Homeગુજરાતીદેશ-વિદેશદવાઓ અને મેડિકલ સાધનોની આયાત સરળ બનાવવા કેન્દ્ર સરકારનો નિર્ણય

દવાઓ અને મેડિકલ સાધનોની આયાત સરળ બનાવવા કેન્દ્ર સરકારનો નિર્ણય

નવી દિલ્હી, 4 નવેમ્બર 2026: વિદેશથી ભારતમાં આવતી દવાઓ, તબીબી સાધનો અને કોસ્મેટિક ઉત્પાદનોની દેશમાં આયાત પ્રક્રિયા વધુ સરળ અને સુગમ બનવા જઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ તમામ સામગ્રીની આયાત માટે 10 નવા પ્રવેશ કેન્દ્રો (એન્ટ્રી સેન્ટર્સ) ને અધિકૃત યાદીમાં સામેલ કરવાનો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા કેન્દ્રો શરૂ થવાથી વિદેશી સામાન દેશમાં ઝડપથી પહોંચી શકશે.

આ નવા પ્રવેશ કેન્દ્રોની મંજૂરી મળવાથી ફાર્મા અને તબીબી ક્ષેત્રની કંપનીઓને મોટો ફાયદો થશે. હવે આયાત કરાયેલા માલની મંજૂરી (ક્લિયરન્સ) કંપનીઓને તેમના પોતાના કારખાના, ગોડાઉન કે વિતરણ કેન્દ્રોની નજીક જ મળી જશે. આનાથી દૂરના બંદરો કે એરપોર્ટ પરથી સામાન મંગાવવાની જરૂરિયાત ઘટશે, જેના પરિણામે ટ્રાન્સપોર્ટ ખર્ચ બચશે અને માલ પહોંચાડવામાં થતો વિલંબ પણ અટકશે.

આ સુવિધા પૂરી પાડવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે ‘ઔષધિ નિયમાવલી, 1945’ના નિયમ 43-A માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિયમ નક્કી કરે છે કે દેશમાં કયા બંદરો, એરપોર્ટ, રેલવે સ્ટેશન કે માર્ગો પરથી દવાઓની આયાત કરી શકાય છે. નવી યોજના હેઠળ દેશના 8 ઇનલેન્ડ કન્ટેનર ડેપો (ICD), 1 સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) અને 2 ઇન્ટરનેશનલ એરપોર્ટને આ અધિકૃત યાદીમાં ઉમેરવામાં આવશે.

  • ગુજરાત અને હરિયાણા સહિતના રાજ્યોને લાભ

આ પ્રસ્તાવિત યાદીમાં હરિયાણાના સોનીપત, પિયાલા અને હરસારૂ ખાતે આવેલા કન્ટેનર ડેપો તેમજ ઉત્તર પ્રદેશના દાદરી ડેપો અને નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના ગાંધીધામ/મુન્દ્રા, તેલંગાણાના હૈદરાબાદ (સનથ નગર અને થિમ્માપુર) તથા કર્ણાટકના બેંગલુરુ (વ્હાઇટફીલ્ડ) ના ઇનલેન્ડ કન્ટેનર ડેપોને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

બીજી તરફ, કેન્દ્ર સરકારે 12 ઓગસ્ટ 2026 સુધી આપવામાં આવેલા ખરીદ ઓર્ડર પર ફર્નિચર આયાતકારોને ગુણવત્તા નિયંત્રણના નિયમોમાંથી રાહત આપી છે. વાણિજ્ય મંત્રાલય મુજબ, ચીન સહિત તમામ દેશોની આયાત પર આ રાહત મળશે, જે માટે 30 નવેમ્બર સુધી બિલ ઓફ લેડિંગ અને 31 ડિસેમ્બર 2026 સુધી બિલ ઓફ એન્ટ્રી જારી થવું જરૂરી છે. માલ ક્લિયર થયાના 7 દિવસમાં ખરીદ ઓર્ડરના દસ્તાવેજો ભારતીય માનક બ્યુરો (BIS) ને સોંપવાના રહેશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular