ગાંધીનગર, 18 જૂન, 2026 – કરકસરની વડાપ્રધાનની અપીલની આજે રાજ્યમાં એક વિશિષ્ટ અસર જોવા મળી હતી. રાજ્યપાલ, મુખ્યમંત્રી તેમજ ગુજરાતના ભાજપ અધ્યક્ષ એક સાથે ટ્રેનમાં નવસારી જવા રવાના થયા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લામાં આયોજિત બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થવા માટે અમદાવાદથી નવસારી સુધીની મુસાફરી વંદે ભારત ટ્રેન મારફત કરી હતી. આ મુસાફરી દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ તેમની સાથે જોડાયા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પોને ચરિતાર્થ કરતા રાજ્યપાલશ્રીએ રાજ્યના પ્રવાસોમાં એસ.ટી. બસ અને ટ્રેન જેવા સાર્વજનિક માધ્યમોને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લીધો છે. આ સંકલ્પને વરેલા રાજ્યપાલશ્રીએ આજે વંદે ભારત ટ્રેનમાં એક સામાન્ય પ્રવાસીની જેમ સફર કરી હતી. ટ્રેનની મુસાફરી દરમિયાન રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ સહ-મુસાફરો સાથે અત્યંત આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો.
નોંધનીય છે કે, રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રી ખેરગામ અને ચીખલી તાલુકામાં આયોજિત બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનથી વાપી જવા માટે ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન દ્વારા પ્રસ્થાન કર્યું હતું. ટ્રેનમાં સહયાત્રી તરીકે તેઓને ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું.
આ સુખદ પ્રવાસ દરમિયાન તેઓએ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અન્ય સહયાત્રીઓ સાથે સહજ સંવાદ સાધ્યો હતો.


