Homeગુજરાતીજીવનશૈલીભારતમાં સેકન્ડ હેન્ડ સ્મોકનો ખતરો: 44 કરોડથી વધુ લોકો ધૂમાડાની ચપેટમાં

ભારતમાં સેકન્ડ હેન્ડ સ્મોકનો ખતરો: 44 કરોડથી વધુ લોકો ધૂમાડાની ચપેટમાં

સિગારેટ અને તમાકુનો ધૂમાડો માત્ર ધૂમ્રપાન કરનાર વ્યક્તિ માટે જ નહીં, પરંતુ તેની આસપાસ રહેતા નિર્દોષ લોકો માટે પણ એટલો જ પ્રાણઘાતક સાબિત થઈ રહ્યો છે. તાજેતરમાં સામે આવેલા એક નવા અભ્યાસના આધારે વર્ષ 2023 માં ભારતમાં આશરે 44.4 કરોડ લોકો ‘સેકન્ડ હેન્ડ સ્મોક’ના સીધા સંપર્કમાં આવ્યા હતા. આ ધૂમાડાના કારણે હૃદયરોગ, કેન્સર અને શ્વાસ સંબંધિત અનેક ગંભીર બીમારીઓનો ખતરો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.

નવી રિસર્ચ અનુસાર, વર્ષ 2023 માં ભારતમાં લગભગ 44.4 કરોડ લોકોને ‘સેકન્ડ હેન્ડ સ્મોક’નો સામનો કરવો પડ્યો હતો. આનો અર્થ એ છે કે આ લોકો પોતે ધૂમ્રપાન કરતા નહોતા, પરંતુ પરિવારજન, મિત્ર કે અન્ય વ્યક્તિ દ્વારા છોડવામાં આવેલા સિગારેટ કે તમાકુના ધૂમાડાની ચપેટમાં આવ્યા હતા. વૈશ્વિક સ્તરે આશરે 271 કરોડ લોકો આ રીતે ધૂમાડાથી પ્રભાવિત થયા છે. સમગ્ર વિશ્વમાં ભારત, ચીન અને ઇન્ડોનેશિયામાં સેકન્ડ હેન્ડ સ્મોકથી પ્રભાવિત લોકોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે.

અભ્યાસમાં સેકન્ડ હેન્ડ સ્મોક અને અનેક અસાધ્ય રોગો વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે. રિસર્ચ મુજબ, વર્ષ 2023 માં ભારતમાં 3 લાખથી વધુ લોકોના મોત સેકન્ડ હેન્ડ સ્મોકના કારણે થયા હતા. આ સિવાય 90 લાખથી વધુ લોકોના સ્વસ્થ જીવનના વર્ષો આ ધૂમાડાના લીધે પ્રભાવિત થયા છે. તેમાં હૃદયરોગ , ફેફસાંની બીમારીઓ, કેન્સર, અસ્થમા અને ટાઇપ-2 ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ સંશોધનમાં 1990 થી 2023 સુધીના 204 દેશો અને ક્ષેત્રોના આંકડાઓનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો હતો.

  • બાળકો અને મહિલાઓ માટે સૌથી વધુ જોખમ

સેકન્ડ હેન્ડ સ્મોકની સૌથી માઠ અસર બાળકો પર પડી રહી છે. નાની ઉંમરે ફેફસાં સંપૂર્ણ રીતે વિકસિત થયા ન હોવાથી, ધૂમાડામાં રહેલા ઝેરી તત્વો તેમના શરીરને ઝડપથી નુકસાન પહોંચાડે છે, જેનાથી બાળપણમાં જ શ્વાસ અને ફેફસાંની સમસ્યાઓ વધી જાય છે. આ ઉપરાંત, રિસર્ચમાં બહાર આવ્યું છે કે દક્ષિણ-પૂર્વ એશિયા, પૂર્વ એશિયા અને ઓશિનિયા પ્રદેશોમાં પુરૂષોની સરખામણીએ મહિલાઓ સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવવાની સંભાવના 59 ટકા વધુ રહેલી છે.

જોકે, છેલ્લા કેટલાક દાયકાઓમાં વૈશ્વિક સ્તરે સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવતા લોકોના ટકામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ વસ્તીવધારાના કારણે પ્રભાવિત લોકોનો કુલ આંકડો હજુ પણ ખૂબ મોટો છે. તબીબોના જણાવ્યા મુજબ, ઘર, ઓફિસ અને જાહેર સ્થળો પર ધૂમ્રપાન અટકાવવું અત્યંત જરૂરી છે. ધૂમ્રપાન કરનાર વ્યક્તિની આસપાસ રહેવાથી પણ શરીરમાં હાનિકારક કણો પ્રવેશે છે, તેથી પોતે ધૂમ્રપાન ન કરવાની સાથે પરિવાર અને આસપાસના લોકોને પણ આ ધૂમાડાથી દૂર રાખવા જરૂરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular