1. Home
  2. revoinews
  3. BAOU ખાતે ‘BIMSTEC રિસર્ચ સેન્ટર’ અને ‘નૉલેજ લૅબ’ની સ્થાપના થવી જોઈએઃ ડૉ. અમીબેન ઉપાધ્યાય
BAOU ખાતે ‘BIMSTEC રિસર્ચ સેન્ટર’ અને ‘નૉલેજ લૅબ’ની સ્થાપના થવી જોઈએઃ ડૉ. અમીબેન ઉપાધ્યાય

BAOU ખાતે ‘BIMSTEC રિસર્ચ સેન્ટર’ અને ‘નૉલેજ લૅબ’ની સ્થાપના થવી જોઈએઃ ડૉ. અમીબેન ઉપાધ્યાય

0
Social Share
  • બે દિવસની બિમસ્ટેક્સ આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સનું સમાપન

ગાંધીનગર, 8 જૂન 2026 – BAOU ખાતે ‘BIMSTEC રિસર્ચ સેન્ટર’ અને ‘નૉલેજ લૅબ’ની સ્થાપના થવી જોઈએ તેમ ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર ડૉ. અમીબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું. તેઓ રવિવારે 7 જૂને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે બિમસ્ટેક્સની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સની બીજા દિવસની બેઠકને સંબોધી રહ્યાં હતાં.

ભારત સરકારના વિદેશ મંત્રાલય, બિમસ્ટેક સચિવાલય અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ‘સ્ટ્રેન્થનિંગ બિમસ્ટેક્સ રોલ ઇન કનેક્ટિવિટી, કલ્ચર એન્ડ કોઑપરેશન’ વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સનું સમાપન સત્ર ગિફ્ટ સિટી ક્લબ, ગાંધીનગર ખાતે યોજાયું હતું.

છ પ્લેનેરી સત્રના અંતે સમાપન સત્રમાં મંચ પર શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી, યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાય, આઈએએસ (નિવૃત્ત) અને ધ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સના ચીફ નેશનલ કમિશનર ડૉ. કે. કે. ખંડેલવાલ, મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેર્સ, નવી દિલ્હીના જૉઇન્ટ સેક્રેટરી શ્રી સુગંધકુમાર, વિયેતનામમાં ભારતનાં ભૂતપૂર્વ રાજદૂત પ્રીતિ સરન મેડમ, યુનિવર્સિટીના કા. રજિસ્ટ્રાર ડૉ. ભાવિન ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Two-day BIMSTEC International Conference concludes at GIFT city
Two-day BIMSTEC International Conference concludes at GIFT city

BAOU ખાતે ‘BIMSTEC રિસર્ચ સેન્ટર’ અને ‘નૉલેજ લૅબ’ની સ્થાપના થવી જોઈએ

પ્રો. અમી ઉપાધ્યાયે કોન્ફરન્સનો ટૂંકો અહેવાલ પ્રસ્તુત કર્યો અને જણાવ્યું કે, BAOU ખાતે ‘BIMSTEC રિસર્ચ સેન્ટર’ અને ‘નૉલેજ લૅબ’ની સ્થાપના થવી જોઈએ; આ સંગઠન માત્ર એક આર્થિક સમૂહ નથી પરંતુ એક સભ્યતાકીય સંગમ છે.

શિક્ષણ સમાજ-પરિવર્તનનું સૌથી સબળ માધ્યમ

શિક્ષણમંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ઉદ્બોધન આપતા કહ્યું કે, BIMSTECની સ્થાપનામાં શિક્ષણને સમાજ-પરિવર્તનનું સૌથી સબળ માધ્યમ ગણવામાં આવ્યું છે, તેથી સભ્ય દેશોના સહકાર દ્વારા ‘BIMSTEC’ને એક શક્તિશાળી પ્રાદેશિક અને શૈક્ષણિક મૉડલ બનાવવું જોઈએ; આનાથી આપણા નાગરિકો માટે માત્ર સંવાદ જ નહીં, પરંતુ વાસ્તવિક સિદ્ધિના દ્વાર ખુલશે.

શ્રી હેમાંગભાઈ જોશીએ જણાવ્યું કે, બંગાળની ખાડી માત્ર એક જળરાશિ ન રહેતાં સભ્યતાઓનો સેતુ છે; આથી બિમસ્ટેક (BIMSTEC) રાષ્ટ્રોએ પ્રાદેશિક સહકાર થકી ‘સંવાદથી સિદ્ધિ’ અને ‘સહિયારી ભૂગોળથી સહિયારા ભવિષ્ય’ તરફ પ્રયાણ કરવું અત્યંત આવશ્યક છે.

શ્રી પ્રીતિ સરનજીએ કહ્યું કે, ‘BIMSTEC’ એ માત્ર પ્રાદેશિક સહકારનું માધ્યમ ન રહેતાં સર્વસમાવેશક વિકાસ અને સામૂહિક સુરક્ષાનું એક ઉત્કૃષ્ટ મૉડલ છે.

આ સાથે ઉલ્લેખનીય છે કે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે કૉન્ફરન્સમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના નૂતન અભ્યાસક્રમ ‘India and BIMSTEC: Strategy, Diplomacy & Regional Cooperation’ (CCIB) વિષયનું અનાવરણ કરવામાં આવ્યું. અંતે ડૉ. ભાવિન ત્રિવેદીએ આભારની લાગણી વ્યક્ત કરી.

ફળદાયી આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ

બે દિવસ સુધી ચાલેલી આ ઉચ્ચકક્ષાની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ બિમસ્ટેક સભ્ય રાષ્ટ્રો વચ્ચે પારસ્પરિક સહકાર, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને સર્વાંગી વિકાસ માટેની નવી દિશાઓ ઉઘાડવામાં એક ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ઘટના બની રહી. દેશ-વિદેશના પ્રખર વિદ્વાનો, રાજદ્વારીઓ અને નીતિનિર્માતાઓના ગહન મનોમંથન થકી કનેક્ટિવિટી, વેપાર, શાંતિ અને શિક્ષણ જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં ભવિષ્યની સચોટ અને નક્કર રૂપરેખા તૈયાર થઈ શકી છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને વિદેશ મંત્રાલયના આ સંયુક્ત અને સફળ આયોજને વૈશ્વિક ફલક પર પ્રાદેશિક એકીકરણ અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવનાને વધુ સુદૃઢ કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code