Homeગુજરાતીદેશ-વિદેશજમીન માલિકીમાં લિંગભેદ: પાકિસ્તાનમાં 97 ટકા મહિલાઓ પાસે જમીન નથી, ભારતમાં સ્થિતિ...

જમીન માલિકીમાં લિંગભેદ: પાકિસ્તાનમાં 97 ટકા મહિલાઓ પાસે જમીન નથી, ભારતમાં સ્થિતિ સારી

નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર 2026: જમીન એ માત્ર ખેતી કે રહેઠાણની જગ્યા નથી, પરંતુ તે આર્થિક સુરક્ષા, લોન લેવાની ક્ષમતા અને પરિવારમાં નિર્ણય લેવાની તાકાતનો મોટો આધાર છે. જો કે, પાકિસ્તાન અને ભારત સહિતના વિકાસશીલ દેશોમાં મહિલાઓ પાસે જમીનની માલિકીની સ્થિતિ અત્યંત દયનીય કે અસંતુલિત જોવા મળી રહી છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પોલિસી ઇન્સ્ટિટ્યુટ (SDPI)ના તાજેતરના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં મહિલાઓની આર્થિક અને સામાજિક સ્થિતિ અત્યંત પછાત છે.

SDPIના સર્વે અનુસાર, પાકિસ્તાનમાં 15 થી 49 વર્ષની વયની પરિણીત મહિલાઓમાંથી માત્ર 2 ટકા મહિલાઓ પાસે જ એકલા કે સંયુક્ત નામ પર જમીન છે. આશ્ચર્યજનક વાત એ છે કે 97.2 ટકા મહિલાઓએ સ્વીકાર્યું છે કે તેમને કોઈ જમીન કે ઘર વારસામાં મળ્યું નથી. પાકિસ્તાનમાં ૬૭% મહિલાઓ કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે, છતાં માત્ર 1.5 ટકા પરિવારો જ ઔપચારિક રીતે મહિલા-પ્રધાન તરીકે નોંધાયેલા છે. ખાસ કરીને સિંધ પ્રાંતમાં સ્થિતિ વધુ ખરાબ છે, જ્યાં 99.1 ટકા મહિલાઓ પાસે જમીનની માલિકી નથી. ડિજિટલ અને બેન્કિંગ ક્ષેત્રે પણ મોટું અંતર છે; પાકિસ્તાનમાં 56 ટકા પુરુષો સામે માત્ર 14 ટકા મહિલાઓ પાસે જ બેંક ખાતું છે.

ભારતમાં મહિલાઓની સ્થિતિ પાકિસ્તાન કરતા પ્રમાણમાં સારી છે, પરંતુ લિંગભેદનું પ્રમાણ અહીં પણ મોટું છે. વર્લ્ડ બેંકના જેન્ડર ડેટા પોર્ટલ મુજબ, 2021માં 15 થી 49 વર્ષની 9.5 ટકા ભારતીય મહિલાઓ પાસે એકલા પોતાના નામ પર જમીન હતી, જ્યારે પુરુષોમાં આ આંકડો 29.7 ટકા હતો. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ, ભારતમાં 31.7 ટકા મહિલાઓ અને 42.3 ટકા પુરુષો પાસે જમીનની માલિકી (એકલા કે સંયુક્ત) હતી, જ્યારે ઘરના મામલે મહિલાઓનો આંકડો 42.3 ટકા અને પુરુષોનો 60.1 ટકા હતો. આમ, આ વૈશ્વિક સરખામણીમાં પાકિસ્તાન કરતાં ભારતની સ્થિતિ આશરે 8ગણી સારી છે.

  • વિશ્વના અન્ય દેશોમાં જમીનની માલિકીનું ચિત્ર

ઇન્ડોનેશિયા (2017): 12.7 ટકા
નેપાળ (2022): 9.7 ટકા
ઇથિયોપિયા (2016): 15.2 ટકા
ફિલિપાઇન્સ (2022): 1.4 ટકા
આર્મેનિયા (2016): 1.6 ટકા
જોર્ડન (2023): 3 ટકા
મલાવી (2016): 36.6 ટકા (સૌથી વધુ)

  • ભારત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટેના પગલાં

ભારતમાં મહિલાઓની સંપત્તિ અને જમીન માલિકી વધારવા માટે સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ (PMAY – ગ્રામીણ અને અર્બન) અંતર્ગત મકાનો મહિલાના નામે અથવા પત્ની-પત્નીના સંયુક્ત નામે ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, જમીન રેકોર્ડ્સમાં ‘જેન્ડર કૉલમ’ સામેલ કરવા માટે રાજ્યોને સૂચના આપવામાં આવી છે, જેથી મહિલા માલિકોની ઓળખ વધુ પારદર્શક બની શકે. નિષ્ણાતોના મતે, જમીનની માલિકી માત્ર સંપત્તિ નથી, પરંતુ તે મહિલાઓની આર્થિક સ્વતંત્રતા અને સલામતીની મજબૂત ચાવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular