સવારે ઊઠીને બ્રશ કરવું એ આપણી દૈનિક દિનચર્યાનો એક ભાગ છે, પરંતુ શું આપણે ખરેખર આપણા દાંત અને પેઢાની આરોગ્યપ્રદ સંભાળ રાખીએ છીએ? મોટાભાગે લોકો દાંતની સફાઈને માત્ર એક સુંદર સ્માઈલ કે દેખાવ સાથે જોડીને જોતા હોય છે. પરંતુ વાસ્તવમાં ઓરલ હેલ્થ (મોંની આરોગ્યપ્રદ સ્થિતિ) નો સીધો પ્રભાવ આપણા સમગ્ર શરીર અને આત્મવિશ્વાસ પર પડે છે. દાંતનો દુખાવો, મોંમાંથી આવતી દુર્ગંધ કે પેઢાની સમસ્યાઓના કારણે ઘણા લોકો જાહેરમાં ખુલીને હસવામાં કે વાતચીત કરવામાં સંકોચ અનુભવતા હોય છે. તેથી દાંતની કાળજી માત્ર દેખાડા માટે નહીં, પરંતુ તંદુરસ્ત શરીર અને આત્મવિશ્વાસ માટે અનિવાર્ય છે.
ઘણા લોકોને પોતાના દાંતનો પીળાશ પડતો રંગ, કદ કે તેની બનાવટ પસંદ નથી હોતી. આ નાનકડી બાબત તેમની દૈનિક સોશિયલ લાઈફ અને સંવાદ પર નકારાત્મક અસર પાડે છે. કેટલાક લોકો ફોટો પડાવતી વખતે હસવાનું ટાળે છે, તો કેટલાક લોકો હસતી વખતે મોં પર હાથ રાખી દે છે. આવી નાની-નાની ઝિઝક ધીમે-ધીમે વ્યક્તિના કોન્ફિડન્સને ઘટાડી દે છે. નિષ્ણાત ડેન્ટિસ્ટ્સના જણાવ્યા મુજબ, દાંત સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો તુરંત તબીબી સલાહ લેવી જોઈએ. જરૂરિયાત મુજબ દાંતની ક્લીનિંગ (સફાઈ), અલાઈનમેન્ટ કે અન્ય ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. જોકે, ઉત્તમ સ્માઈલનો અર્થ ફિલ્મ સ્ટાર્સ જેવા ચમકતા કે એકદમ સફેદ દાંત જ હોવા એવો નથી. દાંત સ્વચ્છ હોય, પેઢા મજબૂત હોય અને સ્માઈલ નેચરલ હોય તે સૌથી વધુ મહત્વનું છે.
પેઢામાંથી લોહી નીકળવું કે સોજો આવવો: ચેતવણીરૂપ સંકેત
બ્રશ કરતી વખતે જો ક્યારેક પેઢામાંથી લોહી આવે તો લોકો તેને સામાન્ય ગણીને અણદેખ્યું કરી દેતા હોય છે. પરંતુ જો આવું વારંવાર બનતું હોય, તો તરત જ ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ કરાવવું જરૂરી છે. આ સિવાય લાંબા સમય સુધી મોંમાંથી દુર્ગંધ આવવી, પેઢામાં સોજો, દાંતમાં અસહ્ય દુખાવો કે અતિશય ઠંડુ-ગરમ લાગવું (સેન્સિટિવિટી) એ ઓરલ હેલ્થ બગડવાના સ્પષ્ટ સંકેતો છે. મોંની હેલ્થનો સીધો સંબંધ હૃદય અને શરીરના અન્ય અંગોના સ્વાસ્થ્ય સાથે પણ હોવાનું સંશોધનોમાં સામે આવ્યું છે. તેથી દાંતની તકલીફને માત્ર કોસ્મેટિક સમસ્યા સમજીને ટાળવી જોઈએ નહીં.
દૈનિક ટેવોથી જ સુધરશે દાંતનું સ્વાસ્થ્ય
મજબૂત અને સુંદર દાંત માટે મોંઘી ટ્રીટમેન્ટ કરતાં પણ વધુ જરૂરી દરરોજની સાચી આદતો છે. દાંતને સ્વસ્થ રાખવા માટે નીચે મુજબની બાબતોનું પાલન કરવું જોઈએ..
દિવસમાં બે વાર બ્રશ: ફ્લોરાઈડયુક્ત ટૂથપેસ્ટથી દિવસમાં બે વખત બ્રશ કરવું અને દાંત વચ્ચે જમા થતા ખોરાકના કણોની નિયમિત સફાઈ કરવી.
ગળ્યા ખોરાક પર નિયંત્રણ: વધુ પડતી મિઠાઈઓ, ચોકલેટ અને આખો દિવસ શુગરી ડ્રિંક્સ (સોફ્ટ ડ્રિંક્સ) પીવાની ટેવ દાંતના એનામલને નુકસાન પહોંચાડે છે.
જમ્યા પછી કોગળા કરવા: કંઈપણ ખાધા પછી સ્વચ્છ પાણીથી કોગળા કરવાની ટેવ પાડવી.
નિયમિત ડેન્ટલ ચેકઅપ: સમયાંતરે ડેન્ટિસ્ટ પાસે જઈને નિયમિત ચેકઅપ કરાવવું.
આજના આધુનિક યુગમાં ડેન્ટિસ્ટ્સ દાંતની ચોક્કસ તપાસ અને સારવાર માટે ડિજિટલ સ્કેન જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જેનાથી સારવાર વધુ સચોટ બને છે. પરંતુ અંતે સૌથી મહત્વની બાબત એ જ છે કે તમારી સ્માઈલ માત્ર બહારથી સુંદર દેખાય તેટલું પૂરતું નથી, પણ અંદરથી પણ હેલ્ધી હોવી જરૂરી છે.


