- 12 વર્ષ બાદ ઐતિહાસિક ભદ્ર પ્રાંગણમાં યોજાયો ભદ્ર ફેસ્ટિવલ
- ભદ્રના ઐતિહાસિક સ્થાપત્યો બન્યાં કલા અને સંસ્કૃતિના સાક્ષી
અમદાવાદ, 20 નવેમ્બર 2026: ‘World Heritage Week’ celebrations begin in Ahmedabad વર્લ્ડ હેરિટેજ વીક -2026ની ઉજવણી અંતર્ગત ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો ગૌરવપૂર્ણ દરજ્જો ધરાવતા અમદાવાદ શહેરમાં તા. 19થી 25 નવેમ્બર, 2026 દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સંસ્થાઓ, કલાકારો અને હેરિટેજ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના સહયોગથી ‘વર્લ્ડ હેરિટેજ વીક’ની ઉજવણી કરવામાં આવી રહી છે.

શહેરના ઐતિહાસિક વારસા, સ્થાપત્ય, કલા, સંગીત અને લોકસંસ્કૃતિને નાગરિકો, ખાસ કરીને યુવા પેઢી સુધી પહોંચાડવાના હેતુથી આયોજિત આ ઉજવણીના પ્રથમ દિવસે ઐતિહાસિક ભદ્ર પ્રાંગણ ખાતે ‘ભદ્ર ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2014માં પ્રથમ વખત યોજાયેલા આ ફેસ્ટિવલનું 12 વર્ષ બાદ ફરી એકવાર ભદ્રા વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભદ્ર કિલ્લો, પ્રેમાભાઈ હોલ પરિસર, ભદ્ર ચોક અને ત્રણ દરવાજા સહિતનાં ઐતિહાસિક સ્થળોએ કલા, સંગીત, નાટ્યકલા, લોકપરંપરા અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.

અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શ્રી જશુભાઈ ઠાકોર સહિત કાઉન્સિલરશ્રીઓ, પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગ અને માર્ગદર્શન હેઠળ ‘ક્રાફ્ટ્સ ઑફ આર્ટ્સ’ દ્વારા ‘ભદ્ર ફેસ્ટિવલ’ અને ‘વોટર હેરિટેજ સિરીઝ’ એમ બે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો દ્વારા શહેરનાં ઐતિહાસિક સ્થળોને કલા, સંગીત, નાટ્યકલા અને પરંપરાઓ સાથે સાંકળીને નાગરિકોને અમદાવાદના સમૃદ્ધ વારસાનો જીવંત અનુભવ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ભદ્ર ફેસ્ટિવલ અંતર્ગત ભદ્ર પ્લાઝા ખાતે નગારા વાદનની પ્રસ્તુતિ થઈ હતી. ત્યારબાદ સાંજે ઇશારા કઠપૂતળી નાટ્યમંડળનાં દાદી પડુમજી દ્વારા વિશાળ કઠપૂતળી પરેડ યોજવામાં આવી હતી. આ ઉપરાંત યુટોપિયા દ્વારા ‘દાસ્તાન-એ-દરવાજા’ નામે વાર્તાકથન કલાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઇનક્રેડિબલ મલ્લખંભ દ્વારા મલ્લખંભની પ્રસ્તુતિએ પણ ઉપસ્થિતોને આકર્ષિત કર્યા હતા.
ત્યારબાદ સાંજે 5:05થી 5:20 વાગ્યા દરમિયાન યુટોપિયા દ્વારા પરંપરાગત ગુજરાતી વાર્તાકથન ‘ભદ્રાખ્યાન’ રજૂ કરવામાં આવ્યું હતું. સાંજે 5:25થી 5:55 વાગ્યા દરમિયાન નિસર્ગ ત્રિવેદી અને કલાકારો દ્વારા ગુજરાતી રંગભૂમિના સુવર્ણ વારસાને ઉજાગર કરતી ‘નાટ્ય સંગીત’ની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ‘દાસ્તાન-એ-દરવાજા’ની વાર્તાકથન પ્રસ્તુતિ, સિદી ગોમા નૃત્યમંડળ દ્વારા પરંપરાગત ‘સિદી ધમાલ’ અને ઇનક્રેડિબલ મલ્લખંભ દ્વારા મલ્લખંભની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાંજે 6:40થી 7:00 વાગ્યા દરમિયાન નાથુલાલ સોલંકી અને તેમની ટીમના નગારા વાદન સાથે દાદી પડુમજીના ઇશારા કઠપૂતળી નાટ્યમંડળ દ્વારા ફરી એકવાર વિશાળ કઠપૂતળી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભદ્ર કિલ્લાના પ્રાંગણ ખાતે સાંજે 4:30 વાગ્યાથી વિજલાન તુરી અને તેમની ટીમ દ્વારા ગુજરાતના પરંપરાગત વાદ્ય રાવણહથ્થાની જીવંત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પ્રસ્તુતિએ મુલાકાતીઓને ગુજરાતની લોકસંગીત પરંપરાનો પરિચય કરાવ્યો હતો. આ ઉપરાંત, મુલાકાતીઓ માટે સાંજે 4:00 વાગ્યાથી વિવિધ વિશેષ પ્રદર્શનો ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં. પ્રેમાભાઈ હોલના પ્રવેશખંડમાં મનવિતા બારડીના આયોજન અને સંકલન હેઠળ ‘રંગ રચના – ગુજરાતી રંગભૂમિનો જીવંત સંગ્રહ’ નામે પ્રદર્શન યોજાયું હતું.
આ પ્રદર્શનના ભાગરૂપે સાંજે 5:00થી 5:10 વાગ્યા દરમિયાન પ્રદર્શનના વિષય અને સર્જનપ્રક્રિયા અંગે વિશેષ સંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે વિનય પંજવાની દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘ભદ્ર અનપોઝ્ડ’ નામનું ફોટોગ્રાફી પ્રદર્શન ખુલ્લા પ્રદર્શન સ્થળે યોજાયું હતું. ભદ્રા કિલ્લા ખાતે ‘ભદ્ર રિમેમ્બર્સ’ નામે જૂની તસવીરોનું પ્રદર્શન પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રદર્શનો દ્વારા ભદ્ર વિસ્તારના ઐતિહાસિક દસ્તાવેજીકરણ, ગુજરાતી રંગભૂમિ અને શહેરના વારસાની વિવિધ તસવીરી ઝલક રજૂ કરવામાં આવી હતી.

