નવી દિલ્હી, 18 ઓગસ્ટ 2026: દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સાથે કથિત દુર્વ્યવહાર અને બર્બરતાના મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું છે કે આ મામલાની તપાસ માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી રહી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સૂર્ય કાંતે સુનાવણી દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ ન થવું જોઈએ.
કોર્ટે જણાવ્યું છે કે આ કમિટીમાં સુપ્રીમ કોર્ટના એક પૂર્વ ન્યાયમૂર્તિ, હાઈકોર્ટના પૂર્વ ચીફજસ્ટિસ, ડાયરેક્ટર જનરલ (ડીજી)ના પદ ઉપરથી નિવૃત્ત થયેલા એક સિનિયર અધિકારી અને સીબીઆઈ અને પોલીસના પૂર્વ નિર્દેશકોને સહમતિ સાથે સામેલ કરવામાં આવશે. સભ્યો સામેલ હશે: સીજેઆઈએ જણાવ્યું કે, “અમે સીબીઆઈના એક પૂર્વ ડાયરેક્ટર જનરલની સંમતિ લઈ લીધી છે, જેઓ ખૂબ જ પ્રતિષ્ઠિત અધિકારી છે અને થોડા વર્ષો પહેલા રિટાયર્ડ થયા છે. સાથે જ અમે એક રાજ્યના પૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસની પણ સંમતિ મેળવી લીધી છે.”
કોર્ટે કહ્યું કે, આ કમિટી દરેક પીડિતની વાત સાંભળશે અને તેમને પોતાની રજૂઆત કરવાનો પૂરતો તક આપશે. કોર્ટ દ્વારા આ કમિટીને તમામ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. કોર્ટે કહ્યું કે તેઓ કમિટી તરફથી આવનારી સમયાંતરની ભલામણોની રાહ જોશે, જેના આધારે જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે જેમના વિરુદ્ધ અગાઉથી ગંભીર ફોજદારી કેસો નોંધાયેલા છે, તેમની વિરુદ્ધ તપાસ ચાલુ રહેવી જોઈએ. આના પર સીજેઆઈએ પણ સંમતિ દર્શાવતા કહ્યું કે, “શાંતિપૂર્ણ પ્રદર્શન દરમિયાન જે લોકો અપરાધિક પ્રવૃત્તિમાં સામેલ હતા અથવા જેમની સામે અગાઉથી ગંભીર કેસો નોંધાયેલા છે, તેમની સામે કાયદાકીય કાર્યવાહી અને તપાસ ચાલુ રહેવી જોઈએ, પરંતુ નિર્દોષ વિદ્યાર્થીઓનો ભવિષ્ય સાથે ચેડા ન થવા જોઈએ.”
આર્ટિકલ 19 અને વિદ્યાર્થીઓના અધિકારો
CJI સૂર્ય કાંતે ટિપ્પણી કરી હતી કે, જ્યાં સુધી કાયદો તોડવાનો કોઈ ઈરાદો ન હોય અને હેતુ શાંતિપૂર્ણ અને કાયદેસર રીતે પોતાની માંગણીઓ રજૂ કરવાનો હોય, ત્યાં સુધી બંધારણના આર્ટિકલ 19 હેઠળ મળેલા નાગરિકોના અધિકારોને ભૂલવા ન જોઈએ. આવા કેસોને એવા કેસોથી બિલકુલ અલગ ગણવા જોઈએ જેમાં પાક્કા અપરાધીઓ આવી શાંતિપૂર્ણ સભામાં ઘૂસીને હિંસા ફેલાવે છે.

