નવી દિલ્હી, 12 જૂન 2026: ભારતીય શૂટિંગ જગતમાંથી એક અત્યંત આઘાતજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દેશના પૂર્વ દિગ્ગજ શૂટર અને ખ્યાતનામ શૂટિંગ કોચ જસપાલ રાણાનું શુક્રવારે માત્ર 49 વર્ષની નાની ઉંમરે અવસાન થયું છે. એશિયન ગેમ્સના પૂર્વ ગોલ્ડ મેડલિસ્ટ જસપાલ રાણા ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકર સહિતના દેશના અનેક સ્ટાર શૂટર્સના મેન્ટર રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, જર્મનીના મ્યુનિખ ખાતે યોજાયેલા આઈએસએસએફ (ISSF) વર્લ્ડ કપ બાદ તેઓ ભારત પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી. દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ હાલમાં ભારતીય પિસ્તોલ શૂટર્સના હાઈ-પર્ફોર્મન્સ કોચ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ જ ભારતીય ટીમે તાજેતરમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા હતા.
જસપાલ રાણાના અકાળ અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પીએમ મોદીએ લખ્યું કે, “જસપાલ રાણાના અવસાનથી અત્યંત દુઃખ થયું છે. તેમનું જવું એ ભારતીય રમતજગત માટે બહુ મોટી ખોટ છે. તેમણે શૂટિંગમાં પોતાની અસાધારણ સિદ્ધિઓથી દેશનું ગૌરવ વધાર્યું હતું. એક મેન્ટર તરીકે પણ તેમનું યોગદાન એટલું જ નોંધપાત્ર રહ્યું. તેમણે સંપૂર્ણ સમર્પણ સાથે યુવા ખેલાડીઓને તાલીમ આપી અને તેમનું માર્ગદર્શન કર્યું. શાનદાર પ્રદર્શન, શિસ્ત અને રમતની સેવા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાએ તેમને સન્માન અપાવ્યું છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને રમતજગત સાથે છે. ઓમ શાંતિ.”
મનુ ભાકરના ‘સુપર કોચ’: વર્ષ ૨૦૨૦માં દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત થયા હતા
જસપાલ રાણાએ પોતાના શૂટિંગ કરિયર દરમિયાન વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો કાયમ કર્યો હતો. તેમણે કોમનવેલ્થ ગેમ્સની ચાર આવૃત્તિઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરીને કુલ 15 મેડલ જીત્યા હતા, જેમાં 9 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ ઉપરાંત, એશિયન ગેમ્સ (1994, 1998 અને 2006) માં પણ તેમણે અદભુત પ્રદર્શન કરીને દેશને કુલ 8 મેડલ અપાવ્યા હતા.
એક શાનદાર ખેલાડી હોવાની સાથે જસપાલ રાણા દેશના સર્વશ્રેષ્ઠ કોચ તરીકે ઉભરી આવ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંઘ દ્વારા તેમને 25 મીટર પિસ્તોલ ઇવેન્ટના હાઈ-પર્ફોર્મન્સ કોચ બનાવવામાં આવ્યા હતા. ભારતીય શૂટિંગમાં કડક ટ્રેનિંગ પ્રોટોકોલ દાખલ કરવાનો શ્રેય તેમને જાય છે. તેમના જ માર્ગદર્શન હેઠળ પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે બે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો અને તે આ કારનામું કરનારી દેશની પ્રથમ શૂટર બની હતી. રમતજગતમાં ખેલાડીઓ તૈયાર કરવાના આ ભગીરથ કાર્ય બદલ ભારત સરકાર દ્વારા વર્ષ 2020 માં તેમને સર્વોચ્ચ ‘દ્રોણાચાર્ય એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) ના પ્રમુખ કલિકેશ નારાયણ સિંહ દેવે જસપાલ રાણાના અવસાન પર ઘેરો શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, “આ ભારતીય રમતગમત માટે ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ છે. તેઓ માત્ર એક ચેમ્પિયન શૂટર જ નહોતા, પરંતુ એક અદભુત માર્ગદર્શક પણ હતા. તેઓ હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે.” જસપાલ રાણાનું નિધન એ ભારતીય શૂટિંગના એક સુવર્ણ યુગનો અંત છે.

