નવી દિલ્હી, 2 ઓક્ટોબર 2026: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ચાલી રહેલા મોટા ઓપરેશનમાં સુરક્ષાદળોને મોટી સફળતા સાંપડી રહી છે. એક તરફ પહાડોમાં નાકાબંધી, બીજી તરફ સચોટ બાતમીના આધારે સતત દબાણ અને ત્રીજી તરફ આતંકીઓને સુરક્ષિત આશ્રયસ્થાનો ન મળવા દેવા સાથે વરિષ્ઠ અધિકારીઓનું સ્થળ પર પહોંચીને ઓપરેશનનું નિરીક્ષણ કરવું,જમ્મુથી કાશ્મીર સુધી આતંકવાદીઓ સામે ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન્સમાં આ ત્રિપાંખિયા વ્યૂહરચના અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે. આ આક્રમક વ્યૂહરચના હેઠળ સપ્ટેમ્બર મહિનામાં ભારતીય સેના અને સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર સહિત પાંચ પાકિસ્તાની આતંકીઓને ઠાર કર્યા હતા. જેમાં બડગામના યુસમર્ગમાં યાસિર બાદ લશ્કરનો આતંકી કમાન્ડર હાસિમ મૂસા માર્યો ગયો હતો, જ્યારે જમ્મુ ક્ષેત્રમાં મુસ્તફા અને સદ્દામ જેવા નામચીન આતંકીઓને ઢેર કરવામાં આવ્યા હતા.
સપ્ટેમ્બરમાં બડગામ, પૂંછ, રાજૌરી, કઠુઆ, ઉધમપુર, રિયાસી, ડોડા અને કિશ્તવાડમાં આતંકીઓની શોધમાં આશરે 12 જેટલા એન્ટી-ટેરર ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. આ કામગીરીનો મુખ્ય હેતુ આતંકીઓને એક જ જગ્યાએ ઘેરીને તેમના અવરજવરના માર્ગો બંધ કરવાનો હતો. દક્ષિણ પીર પંજાલ વિસ્તારમાં સુરક્ષાદળોના દબાણની અસર એ થઈ કે જે જંગલોને આતંકીઓએ પોતાના સુરક્ષિત અડ્ડા બનાવ્યા હતા, ત્યાં જ સેનાએ તેમનો સફાયો કર્યો હતો.
સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલ ગૃહ મંત્રાલયની સીધી દેખરેખ હેઠળ તમામ સુરક્ષા એજન્સીઓ એકસંપ થઈને કામ કરી રહી છે. અગાઉ એજન્સીઓ વચ્ચે ક્રેડિટ લેવાની જે હોડ જામતી હતી, તેને બદલે હવે આતંકીઓનો પૂર્ણપણે ખાતમો કરવો એ જ મુખ્ય ધ્યેય બની ગયું છે. આ જ કારણ છે કે તમામ એજન્સીઓ રિયલ-ટાઇમમાં ઇનપુટ્સ અને ગુપ્ત માહિતી શેર કરી રહી છે, જેનાથી ઓપરેશનની સફળતાનો દર નોંધપાત્ર રીતે વધ્યો છે.
-
હવે માત્ર 32 આતંકીઓ સુરક્ષાદળોના નિશાના પર
હાલમાં સુરક્ષા એજન્સીઓ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય કે છુપાયેલા આશરે 28 થી 32 આતંકવાદીઓની શોધખોળ કરી રહી છે. અગાઉ આ આંકડો 70 થી 100 સુધીનો બતાવવામાં આવતો હતો, પરંતુ હવે આ સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુપ્તચર એજન્સીઓના આંકડા અનુસાર, સ્થાનિક આતંકીઓની સંખ્યા હવે માત્ર પાંચ જેટલી જ રહી ગઈ છે, જેમાં ત્રણ કિશ્તવાડમાં, એક ડોડા-ઉધમપુર-કઠુઆ એક્સિસ પર અને એક દક્ષિણ કાશ્મીરમાં સક્રિય હોવાની માહિતી છે.
-
ડીજીપીથી લઈને સેનાના ઉચ્ચ અધિકારીઓ ગ્રાઉન્ડ ઝીરો પર
આતંકવિરોધી ઓપરેશનનું નિરીક્ષણ હવે ટોચના સ્તરેથી કરવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાત પોતે વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને ગ્રાઉન્ડ ઝીરો પરની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. આ ઉપરાંત, આઈજી જમ્મુ ઝોન તેજિન્દર સિંહ રાજૌરીમાં ચાલી રહેલા ઓપરેશન પર સીધી નજર રાખી રહ્યા છે, જ્યારે કાશ્મીર ઝોનના આઈજી પણ સતત સંવેદનશીલ વિસ્તારોનો પ્રવાસ કરીને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી રહ્યા છે. સેનાની ઉત્તરીય કમાન, વ્હાઇટ નાઇટ કોર, ટાઇગર ડિવિઝન અને ડેલ્ટા ફોર્સ પણ પોતપોતાના વિસ્તારોમાં સતર્ક રહીને આતંકવાદ મુક્ત કાશ્મીરના મિશનમાં જોડાયેલી છે.


