HomeAgency Newsવૃદ્ધ દંપતીને 96 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી બદમાશોએ 22 લાખ પડાવ્યા

વૃદ્ધ દંપતીને 96 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી બદમાશોએ 22 લાખ પડાવ્યા

રિવોઈ ન્યૂઝ, 27 ઓગસ્ટ, 2026 – ડિજિટલ એરેસ્ટ અને સાયબર અપરાધ વિશે જાગૃતિ ફેલાવવાના તમામ સ્તરે પ્રયાસ થતા હોવા છતાં હજુ પણ લોકો આવી ઘટનાનો ભોગ બનતા રહે છે. મધ્યપ્રદેશથી સાયબર ઠગાઈનો એક ખોફનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભોપાલના એક વૃદ્ધ દંપતીને બદમાશોએ લગભગ ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખ્યું.

સાયબર ઠગોએ પોતાની જાતને દિલ્હી પોલીસના અધિકારી, ચીફ ઈન્વેસ્ટિગેશન ઓફિસર અને સુપ્રીમ કોર્ટના જજ બતાવ્યા હતા. ઠગોએ દંપતીને કરોડોના મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. ડરના માર્યા દંપતીએ દાગીના ગીરવે મૂકીને 22 લાખ રૂપિયા સુધી આપી દીધા, છતાંય ઠગોએ પીછો ન છોડ્યો.

પોલીસના જણાવ્યા અનુસાર ભોપાલના કોલારસ્થિત ક્રિષ્ના કોમ્પ્લેક્સ ગણપતિ એન્ક્લેવમાં રહેતાં સુવર્ણા લક્ષ્મી અને નરસિંહા રાવ મૂળ આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લાના છે. તેઓ ફેબ્રુઆરીમાં શિવરાત્રી ઉજવવા પરિવાર સાથે આંધ્રપ્રદેશ ગયા હતા અને અહીંથી જ તેમની સાથે ઠગાઈની રમત શરૂ થઈ હતી.

19 મેના રોજ આવ્યો હતો પહેલો કૉલ

પોલીસના જણાવ્યા અનુસાર પહેલો કૉલ 19 મેના રોજ સુવર્ણાના મોબાઈલ પર આવ્યો હતો. ત્યારે બદમાશે પોતાની જાતને દિલ્હીના દરિયાગંજ પોલીસ સ્ટેશનનો અધિકારી ગણાવતા કહ્યું હતું કે તમારા નામે ધરપકડ વોરંટ જારી થયું છે. દિલ્હીની કેનેરા બેંક ખાતામાંથી નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં કરોડો રૂપિયાના લેવડદેવડનો તમારા ઉપર આરોપ હોવાનું બદમાશે એ મહિલાને કહ્યું હતું. ત્યારબાદ વીડિયો કૉલ પર પૂછપરછ શરૂ થઈ. દંપતીને કોઈની સાથે વાત ન કરવા અને ઘરની બહાર નહીં નીકળવાની ચીમકી આપવામાં આવી હતી.

તપાસ અધિકારી અને નકલી જજ સાથે કરાવી વાત

ત્યારબાદ 21 મેના રોજ એક મહિલાએ કૉલ કર્યો અને પોતાની જાતને ચીફ ઈન્વેસ્ટિગેશન અધિકારી ગણાવી. પછીના જ દિવસે વૉડિયો કૉલ પર નકલી જજ સાથે વાત કરાવી. તેણે દંપતીના ઓળખ કાર્ડની વિગતો બતાવીને કાર્યવાહીની ધમકી આપી. પછી 9 જૂનના રોજ નકલી જજે કૉલ કર્યો અને દંપતીની સંપત્તિ સીલ કરવાનો આદેશ સંભળાવ્યો. ત્યારબાદ નિશા પટેલ નામની મહિલાએ દંપતીને ભોપાલ પરત ફરવા કહ્યું.

એફડી તોડો, દાગીના વેચો કે ગીરવે મૂકો

દંપતી 10 જૂનના રોજ આંધ્રપ્રદેશથી રવાના થઈને 11 જૂને ભોપાલ પહોંચ્યું. 12 જૂને દાગીના ગીરવે મૂકીને 22 લાખ રૂપિયા એકઠા કર્યા. આરોપીઓએ મામલો પૂરો કરવાના નામે એફડી અને દાગીના વેચવા અથવા ગીરવે મૂકવા કહ્યું હતું. ત્યારબાદ તેઓએ આરોપીઓના જણાવેલા અલગ-અલગ બેંક ખાતામાં પાંચ વારમાં રકમ જમા કરાવી.

23 ઓગસ્ટ સુધી ડિજિટલ એરેસ્ટ ચાલુ રાખી

આરોપી બદમાશોએ વૃદ્ધ દંપતી સાથે વાત કરવા માટે 7 અલગ-અલગ વોટ્સએપ નંબરનો ઉપયોગ કર્યો હતો. 22 લાખ આપ્યા પછી પણ દંપતીને છોડવામાં આવ્યા ન હતા. 23 ઓગસ્ટ સુધી વિડિયો કૉલ દ્વારા નજર રાખવાનું ચાલુ રહ્યું.

ખબર પડી કે બધું નકલી છે

ઘણા દિવસો સુધી બદમાશોની જાળમાં ફસાયેલા રહ્યા બાદ દરમિયાન દંપતીને શંકા ગઈ. આ પછી તેમણે હકીકત જાણવા માહિતી એકઠી કરી તો ખબર પડી કે સુપ્રીમ કોર્ટનો બતાવવામાં આવેલો આદેશ નકલી હતો. 19 મેથી 23 ઓગસ્ટ સુધી કુલ 96 દિવસ ડિજિટલ અરેસ્ટનો ઘટનાક્રમ ચાલ્યો હતો. પછી દંપતીએ સાયબર સેલનો સંપર્ક કર્યો અને ફરિયાદ કરી. 27 ઓગસ્ટે મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી, પછી કેસની ડાયરી કોલાર પોલીસ સ્ટેશન મોકલી. પોલીસ હવે સાતેય વોટ્સએપ નંબર, વિડિયો કોલ અને પાંચ અલગ-અલગ ખાતામાં થયેલા ટ્રાન્ઝેક્શનની તપાસ કરી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular