પશ્ચિમ બંગાળમાં ટુવ્હીલર વાહનો ઉપર પ્રતિબંધ, જાણો ચૂંટણીપંચે બીજા કયા આદેશ કર્યા
કોલકાતા, 21 એપ્રિલ, 2026 – પશ્ચિમ બંગાળમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને થોડા દિવસ માટે ટુવ્હીલર વાહનો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ચૂંટણીપંચે આ ઉપરાંત પણ બીજા કેટલાક આદેશ કર્યા છે જેથી હિંસક ઘટનાઓ અને તેને કારણે ફેલાતો ડર ઘટાડી શકાય.
ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં ટુ-વ્હીલર વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ મુક્ત અને શાંતિપૂર્ણ મતદાન માટે બાઈક રેલીઓ પર પણ રોક લગાવી દીધી છે. રાત્રિના સમયે અવરજવર પર મર્યાદા નક્કી કરવામાં આવી છે અને વાહન પર બે વ્યક્તિના બેસવા (ડબલ સવારી) પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ચૂંટણી પંચની આ કડક માર્ગદર્શિકા આજથી જ, અર્થાત 21 એપ્રિલ, મંગળવારથી અમલી બનાવી દેવામાં આવી છે. મતદાનના બે દિવસ પહેલા આ નિર્ણય લેતા ચૂંટણી પંચે પ્રથમ તબક્કાની તમામ 152 બેઠકો પર આ આદેશો લાગુ કર્યા છે. રાજ્યમાં 23 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે.
સાથે જ પંચે નિર્દેશોમાં સ્પષ્ટ કર્યું છે કે ઇમરજન્સી પરિસ્થિતિ સિવાય સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી મોટરબાઈક ચલાવવા પર પ્રતિબંધ રહેશે. બાઈક રેલી પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પાછળની સીટ પર બેસવા પર પણ પ્રતિબંધ રહેશે, માત્ર પરિવાર સાથે વોટ આપવા જનારાઓને જ આમાં છૂટ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ પીએમ નરેન્દ્ર મોદી આતંકવાદી છેઃ મલ્લિકાર્જુન ખડગે, જુઓ Video
મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ, મતદાનના બે દિવસ પહેલાથી લઈને મતદાનના દિવસ સુધી મોટરસાઈકલના ઉપયોગ પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પંચનું કહેવું છે કે આ પગલું ચૂંટણીને સંપૂર્ણ રીતે નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને કોઈપણ પ્રકારના ડર કે દબાણ વગર સંપન્ન કરાવવા માટે લેવામાં આવ્યું છે. પ્રચારના પડઘમ શાંત થતાની સાથે જ આ પ્રતિબંધો લાગુ થઈ જશે.
દિવસના સમયે પણ નિયમો કડક
સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી બાઈક પર બે વ્યક્તિઓના બેસવા (પિલિયન રાઈડિંગ) ની પરવાનગી રહેશે નહીં, જેથી ભીડભાડ અને સંભવિત તણાવને રોકી શકાય. જોકે, મેડિકલ ઇમરજન્સી, પારિવારિક જરૂરિયાત કે બાળકોને સ્કૂલે લાવવા-લઈ જવા જેવી આવશ્યક સ્થિતિઓમાં મર્યાદિત છૂટ આપવામાં આવી છે. મતદાનના દિવસે પણ નિયમો લાગુ રહેશે. પરિવાર સાથે જરૂરી કામ અથવા મતદાન માટે થોડી રાહત આપવામાં આવી છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈને વિશેષ પરિસ્થિતિમાં છૂટ જોઈતી હોય, તો સ્થાનિક પોલીસ સ્ટેશનથી લેખિત પરવાનગી લેવી ફરજિયાત રહેશે. વહીવટીતંત્ર અને પોલીસને આ નિર્દેશોનું કડક પાલન કરાવવા અને દરેક સ્તરે દેખરેખ રાખવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ગજવા-એ-હિંદ કરવા માગતા બે આતંકીને ગુજરાત ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યા
16 જિલ્લાની 152 બેઠકો પર મતદાન થશે
બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 23 એપ્રિલના રોજ 16 જિલ્લાની 152 બેઠકો પર મતદાન થશે. જેમાં ઉત્તર બંગાળના આઠ, દક્ષિણ બંગાળના ત્રણ અને જંગલમહલ વિસ્તારના પાંચ જિલ્લાઓનો સમાવેશ થાય છે. મુર્શિદાબાદની 22, કૂચબિહારની 9, જલપાઈગુડીની 7, અલીપુરદ્વારની 5, કલિમ્પૉંગની 1, દાર્જિલિંગની 5, ઉત્તર દિનાજપુરની 9, દક્ષિણ દિનાજપુરની 6, માલદાની 12, બીરભૂમની 11, પશ્ચિમ બર્ધમાનની 9, પૂર્વ મેદિનીપુરની 16, પશ્ચિમ મેદિનીપુરની 15, ઝારગ્રામની 4, પુરુલિયાની 9 અને બાંકુડાની 12 બેઠકો સામેલ છે.
પ્રથમ તબક્કામાં આટલા ઉમેદવારો અજમાવી રહ્યા છે નસીબ
પ્રથમ તબક્કામાં કુલ 1,478 ઉમેદવારો મેદાનમાં છે. મતદારોની કુલ સંખ્યા 3 કરોડ 60 લાખ 77 હજાર 171 છે, જેમાં 1 કરોડ 84 લાખ 99 હજાર 496 પુરુષો, 1 કરોડ 75 લાખ 77 હજાર 210 મહિલાઓ અને 465 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.


