Homerevoinewsનશામુક્ત વ્યકિતત્વનો સંકલ્પ દરેક યુવાને નિયમ બનાવવો જરૂરી છે...

નશામુક્ત વ્યકિતત્વનો સંકલ્પ દરેક યુવાને નિયમ બનાવવો જરૂરી છે…

આજના સમયમાં નશાની લત માત્ર વ્યક્તિગત સમસ્યા રહી નથી. તે પરિવાર, સમાજ અને દેશના ભવિષ્યને અસર કરતી ગંભીર સમસ્યા બની રહી છે. ખાસ કરીને યુવાનોમાં નશા તરફ વધતું આકર્ષણ ચિંતાનો વિષય છે. તાજેતરમાં શરૂ કરવામાં આવેલા નશામુક્ત યુવા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને નશીલા પદાર્થોથી દૂર રાખવા અને સ્વસ્થ તથા સકારાત્મક જીવનશૈલી તરફ પ્રેરિત કરવાનો છે. આવા અભિયાનોની સાચી સફળતા ત્યારે જ શક્ય બને જ્યારે સરકારની સાથે પરિવાર, શાળા-કોલેજ અને સમગ્ર સમાજ પણ પોતાની જવાબદારી સમજે.

કિશોરાવસ્થા નશાની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ સમયગાળો છે. આ ઉંમરે વ્યક્તિના શરીર અને મગજમાં ઝડપથી પરિવર્તન થઈ રહ્યું હોય છે. નવી વસ્તુઓ અજમાવવાની ઉત્સુકતા, મિત્રોનો પ્રભાવ, પોતાની ઓળખ બનાવવાની ઇચ્છા અને જોખમ લેવાની વૃત્તિ ઘણી વખત યુવાનોને ખોટા નિર્ણયો તરફ લઈ જઈ શકે છે. ઘણી વખત નશાની શરૂઆત માત્ર એક સિગારેટ, તમાકુ, દારૂ કે અન્ય પદાર્થને અજમાવવાથી થાય છે.

મિત્રવર્તુળમાં નશાને સામાન્ય અથવા “કૂલ” માનવામાં આવે તો…

વ્યક્તિને લાગે છે કે તે માત્ર એક વખત છે અને તેના પર કોઈ અસર નહીં થાય. પરંતુ સમસ્યા એ છે કે કેટલીકવાર આ એક વખતની શરૂઆત ધીમે-ધીમે નિયમિત ઉપયોગમાં અને પછી વ્યસનમાં પરિવર્તિત થઈ જાય છે. નશાની શરૂઆત પાછળ માત્ર કુતૂહલતા જ જવાબદાર નથી. કેટલાક યુવાનો અભ્યાસનું દબાણ, પરીક્ષાનો તણાવ, સંબંધોમાં મુશ્કેલી, પરિવારની સમસ્યાઓ, નિષ્ફળતા, એકલતા અથવા ભવિષ્ય અંગેની ચિંતાને કારણે નશા તરફ વળે છે. તેઓ નશાને તણાવમાંથી થોડા સમય માટે બહાર આવવાનો રસ્તો માને છે. પરંતુ નશો સમસ્યાનો ઉકેલ આપતો નથી. તે માત્ર થોડા સમય માટે મનની સ્થિતિમાં ફેરફાર કરે છે અને પછી સમસ્યાઓ વધુ ગંભીર બની શકે છે.

મિત્રવર્તુળનો પ્રભાવ પણ ખૂબ મહત્વનો છે. કિશોરો અને યુવાનો પોતાના મિત્રો પાસેથી ઘણું શીખે છે. જો મિત્રવર્તુળમાં નશાને સામાન્ય અથવા “કૂલ” માનવામાં આવે, તો વ્યક્તિ પર તેને અજમાવવાનું દબાણ ઊભું થઈ શકે છે. ઘણી વખત “એક વાર કરવાથી કંઈ નહીં થાય” અથવા “બધા કરે છે” જેવી માનસિકતા યુવાનને શરૂઆત કરવા માટે પ્રેરિત કરે છે. તેથી યુવાનોને માત્ર નશાના નુકસાન વિશે માહિતી આપવી પૂરતી નથી; તેમને ‘ના’ કહેવાની ક્ષમતા અને યોગ્ય નિર્ણય લેવાની કુશળતા પણ શીખવવી જરૂરી છે.

મગજની મહત્ત્વની ભૂમિકા

નશાની લત પાછળ મગજની મહત્ત્વની ભૂમિકા છે. કેટલાક નશીલા પદાર્થો મગજની રિવોર્ડ સિસ્ટમને અસર કરે છે અને વ્યક્તિને થોડા સમય માટે આનંદ અથવા રાહતનો અનુભવ કરાવે છે. આ અનુભવ ફરીથી મેળવવાની ઇચ્છા ધીમે-ધીમે વધતી જાય છે. પરિણામે વ્યક્તિનો નશો પરનો આધાર વધતો જાય છે. સમય જતાં નશો વ્યક્તિના અભ્યાસ, કામ, સંબંધો, નાણાકીય સ્થિતિ અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

અહીં એક મહત્ત્વની વાત સમજવાની જરૂર છે કે વ્યસનને માત્ર “ઇચ્છાશક્તિની કમી” તરીકે જોવું યોગ્ય નથી. એક વખત વ્યક્તિ ગંભીર વ્યસનમાં ફસાઈ જાય પછી તેને બહાર આવવા માટે ઘણી વખત પરિવારના સહકાર, કાઉન્સેલિંગ, તબીબી સારવાર અને પુનર્વસનની જરૂર પડી શકે છે. તેથી વ્યસનગ્રસ્ત વ્યક્તિને અપમાનિત કરવાને બદલે યોગ્ય મદદ સુધી પહોંચાડવી વધુ માનવીય અને અસરકારક રીત છે.

નશાની સમસ્યાનો ઉકેલ માત્ર સલાહમાં નથી

નશાની સમસ્યાનો ઉકેલ માત્ર “નશો કરવો નહીં” એવી સલાહમાં નથી. યુવાનોને સકારાત્મક વિકલ્પો આપવાના રહેશે. રમતગમત, યોગ, સંગીત, કલા, વાંચન, સર્જનાત્મક પ્રવૃત્તિઓ અને સામાજિક કાર્યો યુવાનોને પોતાની ઊર્જા યોગ્ય દિશામાં વાપરવાની તક આપે છે. શાળા અને કોલેજોમાં માત્ર શૈક્ષણિક સફળતા પર ભાર મૂકવાને બદલે ભાવનાત્મક વિકાસ અને તણાવ વ્યવસ્થાપન પર પણ ધ્યાન આપવું જોઈએ.

માનસિક સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ પણ ખૂબ જરૂરી

આ બાબતમાં માનસિક સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ પણ ખૂબ જરૂરી છે. યુવાન જો તણાવ, નિરાશા, એકલતા અથવા કોઈ અન્ય ભાવનાત્મક મુશ્કેલી અનુભવે છે, તો તેને નશા તરફ જવાને બદલે પરિવાર, શિક્ષક, કાઉન્સેલર અથવા માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત સાથે વાત કરવાની તક મળવી જોઈએ. મદદ માંગવી નબળાઈ નથી. સમયસર મદદ લેવી એ સમજદારી છે. પરિવારની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. માતા-પિતા બાળકો સાથે સતત સંવાદમાં રહે અને માત્ર અભ્યાસ અથવા પરિણામ વિશે નહીં, પરંતુ તેમના મિત્રો, લાગણીઓ, મુશ્કેલીઓ અને દૈનિક જીવન વિશે પણ વાત કરે તે જરૂરી છે. બાળકના વર્તનમાં અચાનક ફેરફાર જોવા મળે ત્યારે તરત જ ગુસ્સો કે સજા કરવાને બદલે તેનું કારણ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પરિવારનું વિશ્વાસપૂર્ણ વાતાવરણ યુવાનને મુશ્કેલીના સમયે ખોટા રસ્તા તરફ જવાને બદલે પરિવાર પાસે મદદ માંગવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.

શાળા અને કોલેજોની પણ જવાબદારી

શાળા અને કોલેજોની પણ જવાબદારી છે. નશા અંગેની જાગૃતિ માત્ર એક દિવસના કાર્યક્રમ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ. વિદ્યાર્થીઓ સાથે વયને અનુરૂપ અને વાસ્તવિક ચર્ચા થવી જોઈએ. તેમને નશાના શારીરિક નુકસાન સાથે તેની માનસિક, સામાજિક અને આર્થિક અસરો વિશે પણ સમજાવવામાં આવવું જોઈએ. સાથે સાથે વિદ્યાર્થીઓને તણાવનો સામનો કેવી રીતે કરવો, મિત્રોના દબાણનો વિરોધ કેવી રીતે કરવો અને મુશ્કેલીમાં મદદ ક્યાંથી મેળવવી તે શીખવવું વધુ ઉપયોગી રહેશે.

એવો સમાજ હોય જ્યાં…

સમાજની ભૂમિકા મહત્વપૂર્ણ છે. યુવાનોને સફળતા, મજા અને સામાજિક સ્વીકૃતિ મેળવવા માટે નશાની જરૂર નથી આ સંદેશ સતત પહોંચાડવો જરૂરી છે. સ્થાનિક સ્તરે રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, યુવા ક્લબ અને સામાજિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાથી યુવાનોને સકારાત્મક જોડાણ મળી શકે છે. નશામુક્તિનો અર્થ માત્ર નશીલા પદાર્થોથી દૂર રહેવું નથી. તેનો અર્થ એવો સમાજ બનાવવો પણ છે જ્યાં યુવાનોને તણાવ અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે સ્વસ્થ માર્ગો ઉપલબ્ધ હોય, જ્યાં પરિવાર સાથે વાત કરવી સરળ હોય, જ્યાં માનસિક સ્વાસ્થ્ય અંગે શરમ ન હોય અને જ્યાં મદદ માંગનાર વ્યક્તિને નબળો નહીં પરંતુ સમજદાર માનવામાં આવે.

જો યુવાનો સ્વસ્થ, શિક્ષિત, જવાબદાર અને નશામુક્ત હશે, તો તેઓ દેશના વિકાસમાં વધુ અસરકારક રીતે યોગદાન આપી શકશે. આથી નશામુક્ત ભારતની શરૂઆત માત્ર અભિયાનથી નહીં, પરંતુ આપણા ઘરેથી થવી જોઈએ. એક માતા-પિતા પોતાના બાળક સાથે ખુલ્લી વાત કરે, એક શિક્ષક વિદ્યાર્થીની મુશ્કેલી સમજે, એક મિત્ર પોતાના મિત્રને નશાથી દૂર રહેવા પ્રોત્સાહિત કરે અને એક યુવાન પોતે યોગ્ય નિર્ણય લે—આવા નાના પ્રયાસો મળીને મોટું સામાજિક પરિવર્તન લાવી શકાય છે.

મન: મર્મ – સમજદારી, સહભાગી અને સહજતા સાથે કોઈપણ નશીલા પદાર્થોના સેવનથી સારવાર શક્ય બને છે.

ડૉ. ચિન્મય દેસાઈ, મનોવિજ્ઞાની
ડૉ. ચિન્મય દેસાઈ, મનોવિજ્ઞાની

લેખ વિશે તમારા અભિપ્રાય ઈમેલ >>> editor@revoi.in દ્વારા અચૂક જણાવો.

સંબંધિત લેખો

Most Popular