રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: યમનના હૂતી લડાકુઓ દ્વારા સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા પર ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યા બાદ પશ્ચિમ એશિયાના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. સાઉદી અરેબિયાએ હૂથી વિદ્રોહીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે અમેરિકા મારફતે ઈઝરાયેલ પાસે ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને રેકોનિસન્સ મદદ માંગી હતી, જેના પર ઈઝરાયેલે સકારાત્મક પ્રતિસાદ આપતા સહાયની ખાતરી આપી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડની મધ્યસ્થતા હેઠળ સાઉદી અને ઈઝરાયેલી અધિકારીઓ વચ્ચે આ અંગે પ્રથમ તબક્કાની બેઠક પણ યોજાઈ ચૂકી છે.
અમેરિકી મીડિયા આઉટલેટ ‘એક્સિઓસ’ના અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાએ હૂથી વિરોધી ક્ષમતા મજબૂત કરવા માટે શરૂઆતમાં પોતાના પરંપરાગત સહયોગી દેશો પાસે મદદ માંગી હતી. જોકે, પાકિસ્તાન અને તુર્કી તરફથી આક્રમક સૈન્ય સમર્થન ન મળતા રિયાધે ઈઝરાયેલ તરફ વળવું પડ્યું છે. સાઉદી ઈચ્છે છે કે ઈઝરાયેલ પોતાની અદ્યતન જાસૂસી સંસ્થાઓ દ્વારા હૂથી વિદ્રોહીઓ વિશે આગોતરી ગુપ્ત માહિતી પૂરી પાડે, જેથી તેમના હુમલાઓને સાઉદી સીમામાં પ્રવેશતા પહેલા જ નિષ્ફળ બનાવી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયાએ તાજેતરમાં જ પાકિસ્તાન સાથે મક્કા સુરક્ષા કરાર કર્યો હતો. પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીરે નિવેદન આપ્યું હતું કે સાઉદી પરના કોઈ પણ હુમલાને પાકિસ્તાન પોતાની વિરુદ્ધ ગણશે અને મક્કાની સુરક્ષા માટે સૈન્ય મોકલશે. પરંતુ હૂતી વિદ્રોહીઓના હુમલા શરૂ થતાં જ પાકિસ્તાને આ વિવાદથી અંતર જાળવી લીધું છે. પાકિસ્તાનનું કહેવું છે કે હૂતીઓ કોઈ સત્તાવાર દેશ નથી પરંતુ એક મિલિશિયા જૂથ છે. જોકે, મક્કા પર ડ્રોન હુમલાના પ્રયાસની પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સખત નિંદા કરી છે.
રિપોર્ટ અનુસાર, સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરીને હૂતીઓ સામે સંયુક્ત સૈન્ય કાર્યવાહી માટે અપીલ કરી હતી, પરંતુ ટ્રમ્પે યુદ્ધમાં સીધા જોડાવાનો ઈનકાર કર્યો હતો. બીજી તરફ, બ્રિટને સાઉદીને સૈન્ય ટેકનિકલ મદદનું આશ્વાસન આપ્યું છે અને લંડનથી કેટલાક મિલિટરી એક્સપર્ટ્સ રિયાધ પહોંચ્યા છે. હૂતી લડાકુઓ દ્વારા લાલ સમુદ્રનો દરિયાઈ માર્ગ બાધિત કરાતા સાઉદી અરેબિયાનો તેલ પુરવઠો અને વૈશ્વિક વેપાર ભારે અસરગ્રસ્ત થયો છે.


