- કૉંગ્રેસે બંને ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરવા કવાયત હાથ ધરી
નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર, 2026 – impeachment motion against the CEC મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) જ્ઞાનેશકુમાર વિરુદ્ધ વિપક્ષી દળો સંસદના બંને ગૃહમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે. કૉંગ્રેસે આ મુદ્દે અન્ય વિપક્ષી પક્ષો સાથે સંપર્ક સાધવાનું શરૂ કરી દીધું છે. કૉંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી બે સપ્તાહની અંદર સંસદમાં આ પ્રસ્તાવની નોટિસ રજૂ કરવામાં આવશે. INDI ગઠબંધન એટલે કે વિપક્ષી પક્ષોએ આ માટેની પૂર્વતૈયારીઓ આરંભી દીધી છે.
SIR મુદ્દે ગડબડનો આક્ષેપ
ચૂંટણી પંચની કાર્યપ્રણાલી અને મતદાર યાદીના ખાસ ગહન પુનઃપરીક્ષણ (SIR)ને લઈને વિપક્ષ અને ચૂંટણી પંચ વચ્ચે વધેલા વિવાદ વચ્ચે આ નવો ઘટનાક્રમ સામે આવ્યો છે. તાજેતરમાં એક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી કમિશ્નર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ પંચના કેટલાક નિર્ણયો અને પ્રક્રિયાઓ પર છેલ્લા 10 મહિનામાં અનેક વખત વાંધા નોંધાવ્યા હતા.
જ્ઞાનેશકુમારને હટાવવા અગાઉ પણ અપાઈ હતી નોટિસ
વિપક્ષી દળોએ આ અહેવાલના આધારે CEC જ્ઞાનેશકુમાર સામે કડક કાર્યવાહીની માગ કરી છે. માહિતી મુજબ, વિપક્ષી પક્ષોએ આ અગાઉ પણ જ્ઞાનેશકુમારને પદ પરથી હટાવવા માટે નોટિસ આપી હતી. એપ્રિલ 2026 માં રાજ્યસભામાં વિપક્ષી સાંસદો દ્વારા હટાવવાની નોટિસ આપવામાં આવી હતી, જેના પર 73 સાંસદોની સહીઓ હોવાનું સામે આવ્યું હતું.
બંને ગૃહમાં નવેસરથી પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી
હવે કૉંગ્રેસ તમામ વિપક્ષી પક્ષોને સાથે રાખીને સંસદના બંને ગૃહોમાં નવેસરથી પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. જોકે, આ પ્રસ્તાવને પસાર કરાવવા માટે સંસદમાં જરૂરી સંખ્યાબળ અને સમર્થન મેળવવું એ એક અલગ બંધારણીય પ્રક્રિયા રહેશે.
સંસદમાં નિર્ધારિત પ્રક્રિયાનું કરવું પડે છે પાલન
ઉલ્લેખનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશ્નરને હોદ્દા પરથી હટાવવાની પ્રક્રિયા બંધારણના અનુચ્છેદ 324(5) હેઠળ નિર્ધારિત કરવામાં આવી છે. આ માટે સંસદમાં નક્કી કરેલી જટિલ પ્રક્રિયાનું પાલન કરવું પડે છે. હાલમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ સમગ્ર વિપક્ષ ફરી એકવાર એકજૂથ થઈ ગયો છે.
ચૂંટણી પંચે આપી સ્પષ્ટતા
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલમાં દાવો કરાયો હતો કે ચૂંટણી કમિશ્નરો સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ દેશભરમાં મતદાર યાદીના ‘SIR’ દરમિયાન નામો ઉમેરવા અને રદ કરવા સહિતના અનેક મુદ્દાઓ પર અસંમતિ દર્શાવી હતી. જોકે ચૂંટણી પંચે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આંતરિક વિચાર-વિમર્શ દરમિયાન અલગ-અલગ અભિપ્રાયો હોવા એ સામાન્ય પ્રક્રિયાનો જ એક ભાગ છે અને પંચના તમામ નિર્ણયો પ્રસ્થાપિત કાનૂની પ્રક્રિયાઓને અનુરૂપ જ લેવામાં આવ્યા છે.


