અમદાવાદ, 14 ઓગસ્ટ 2026: 79મા સ્વાતંત્ર્ય દિન 2026ના અવસર પર દેશની રક્ષા અને સુરક્ષા માટે અથાક પ્રયાસો કરનાર સુરક્ષાકર્મીઓ માટે મોટા ગૌરવના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પોલીસ, ફાયર, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ અને સુધાર સેવાઓ સાથે જોડાયેલા કુલ 1,057 કર્મીઓને વીરતા અને સેવા પદકોથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આ વર્ષે એવોર્ડ મેળવનારા કુલ કર્મીઓમાં 301 વીરતા પદક, 92 રાષ્ટ્રપતિ પદક અને 664 પ્રશંસનીય સેવા પદક સામેલ છે. ખાસ કરીને ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત ક્ષેત્રોમાં ફરજ બજાવનાર સુરક્ષાકર્મીઓની બહાદુરીને સૌથી મોટું સન્માન મળ્યું છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વર્ષે કુલ 301 વીરતા પદકોમાંથી સૌથી વધુ સન્માન એવા જવાનોને ફાળે ગયા છે જેમણે ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં પોતાના જીવની ચિંતા કર્યાં વગર અદમ્ય સાહસ અને શૌર્યનું પ્રદર્શન કર્યું છે. આ અંતર્ગત ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત ક્ષેત્રોના 197 કર્મીઓ, જમ્મુ-કાશ્મીર ક્ષેત્રના 51 કર્મીઓ, ઉત્તર-પૂર્વ રાજ્યોના 12 કર્મીઓ અને દેશના અન્ય વિસ્તારોના 41 કર્મીઓને વીરતા પદક એનાયત કરવામાં આવ્યા છે. આ 301 વીરતા પદકો મેળવનારાઓમાં 272 પોલીસકર્મીઓ અને 29 ફાયર સર્વિસના જવાનોનો સમાવેશ થાય છે. વીરતા પદક જીવન અને સંપત્તિની રક્ષા કરવા, અપરાધ અટકાવવા કે ગુનેગારોને ઝડપી પાડવામાં પ્રદર્શિત કરાયેલી અસાધારણ બહાદુરી અને જોખમ ઉઠાવવાની ક્ષમતા માટે આપવામાં આવે છે.
92 પોલીસ કર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પદક
આ ઉપરાંત, સરકારે વિશેષ અને ઉત્કૃષ્ટ સેવા રેકર્ડ ધરાવતા 92 પોલીસ કર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પદક આપવાની પણ જાહેરાત કરી છે. લાંબા સમયની વિશિષ્ટ અને ઉલ્લેખનીય સેવાને માન્યતા આપતા આ પદકોમાં 83 પોલીસ સેવાના કર્મીઓ, 4 અગ્નિશમન સેવાના કર્મીઓ, 3 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સેવાના કર્મીઓ તથા 2 સુધારાત્મક સેવાના કર્મીઓ સામેલ છે.
કર્મીઓની સૂઝ-બૂઝ, ફરજ પ્રત્યે નિષ્ઠા અને સમર્પણ ભાવનાને ધ્યાનમાં રાખીને કુલ 664 પ્રશંસનીય સેવા પદક પણ એનાયત કરવામાં આવ્યા છે. જેમાં 606 પોલીસ કર્મીઓ, 28 અગ્નિશમન સેવા કર્મીઓ, 18 સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ સેવા કર્મીઓ તેમજ 12 સુધારાત્મક સેવાના કર્મીઓનો સમાવેશ થાય છે. સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જાહેર થયેલા આ પદકો દેશની આંતરિક સુરક્ષા, આપત્તિ વ્યવસ્થાપન અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં અહમ ભૂમિકા ભજવનાર સુરક્ષા દળોના મનોબળને વધુ મજબૂત બનાવશે.

