1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખારાઘોડા નજીક રણની જમીન ખાનગી કંપનીને આપવા સામે અગરિયાઓ આંદોલન કરશે
ખારાઘોડા નજીક રણની જમીન ખાનગી કંપનીને આપવા સામે અગરિયાઓ આંદોલન કરશે

ખારાઘોડા નજીક રણની જમીન ખાનગી કંપનીને આપવા સામે અગરિયાઓ આંદોલન કરશે

0
Social Share

સુરેન્દ્રનગર, 18 જુન, 2026 : Agarias will protest against giving desert land જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાની હેઠળ ‘અગર બચાવો, અગરિયા બચાવો’ અભિયાન અંતર્ગત અગરિયા એકતા સભા યોજાઈ હતી. કચ્છના નાના રણમાં 5000 એકર જમીન ખાનગી કંપનીને પધરાવી દેવાના વિરોધમાં સભામાં અગરિયાઓ દ્વારા ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી. આગામી 23મી જૂને પાટડી પ્રાંત કચેરીએ ધરણા પ્રદર્શન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કચ્છના નાના રણ વિસ્તારમાં  હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને 5,000 એકર જમીન ભાડાપટ્ટે આપવા સામે અગરિયાઓમાં ભારે વિરોધ ઊભો થયો છે.  ખાનગી કંપનીએ રણમાં 6-6 ફૂટ ઊંચી માટીની પાળ બાંધીને રસ્તાઓ અવરોધિત કર્યા છે. ઉપરાંત, પેઢી દર પેઢીથી મીઠું પકવતા અગરિયાઓને હિન્દુસ્તાન સોલ્ટ દ્વારા જમીન ખાલી કરવા અને મીઠું પકવવાનું બંધ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ જમીન સોદામાં રૂ. 500 કરોડના કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે. તેમણે સભામાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સમગ્ર રણનો સોદો કરીને મીઠું પકવતા અગરિયાઓના પેટ પર લાત મારવામાં આવી રહી છે. સોલંકીએ આક્ષેપ કર્યો કે, 5,000 એકર જમીન અને હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડનો પ્લાન્ટ ખાનગી કંપનીને માત્ર કોડીના ભાવે પાંચ વર્ષ માટે અગરિયાઓને લૂંટવા માટે પીળો પરવાનો આપવામાં આવ્યો છે.

ખારાઘોડા ગામે મળેલી સભામાં અગરિયાઓએ હુંકાર કર્યો હતો કે, જ્યાં સુધી કંપનીનો કોન્ટ્રાક્ટ રદ નહીં થાય ત્યાં સુધી તબક્કાવાર આંદોલન ચાલુ રહેશે. 23મી જૂનના રોજ પાટડી પ્રાંત કચેરીએ ધરણા પ્રદર્શન કરીને આંદોલનની શરૂઆત કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code