આપવાનો છે. ભલે ઉત્પાદકોને આ સિસ્ટમ પસંદ ન હોય, પરંતુ અંતિમ નિર્ણય ગ્રાહકનો જ રહેવો જોઈએ કે તેણે તે વસ્તુ ખરીદવી કે નહીં.

  • કોર્ટે આપ્યું બે સપ્તાહનું આખરી સમયદાન

અદાલતે કેન્દ્ર સરકારને લેબલિંગ પ્રસ્તાવનું પાલન કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે અને ચેતવણી ઉચ્ચારી છે કે જો નિર્ધારિત સમયમાં પાલન નહીં થાય તો આગામી સુનાવણીમાં કોર્ટ દ્વારા સીધો આદેશ જારી કરવામાં આવશે.

સંબંધિત લેખો

Most Popular