Homeગુજરાતીદેશ-વિદેશનકલી ચલણી સિક્કા બનાવવાના નેટવર્કનો પર્દાફાશ, ઉત્તરપ્રદેશના સહારનપુરમાંથી 5ની ધરપકડ

નકલી ચલણી સિક્કા બનાવવાના નેટવર્કનો પર્દાફાશ, ઉત્તરપ્રદેશના સહારનપુરમાંથી 5ની ધરપકડ

લખનૌ, 14 સપ્ટેમ્બર 2026: ઉત્તર પ્રદેશના સહારનપુરમાં નકલી નોટો બાદ હવે નકલી સિક્કાઓ બનાવવાનું એક વિશાળ કૌભાંડ સામે આવ્યું છે. સહારનપુર નગર કોતવાલી પોલીસ, એસઓજી અને સર્વેલન્સ ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બજારમાં કરોડો રૂપિયાના નકલી સિક્કા વટાવતી આંતરરાજ્ય ગેંગના માસ્ટરમાઇન્ડ સહિત પાંચ સભ્યોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 1.28 લાખના નકલી સિક્કા, 6 પ્રોડક્શન મશીન, ડાઇ અને રૂ. 5 લાખની કિંમતના અર્ધ-તૈયાર સિક્કાઓ જપ્ત કર્યા છે.

પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, આ ગેંગનો મુખ્ય સૂત્રધાર પંજાબના મોહાલીનો રહેવાસી ઉપકાર લૂથરા ઉર્ફે અભય પ્રતાપ સિંહ છે. મૂળ સોની હોવાના કારણે તેને ધાતુઓ અને સિક્કા ઢાળવાનો બહોળો અનુભવ હતો અને તે વર્ષ 2001થી જ નકલી સિક્કાના કારોબારમાં સક્રિય હતો. વર્ષ 2017માં દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી, જ્યાં તેના પર રૂ. 1 લાખનું ઈનામ પણ જાહેર કરાયું હતું. તિહાર જેલ દરમિયાન તેની મુલાકાત સહ-આરોપી હિમાંશુ સાથે થઈ હતી. બંનેએ જેલમાં જ જામીન પર બહાર આવ્યા બાદ નકલી સિક્કાઓનો કારોબાર મોટા પાયે શરૂ કરવાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. વર્ષ 2021માં જેલમાંથી છૂટ્યા બાદ તેમણે અન્ય સભ્યોને જોડીને હરિયાણાના સોનીપતમાં ફેક્ટરી શરૂ કરી હતી.

આરોપીઓની પૂછપરછમાં નફાના ગણિત અંગે પણ ચોંકાવનારા ખુલાસા થયા છે. રૂ. 20નો એક સિક્કો બનાવવા માટે માત્ર રૂ. 5નો ખર્ચ થતો હતો, જ્યારે બજારમાં રૂ. 4,000ના નકલી સિક્કા ચલાવવા પર એજન્ટોને રૂ. 400નું કમિશન આપવામાં આવતું હતું. એક સિક્કા પર આરોપીઓ રૂ. 15નો ચોખ્ખો નફો કમાતા હતા. અત્યાર સુધીમાં આ ગેંગે બજારમાં અંદાજે સાડા ત્રણ કરોડ નકલી સિક્કા વટાવી દીધા છે, જેની ફેસ વેલ્યુ રૂ. 70 કરોડ થાય છે. આ સિક્કાઓ બનાવવા પાછળ રૂ. 17.50 કરોડનો ખર્ચ થયો હતો, જ્યારે ગેંગે રૂ. 52.50 કરોડનો જંગી નફો રળ્યો હતો.

સોનીપત બાદ આ ટોળકી સહારનપુરમાં પણ નકલી સિક્કા બનાવવાની નવી ફેક્ટરી સ્થાપવાની યોજના બનાવી રહી હતી. તે માટે સ્થાનિક સ્તરે સંપર્કો સાધવામાં આવી રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ પોલીસે દરોડો પાડીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી દીધો હતો. આ નકલી સિક્કા મુખ્યત્વે સરકારી દારૂના કોન્ટ્રાક્ટ, ટોલ પ્લાઝા અને સ્થાનિક બજારોમાં વટાવવામાં આવતા હતા.

આ મામલે પોલીસે ઉપકાર લૂથરા ઉર્ફે અભય પ્રતાપ સિંહ (મોહાલી, પંજાબ), હિમાંશુ ઉર્ફે ગુલ્લુ (સહારનપુર), કુલદીપ (સહારનપુર), સંતોષ ચૌરસિયા ઉર્ફેજનાર્દન (મધુબની, બિહાર) અને અનુરાગ પાલ ઉર્ફે લંકેશ (સંત રવિદાસ નગર)ની ધરપકડ કરી છે. સહારનપુરના એસએસપી અભિનંદન સિંહે જણાવ્યું હતું કે, આ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા ઊભી કરવામાં આવેલી તમામ બેનામી મિલકતોની તપાસ કરવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને મિલકતો જપ્ત કરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular