Homeગુજરાતીદેશ-વિદેશઆયુષ્માન ભારત યોજનાના 8 વર્ષ: દેશના 60 કરોડ લોકોને મળ્યું ફ્રી હેલ્થ...

આયુષ્માન ભારત યોજનાના 8 વર્ષ: દેશના 60 કરોડ લોકોને મળ્યું ફ્રી હેલ્થ કવરેજ

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર 2026: કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘આયુષ્માન ભારત યોજના’ના બુધવારે સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ થયા છે. આ વિશેષ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ અને તમામ લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આ યોજના દ્વારા દેશના 60 કરોડથી વધુ લોકોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું મફત હેલ્થ કવરેજ મળ્યું છે, જે આ યોજનાને વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના બનાવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં લખ્યું કે, “આઠ વર્ષ પહેલાં, દરેક ભારતીયને શ્રેષ્ઠ અને પોસાય તેવી સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આયુષ્માન ભારતની શરૂઆત કરવામાં આવી હતી. આજે 60 કરોડથી વધુ લાભાર્થીઓને વાર્ષિક 5 લાખ રૂપિયાનું હેલ્થ કવર મળી રહ્યું છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ યોજનાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના સારવારના ખર્ચમાં રેકોર્ડબ્રેક બચત શક્ય બની છે. દેશમાં પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવા માટે શરૂ કરાયેલા ‘આયુષ્માન આરોગ્ય મંદિરો’માં અત્યાર સુધીમાં 500 કરોડથી વધુ લોકોની વિઝિટ નોંધાઈ ચૂકી છે, જે દર્શાવે છે કે સ્વાસ્થ્ય સેવાઓ હવે દરેક ઘરની નજીક પહોંચી રહી છે.

  • આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાનો પ્રતિભાવ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ યોજનાની સફળતા પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, 8 વર્ષ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ‘સેવા નો સંકલ્પ’ લીધો હતો તેણે કરોડો લોકો માટે સ્વાસ્થ્ય સુવિધાઓનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. અત્યાર સુધીમાં દેશભરમાં 48.54 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે. 13 કરોડથી વધુ લોકોએ હોસ્પિટલમાં દાખલ થઈને મફત સારવારનો લાભ લીધો છે. દેશની 39 હજારથી વધુ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો આ યોજના સાથે સંલગ્ન છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. 2 લાખ કરોડથી વધુની સારવાર ક્લેમ કરવામાં આવી છે.

  • ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે શું કહ્યું?

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં શરૂ થયેલી આયુષ્માન ભારત યોજનાએ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે સારવારના ખર્ચની ચિંતા દૂર કરી છે. આ યોજના લાખો પરિવારો માટે સ્વસ્થ અને સુરક્ષિત જીવનનો મોટો આધાર બની છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular