Homerevoinewsઆણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ‘આપણું ગામ–પ્રાકૃતિક ગામ’ અંતર્ગત ઓરિએન્ટેશન તાલીમનું આયોજન

આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ‘આપણું ગામ–પ્રાકૃતિક ગામ’ અંતર્ગત ઓરિએન્ટેશન તાલીમનું આયોજન

આણંદ, 24 સપ્ટેમ્બર, 2026 – Aapnu Gaam – Prakrutik Gaam આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ‘આપણું ગામ–પ્રાકૃતિક ગામ’ અંતર્ગત યુનિવર્સિટીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, અમદાવાદ અને બોટાદ જિલ્લાના દત્તક લીધેલાં ગામો માટે નિમણૂક કરવામાં આવેલા વિજ્ઞાનીઓ અને પી.જી. વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન તાલીમનું આયોજન કુલપતિ ડૉ. એમ. પી. પટેલના અધ્યક્ષસ્થાને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૧૬૦ જેટલા વિજ્ઞાનીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. જે. બી. પટેલે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિના મહત્ત્વ અંગે જણાવતા તાલીમાર્થી વિજ્ઞાનીઓ અને વિદ્યાર્થીઓને તેમની કામગીરી માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે દત્તક લીધેલા ગામમાં ખેડૂતો સાથે તાલમેલ કઈ રીતે સાધવો તે જણાવી જે-તે ગામની પ્રોફાઇલ તૈયાર કરવા તથા ગામ સાથે ગાઢ સંબંધ વિકસાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગામની વાસ્તવિક સમસ્યાઓને સમજીને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે. તેમણે દરેક ટીમને પોતાના દત્તક ગામ માટે એક એક્શન પ્લાન તૈયાર કરવાનું સૂચન કર્યું હતું. ખેડૂતો સાથે સીધો સંવાદ, સફળ ખેડૂતોની મુલાકાતો તથા વિવિધ પ્રદર્શન અને વિસ્તરણ પ્રવૃત્તિઓ યોજવા ઉપરાંત નવીન મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી ખેડૂતો સાથે જોડાવા માટે પણ અનુરોધ કર્યો હતો.

Orientation training organized by Anand Agricultural University under the ‘Aapnu Gam – Prakrutik Gam’ initiative
Orientation training organized by Anand Agricultural University under the ‘Aapnu Gam – Prakrutik Gam’ initiative

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ડૉ. એસ. આર. પટેલે ભારતીય સંસ્કૃતિમાં ધરતીને માતાનો દરજ્જો પ્રાપ્ત હોવાનું દર્શાવતાં “माता भूमिः पुत्रोऽहं पृथिव्याः”નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના આનુભાવિક જ્ઞાન અને વિજ્ઞાનીઓના સંશોધન આધારિત જ્ઞાનના સમન્વયથી પ્રાકૃતિક કૃષિનો પવિત્ર યજ્ઞ સફળ થઈ શકે છે. તેમણે તાલીમાર્થીઓને સંપૂર્ણ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કામગીરી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

અધ્યક્ષસ્થાનેથી કુલપતિશ્રી ડૉ. એમ. પી. પટેલે પોતાના ઉદ્‍બોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા તેમજ રાસાયણિક ખેતી પરની નિર્ભરતા ઘટાડવા માટે ૫૦૦ પ્રાકૃતિક ખેતી ગામો તૈયાર કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી સાથે લાંબા ગાળે ખેતીના ખર્ચમાં ઘટાડો કરી ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.

તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવા માટે જમીનની બદલાતી પરિસ્થિતિ અને પ્રાકૃતિક ખેતીની સંભાવનાઓ અંગે સરળ અને અસરકારક રીતે સમજાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરોના વ્યાપક ઉપયોગ પહેલાં પણ ખેતીમાં ઉત્પાદન મળતું હતું અને વર્તમાન સમયમાં ઉપલબ્ધ સારા બિયારણ તથા યોગ્ય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓના ઉપયોગથી પણ સારૂં ઉત્પાદન મેળવી શકાય છે.

પ્રાકૃતિક કૃષિમાં સફળતા મેળવનારા ખેડૂતોની વાતો દ્વારા અન્ય ખેડૂતોને પ્રોત્સાહિત કરવા, તેમજ યુનિવર્સિટીના અખતરાઓનાં પરિણામો અને ભલામણોને વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓ દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવા પર તેમણે ભાર મૂક્યો હતો. અંતમાં કુલપતિએ જણાવ્યું હતું કે આવનારી પેઢીના સારા ભવિષ્ય માટે તાલીમના દ્રશ્યમાન અને સકારાત્મક પરિણામો ખેડૂતોના ખેતરો સુધી જોવા મળે તે માટે પ્રમાણિકતાથી કામ કરવું જરૂરી છે.

સદર તાલીમમાં યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિમાં જીવાત વ્યવસ્થાપન, પ્રાકૃતિક કૃષિમાં રોગ વ્યવસ્થાપન, આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિના સંશોધન, ‘આપણું ગામ–પ્રાકૃતિક ગામ’ યોજના અંતર્ગત કરવાની થતી કામગીરી અને અહેવાલ, નેચરલ ફાર્મિંગ મોડેલ ફાર્મ માટેના પ્રોટોકોલ જેવા વિષયો ઉપર વ્યાખ્યાન ઉપરાંત પ્રાકૃતિક કૃષિના નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત તમામને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટેના શપથ લેવડાવવામાં આવેલ ત્યારબાદ  ડૉ. મીરલ સુથાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular