Homeગુજરાતીખોરાકદીવાળીમાં કંઈક નવું ટ્રાય કરવું છે કરો, બનાવો બેસનની આ પાંચ યુનિક...

દીવાળીમાં કંઈક નવું ટ્રાય કરવું છે કરો, બનાવો બેસનની આ પાંચ યુનિક મિઠાઈ

દિવાળીનો તહેવાર નજીક આવતાં જ દરેક ઘરમાં અવનવી મિઠાઈઓ બનાવવાની અને ખરીદવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. બજારમાં કાજુ કતલી અને રસગુલ્લાથી લઈને અનેક પ્રકારની મિઠાઈઓ મળે છે, પરંતુ દર વર્ષે એ જ પરંપરાગત લાડુ, બરફી અને હલવો ખાઈને ઘણીવાર કંટાળો આવી જાય છે. જો આ દિવાળી પર તમે તમારા પરિવાર અને મહેમાનોને બજાર જેવી મોંઘી મિઠાઈને બદલે ઘરે જ કંઈક અલગ અને હેલ્ધી ખવડાવવા માંગતા હો, તો ‘બેસન’ (ચણાનો લોટ) એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.
સામાન્ય રીતે લોકો બેસનનો ઉપયોગ માત્ર લાડુ કે શીરો બનાવવા માટે કરતા હોય છે, પરંતુ રસોડામાં પહેલેથી જ ઉપલબ્ધ બેસન, ઘી, ખાંડ અને થોડા સૂકા મેવાઓની મદદથી તમે એકસાથે અનેક નવી અને ટેસ્ટી મિઠાઈઓ બનાવી શકો છો. ચાલો જાણીએ બેસનમાંથી બનતી આ 5 સરળ અને સ્વાદિષ્ટ રેસિપી વિશે:
ઘરે જ બનાવો સોફ્ટ અને ટેસ્ટી બેસનની બરફી
  • સામગ્રી: 1 કપ બેસન, 1/2 કપ ઘી, 1/2 કપ ખાંડ, 1/4 કપ પાણી, 1/2 ચમચી એલચી પાવડર, કટકા કરેલા બદામ અને પિસ્તા.
  • બનાવવાની રીત: સૌથી પહેલા એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં બેસન ઉમેરો. હવે તેને ધીમી આંચ પર સતત હલાવતા રહીને ભુરો રંગ અને સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકો. બીજી બાજુ એક પેનમાં ખાંડ અને પાણી મિક્સ કરીને ચાસણી બનાવો. ચાસણી થોડી ગાઢ થાય એટલે તેમાં શેકેલો બેસન અને એલચી પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા લાગે, ત્યારે તેને ઘી લગાવેલી થાળીમાં ફેલાવી દો. ઉપરથી બદામ-પિસ્તા ભભરાવી ઠંડુ થયા બાદ ચોરસ કે ડાયમંડ આકારમાં કાપી લો.
મહેમાનોના સ્વાગત માટે બનાવો પરંપરાગત બેસનના લાડુ
  • સામગ્રી: 2 કપ બેસન, 1 કપ ઘી, 1 કપ પીસેલી ખાંડ, 1/2 ચમચી એલચી પાવડર, ઝીણા સમારેલા સૂકા મેવા.
  • બનાવવાની રીત: કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં બેસન ઉમેરો. તેને ધીમી આંચ પર સતત હલાવતા રહીને બરાબર ભૂંડી લો, જેથી તે તળિયે ચોંટે નહીં. જ્યારે બેસનનો રંગ બદલાય અને સોંધી સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરી તેને થોડું ઠંડુ થવા દો. હવે તેમાં પીસેલી ખાંડ, એલચી પાવડર અને બદામ ઉમેરીને હાથથી બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી નાના-નાના ગોળા (લાડુ) વાળી લો. ઉપર પિસ્તા લગાવીને સર્વ કરો.
બેસન અને માવાનો નવો સ્વાદ: બેસન-માવા પેડા
  • સામગ્રી: 1 કપ બેસન, 1/2 કપ માવો, 1/2 કપ પીસેલી ખાંડ, 4 ચમચી ઘી, એલચી પાવડર.
  • બનાવવાની રીત: કઢાઈમાં ઘી ગરમ કરીને બેસનને ધીમી આંચ પર શેકો. જ્યારે બેસન અડધો શેકાઈ જાય ત્યારે તેમાં માવો ઉમેરી બંનેને થોડીવાર માટે સારી રીતે પકાવો. ત્યારબાદ ગેસ બંધ કરી મિશ્રણને હૂંફાળું ગરમ રહેવા દો. તેમાં પીસેલી ખાંડ અને એલચી પાવડર ઉમેરીને એકરસ કરી લો. તૈયાર મિશ્રણમાંથી નાના લોયા બનાવી હાથથી સહેજ દબાવીને પેડાનો આકાર આપો. ઉપર બદામ-પિસ્તાથી સજાવટ કરો.
નારિયેળ અને બેસનનું અદ્ભુત મિશ્રણ: કોકોનટ-બેસન બરફી
  • સામગ્રી: 1 કપ બેસન, 1/2 કપ છીણેલું નારિયેળ, 1/2 કપ ખાંડ, 4 ચમચી ઘી, 1/4 કપ પાણી, એલચી પાવડર.
  • બનાવવાની રીત: ઘીમાં બેસનને ધીમી આંચ પર શેકી લો. જ્યારે બેસનમાંથી સુગંધ આવવા લાગે ત્યારે તેમાં છીણેલું નારિયેળ ઉમેરીને થોડીવાર વધુ પકાવો. હવે અલગ પેનમાં ખાંડ અને પાણીની ચાસણી બનાવીને આ બેસન-નારિયેળના મિશ્રણમાં ઉમેરો. સાથે એલચી પાવડર નાખીને ઘટ્ટ થવા દો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે ઘીવાળી થાળીમાં પાથરી, ઉપરથી નારિયેળનું છીણ ભભરાવીને મનપસંદ ટુકડાઓમાં કાપી લો.
ઝટપટ બની જતો ટેસ્ટી હલવો
  • સામગ્રી: 1 કપ બેસન, 1/2 કપ ઘી, 1/2 કપ ખાંડ, 2 કપ દૂધ, એલચી પાવડર અને કાજુ-બદામ.
  • બનાવવાની રીત: જો તમારી પાસે વધારે સમય ન હોય, તો આ ઇન્સ્ટન્ટ હલવો શ્રેષ્ઠ વિકલ્પ છે. કઢાઈમાં ઘી ગરમ કરી બેસનને સોનેરી રંગનો થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેમાં ધીમે-ધીમે દૂધ ઉમેરતા જાઓ અને સતત હલાવતા રહો જેથી ગાંઠ ન પડે. હવે ખાંડ ઉમેરીને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. છેલ્લે એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને ગરમાગરમ સર્વ કરો.
આ દિવાળી પર બહારથી મિશ્રણવાળી મીઠાઈઓ લાવવાને બદલે ઘરે જ શુદ્ધ ઘી અને બેસનથી આ મિશ્રાઈઓ બનાવો અને તમારા પરિવાર સાથે તહેવારની મજા માણો!
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular