સંગ્રહિત અનાજમાં જીવાત નિયંત્રણ માટે હર્બલ સીડ કોટિંગ ટેક્નોલોજીઃ ICAR-DMAPRને પેટન્ટ પ્રાપ્ત
ગાંધીનગર, 15 મે, 2026 – ભાકૃઅનુપ-ઔષધીય અને સુગંધિત છોડ સંશોધન નિર્દેશાલય, ગુજરાતે પર્યાવરણને અનુકૂળ રીતે સંગ્રહિત અનાજ અને બીજને જંતુના ઉપદ્રવથી બચાવવાના હેતુથી નવીન હર્બલ સીડ કોટિંગ ટેકનોલોજી માટે પેટન્ટ પ્રાપ્ત થઈ છે.
“જૈવસક્રિય વનસ્પતિ આધારિત બીજ આવરણ સંયોજન અને તેની તૈયાર કરવાની પદ્ધતિ” શીર્ષક ધરાવતી આ શોધ (પેટન્ટ નં. 58801) ને 30 એપ્રિલ, 2026ના રોજ પેટન્ટ મંજૂર કરવામાં આવી હતી. આ ટેકનોલોજી ફૂડ-ગ્રેડ પોલિમર અને બાયોપોલિમરનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવી છે જેમાં લેમનગ્રાસ, પામરોસા, તજ, લીમડો અને લવિંગ જેવા સુગંધિત છોડમાંથી કુદરતી રીતે કાઢવામાં આવેલા આવશ્યક તેલનો સમાવેશ થાય છે.
સંસ્થાના જણાવ્યા અનુસાર, આ હર્બલ ફોર્મ્યુલેશન બીજોના અંકુરણ અથવા શારીરિક ગુણવત્તા પર કોઈ પ્રતિકૂળ અસર કર્યા વગર જીવાતોથી અસરકારક રક્ષણ પૂરું પાડે છે। આ સંયોજનએ સંગ્રહિત અનાજ અને દાળોમાં ભારે નુકસાન પહોંચાડતી મુખ્ય જીવાત પલ્સ બીટલ (Callosobruchus chinensis) સામે નોંધપાત્ર જીવાણુનાશક અને પ્રતિરોધક અસર દર્શાવી છે.
ટેકનોલોજી વિકાસના કર્ણધર
ભારતીય કૃષિ સંશોધન પરિષદની નાણાકીય સહાયથી ટેકનોલોજી વિકસાવવામાં ICAR-DMAPRના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. જીતેન્દ્ર કુમાર અને મુખ્ય ટેકનિકલ અધિકારી ડૉ. અશ્વિન ત્રિવેદી સામેલ હતા.
અધિકારીઓએ જણાવ્યું કે નવી પેટન્ટ પ્રાપ્ત ટેક્નોલોજીના અનેક લાભો છે, જેમાં કૃત્રિમ જંતુનાશકો પરની નિર્ભરતા ઘટાડવી, બીજોની સલામતી અને સંગ્રહક્ષમતા વધારવી, બીજની શક્તિ અને અંકુરણ જાળવી રાખવું તથા સંગ્રહિત અનાજ અને દાળોને વધુ સુરક્ષા પ્રદાન કરવીનો સમાવેશ થાય છે. આ નવીનતા ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભોજશાળા વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સંકુલને હિન્દુ મંદિર જાહેર કર્યું, પૂજાનો અધિકાર આપ્યો
ડૉ. મનીષ દાસે જણાવ્યું હતું કે આ સિદ્ધિ ટકાઉ કૃષિ અને લણણી પછીના વ્યવસ્થાપન માટે નવીન હર્બલ અને વનસ્પતિ આધારિત ટેક્નોલોજી વિકસાવવાની સતત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
ભાકૃઅનુપ-ઔષધીય અને સુગંધિત છોડ સંશોધન નિર્દેશાલય એ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ હેઠળ કાર્યરત એક અગ્રણી રાષ્ટ્રીય સંસ્થા છે, જે કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકારના માર્ગદર્શન હેઠળ દેશમાં ઔષધીય અને સુગંધિત છોડના સંશોધન અને વિકાસ માટે કાર્યરત છે.


