Homerevoinewsઆણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “આયુર્વેદ ફૉર વન હેલ્થ” વિષય પર પરિસંવાદ યોજાયો

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે “આયુર્વેદ ફૉર વન હેલ્થ” વિષય પર પરિસંવાદ યોજાયો

આણંદ, 26 સપ્ટેમ્બર, 2026 – Ayurveda for One Health આણંદ કૃષિ યુનિવર્સિટીની બં. અ. કૃષિ મહાવિદ્યાલય ખાતે ૧૧મા આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત એસ.આર.સી, બીએસીએ અને ઔષધીય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદના સંયુક્ત ઉપક્રમે “આયુર્વેદ ફોર વન હેલ્થ–પ્રાચીન જ્ઞાન આધુનિક વિદ્યાર્થીઓ માટે” વિષય પર એક-દિવસીય પરિસંવાદનું સફળ આયોજન માન. કુલપતિશ્રી, આ.કૃ.યુ., આણંદ ડૉ. એમ. પી. પટેલના અધ્યક્ષસ્થાને કરવમાં આવ્યું હતું.

આ સેમિનારના ઉદ્ઘાટન સમારોહમાં ડૉ. એમ. પી. પટેલ, માનનીય કુલપતિશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી; ડૉ. મનીષ દાસ, ડાયરેક્ટરશ્રી, આઇસીએઆર- ડીએમએપીઆર; ડૉ. અલ્પેશ પટેલ, આચાર્યશ્રી, જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સ, નડિયાદ; ડૉ. એસ. એન. શાહ, સંશોધન નિયામક અને વિદ્યાશાખાધ્યક્ષશ્રી, આકૃયુ; ડૉ. જે. બી. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક, આકૃયુ તેમજ ડૉ. એસ. આર. પટેલ, આચાર્ય અને વિદ્યાશાખાધ્યક્ષશ્રી, બીએસીએ ઉપસ્થિત રહ્યા હતા.

A seminar on the theme "Ayurveda for One Health" was held at Anand Agricultural University.
A seminar on the theme “Ayurveda for One Health” was held at Anand Agricultural University.

કાર્યક્રમની શરૂઆતમાં પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત બાયોડિગ્રેડેબલ (પર્યાવરણને અનુકૂળ) કુંડામાં વાવેલા અર્જુનના છોડ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. એસ. આર. પટેલે તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

કાર્યક્રમના અધ્યક્ષ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. એમ. પી. પટેલે પોતાના પ્રમુખસ્થાનેથી આપેલા ઉદ્‍બોધનમાં આયુર્વેદને ભારતની સમૃદ્ધ પરંપરાગત જ્ઞાન પ્રણાલીનો અભિન્ન હિસ્સો ગણાવી આજના આધુનિક યુગમાં સર્વગ્રાહી સ્વાસ્થ્ય અને સુખાકારી માટે તેની પ્રાસંગિકતા પર ખાસ ભાર મૂક્યો હતો. મુખ્ય અતિથિ ડૉ. મનીષ દાસે જણાવ્યું હતું કે, આયુર્વેદએ ભારતની પ્રાચીન જ્ઞાન પ્રણાલી છે જે સ્વાસ્થ્ય, સુખાકારી, પોષણ અને રોગ અટકાવવા માટેનો સર્વગ્રાહી અભિગમ ધરાવે છે. અતિથિ વિશેષ ડૉ. અલ્પેશ પટેલે રોજિંદા જીવનમાં આયુર્વેદિક વનસ્પતિઓના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

ઉદ્ઘાટન સત્ર બાદ યોજાયેલા ટેકનિકલ સત્રમાં ડૉ. કે. વી. પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિક અને વડા દ્વારા છેલ્લા ૨૫ વર્ષમાં કૃષિ ક્ષેત્રે થયેલ પ્રગતિ જેવી કે બીટી ટેકનોલોજી, બાયો-ફર્ટિલાઇઝર ક્રાંતિ, સૂક્ષ્મ ટપક પદ્ધતિ, ખેડૂતોને સબસિડી, ખેતીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ અને કૃષિ યાંત્રિકી કરણ વિશે વિગતવાર માહિતી આપેલ હતી. ડૉ. આસ્થાએ. ઠાકુર, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, જે. એસ. આયુર્વેદ મહાવિદ્યાલય, નડિયાદ દ્વારા બદલાતી ઋતુઓ સાથે શરીરને સ્વસ્થ રાખવા માટે ‘દિનચર્યા’ અને ‘ઋતુચર્યા’ તેમજ ભારતીય તહેવારો અને આહારના સંબંધ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ડૉ. અમલ એસ. ચંદ્ર, સહ સંશોધન વૈજ્ઞાનિક, જે. એસ. આયુર્વેદ મહાવિદ્યાલય, નડિયાદ દ્વારા રોગ મુક્ત જીવનશૈલી માટે યોગ્ય આહાર અને ઊંઘની સાચી પદ્ધતિઓ વિશે રસપ્રદ માહિતી પૂરી પાડી હતી.

આ પરિસંવાદમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, શિક્ષણગણ તેમજ ખેડૂતો સહિત અંદાજે ૫૦૦ જેટલા સહભાગીઓએ ઉત્સાહસભર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમના અંતે ડૉ. પી. એમ. પટેલ, ચેરમેન, એસ.આર.સી, બીએસીએ દ્વારા સેમિનારને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપનાર તમામ મહાનુભાવો, વક્તાઓ અને સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular