Homeગુજરાતીદેશ-વિદેશસાઉદી અરેબિયા પર હૂતીઓનો મિસાઈલ હુમલોઃ 6 શહેરમાં હાઈ એલર્ટ, 13 નાગરિક...

સાઉદી અરેબિયા પર હૂતીઓનો મિસાઈલ હુમલોઃ 6 શહેરમાં હાઈ એલર્ટ, 13 નાગરિક ઘાયલ

રિયાધ, 15 સપ્ટેમ્બર 2026: સાઉદી અરેબિયા અને યમનના હૂથી વિદ્રોહીઓ વચ્ચે લશ્કરી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. હૂતી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલા તાજેતરના મિસાઈલ અને રોકેટ હુમલા બાદ સાઉદી અરેબિયાના નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા દેશના અગ્રણી શહેરોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાઈફ, જેદ્દાહ, અબહા, અલ-ઉલા, જાઝાન અને યાનબુ જેવા મહત્વના શહેરોમાં નાગરિકોને શાંતિ જાળવવા, સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવા અપીલ કરવામાં આવી છે. આ હુમલાઓમાં 13 નાગરિકો ઘાયલ થયા છે, જ્યારે અનેક ઘરો અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. હૂથી વિદ્રોહીઓએ દક્ષિણ સાઉદી અરેબિયાના ખમીસ મુશૈત સ્થિત કિંગ ખાલિદ એર બેઝ પર ડઝનબંધ મિસાઈલો અને સશસ્ત્ર ડ્રોન છોડ્યા હોવાનો દાવો કર્યો છે. આ તરફ સૌદી નેતૃત્વ હેઠળના ગઠબંધન દળોએ પણ સ્વીકાર્યું છે કે વિદ્રોહીઓના હુમલાની સીધી અસર નાગરિક વિસ્તારો પર પડી છે.

હૂતી સૈન્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીના જણાવ્યા અનુસાર, કિંગ ખાલિદ એર બેઝ પર આવેલા એરક્રાફ્ટ હેંગર, રડાર સિસ્ટમ, રનવે અને દારૂગોળાના ડેપોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. જોકે, સાઉદી સૈન્ય પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-મલ્કીએ એરબેઝને નુકસાન થયાની પુષ્ટિ કરી નથી. તેમણે જણાવ્યું હતું કે ખમીસ મુશૈત, અબહા અને તાઈફમાં બેલેસ્ટિક મિસાઈલો અને ડ્રોનથી નાગરિક વસાહતોને નિશાન બનાવાઈ હતી, જેમાં 13 નાગરિકોને સામાન્યથી મધ્યમ ઈજાઓ પહોંચી છે તથા સાત ઘરો અને બે વાહનો ક્ષતિગ્રસ્ત થયા છે.

સંઘર્ષના આ તબક્કામાં હૂતી વિદ્રોહીઓએ લાલ સમુદ્ર ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરતાં ગ્રેટર હનીશ અને લેસર હનીશ દ્વીપો પર કબ્જો જમાવી લીધો છે. આ દ્વીપો બાબ અલ-મંદેબ જળડમરુ મધ્યથી ઉત્તરમાં આશરે 150 કિમી દૂર આવેલા છે. બાબ અલ-મંદેબ એ વૈશ્વિક વેપાર અને લાલ સમુદ્રને ખુલ્લા દરિયા સાથે જોડતો અત્યંત સંવેદનશીલ દરિયાઈ માર્ગ છે. વિદ્રોહીઓ આ વિસ્તારમાં આગળ વધતા તેમને જિબુટી સ્થિત અમેરિકી સૈન્ય મથકની નજીક પહોંચવાનો વ્યુહાત્મક લાભ મળ્યો છે. આ પહેલાં તેમણે મોખા બંદર અને માયૂન દ્વીપ પર પણ નિયંત્રણ મેળવ્યું હતું.

  • સાઉદીની ઈસ્ટ-વેસ્ટ ઓઈલ પાઈપલાઈન ક્ષતિગ્રસ્ત: વૈશ્વિક ઓઈલ માર્કેટમાં ધડાકો

આ લશ્કરી સંગ્રામની સૌથી મોટી અસર વૈશ્વિક ઊર્જા ક્ષેત્ર પર પડી છે. ડ્રોન હુમલામાં ક્ષતિગ્રસ્ત થયેલી સાઉદી અરેબિયાની 1200 કિલોમીટર લાંબી ‘ઈસ્ટ-વેસ્ટ ઓઈલ પાઈપલાઈન’ને પૂર્ણ ક્ષમતા સાથે પુનઃસ્થાપિત કરવામાં 3 થી 5 સપ્તાહનો સમય લાગી શકે છે. આ પાઈપલાઈન પૂર્વ સાઉદીથી કાચું તેલ યાનબુ બંદર સુધી પહોંચાડે છે. આ સમાચાર સામે આવતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં 2 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો અને બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 109 ડૉલરની સપાટી વટાવી ગયું હતું. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીના જણાવ્યા મુજબ, સંઘર્ષને કારણે સૌદીનું તેલ ઉત્પાદન ઓગસ્ટમાં ઘટીને દરરોજ 50લાખ બેરલ થઈ ગયું છે, જે ગત વર્ષે દરરોજ 1 કરોડ બેરલ આસપાસ હતું.

  • યમનમાં માનવતાવાદી સંકટ ઘેરાયું

યમનમાં વર્ષ 2022 પછી સરકારી દળો અને હૂતીઓ વચ્ચે શાંતિનો માહોલ હતો, પરંતુ હવે ફરીથી ભીષણ આંતરવિગ્રહ શરૂ થયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ મુજબ, છેલ્લા એક જ સપ્તાહમાં 500થી વધુ લોકોના મોત થયા છે. હૂથી વિદ્રોહીઓએ તટીય વિસ્તારો અને તાઈઝ પ્રાંતમાં હુમલા તેજ કરીને આશરે 94 હજાર લોકોને વિસ્થાપિત થવા મજબૂર કર્યા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular