રશિયા પાસેથી ભારત ઘાતક R-37M અલ્ટ્રા લોંગ રેન્જ એર-ટુ-એર મિસાઈલ ખરીદશે
નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: સરહદ પર ચીન અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સંરક્ષણ તાલમેલ વચ્ચે ભારતે રશિયા સાથે એક અત્યંત મહત્વપૂર્ણ અને ગુપ્ત સંરક્ષણ સોદો પાર પાડ્યો હોવાના અહેવાલ છે. આ કરાર હેઠળ ભારત રશિયા પાસેથી ઘાતક આર-37એમ અલ્ટ્રા-લોન્ગ-રેન્જ એર-ટુ-એર મિસાઈલ ખરીદશે. આ મિસાઈલો મળવાથી ભારતીય વાયુસેનાની આક્રમક ક્ષમતામાં અનેકગણો વધારો થશે અને દુશ્મન દેશોના વિમાનો ભારતીય સીમાની નજીક આવતા પહેલા સો વાર વિચાર કરશે.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, ભારત અને રશિયા વચ્ચે 1.2 અબજ અમેરિકન ડોલરનો આ સોદો થયો છે. આ અંતર્ગત રશિયા ભારતને 300 જેટલી R-37M મિસાઈલો નિકાસ કરવા માટે સંમત થયું છે. જોકે આ સોદાની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ પ્રક્રિયાઓ ફાઈનલ થઈ ચૂકી છે. આ મિસાઈલોની ડિલિવરી આગામી 12 થી 18 મહિનામાં શરૂ થવાની ધારણા છે.
આ પણ વાંચોઃ ઉત્તર ભારત ગરમીમાં શેકાયું: બાંદા 46.6 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર, કાનપુરમાં 56 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
રશિયાની આ મિસાઈલ વિશ્વની સૌથી શક્તિશાળી એર-ટુ-એર મિસાઈલોમાંની એક ગણાય છે. તેની ઓપરેશનલ રેન્જ અંદાજે 300 થી 400 કિમી છે, જે હવામાં લાંબા અંતરે રહેલા દુશ્મન વિમાનોને તોડી પાડવા સક્ષમ છે. આ મિસાઈલ અવાજની ગતિ કરતા 6 ગણી વધુ ઝડપે (હાઈપરસોનિક સ્પીડ) ગતિ કરે છે, જેના કારણે દુશ્મન ટાર્ગેટ માટે તેનાથી બચવું લગભગ અશક્ય છે. તે ખાસ કરીને દુશ્મનના એર્લી-વોર્નિંગ વિમાનો અને ટેન્કર એરક્રાફ્ટને નિશાન બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ મિસાઈલોને ભારતીય વાયુસેનાના મુખ્ય લડાયક વિમાન Su-30MKI માં ફિટ કરવામાં આવશે.
સંરક્ષણ નિષ્ણાતોના મતે, પાકિસ્તાન હાલમાં ચીની હથિયારો પર વધુ નિર્ભર બની રહ્યું છે ત્યારે R-37M મિસાઈલ ભારત માટે સંતુલન જાળવવાનું કામ કરશે. જગન્નાથ પાંડા (હેડ, સ્ટોકહોમ સેન્ટર ફોર સાઉથ એશિયન અફેર્સ) જણાવે છે કે, આ મિસાઈલના આવવાથી પાકિસ્તાનની હવાઈ પ્લાનિંગ ખોરવાઈ જશે, કારણ કે ભારતીય વિમાનો હવે ઘણા લાંબા અંતરથી જ પાકિસ્તાની જેટ્સને નિશાન બનાવી શકશે. રશિયા સાથેના આ સોદાની સાથે જ ભારત પોતાની સ્વદેશી મિસાઈલ ટેકનોલોજી પર પણ કામ કરી રહ્યું છે. આગામી દોઢ વર્ષમાં ભારતની પોતાની એસ્ટ્રા Mk 2 અને Mk 3 મિસાઈલો પણ સેનામાં સામેલ થવા માટે તૈયાર થઈ જવાની અપેક્ષા છે.