સાંજે 6:00 વાગ્યાથી ઐતિહાસિક સ્થાપત્યોને આધુનિક ટેકનોલોજી સાથે સાંકળીને વિશેષ પ્રકાશ-ચિત્ર પ્રક્ષેપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભદ્ર કિલ્લાના મુખભાગ પર પ્રકાશ-ચિત્ર પ્રક્ષેપણ રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રેમાભાઈ હોલના મુખભાગ પર ગુજરાતની પરંપરાગત ‘માતાની પછેડી’ આધારિત વિશેષ પ્રક્ષેપણ રજૂ કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક સ્થાપત્યોની વિશેષ રોશની સાથે યોજાયેલી આ દૃશ્યાત્મક પ્રસ્તુતિઓ દ્વારા અમદાવાદના સ્થાપત્ય વારસા અને ગુજરાતની પરંપરાગત કલાને આધુનિક દૃશ્ય માધ્યમથી રજૂ કરવામાં આવી હતી.
ભદ્ર ફેસ્ટિવલના મુખ્ય આકર્ષણ તરીકે ભદ્ર પ્રાંગણના ત્રણ દરવાજા ખાતે વિશેષ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા કલાકારો ઉસ્તાદ ફઝલ કુરેશી અને ઉસ્તાદ શૂજાત ખાન દ્વારા વિશેષ સંગીત પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ ભદ્ર ફેસ્ટિવલના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશેષ સંગીત પ્રસ્તુતિઓને નિહાળવા માટે 5000થી વધુ દર્શકો હાજર રહ્યા હતા. આમ, ઐતિહાસિક ભદ્ર પ્રાંગણમાં યોજાયેલા આ ભવ્ય મહોત્સવમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, સંગીતપ્રેમીઓ અને પ્રવાસીઓએ ઉત્સાહભેર સહભાગી બની અમદાવાદના ઐતિહાસિક વારસા અને સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો આનંદ માણ્યો હતો.
♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦








