1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં કાયાકિંગની મજા શુક્રવારથી માણી શકાશે
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં કાયાકિંગની મજા શુક્રવારથી માણી શકાશે

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી નદીમાં કાયાકિંગની મજા શુક્રવારથી માણી શકાશે

0
Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં સાબરમતી નદીમાં આગામી શુક્રવારથી કાયાકિંગ સેવા શરૂ કરવામાં આવશે. આમ આમદાવાદના શહેરીજનોને વોટર સ્પોર્ટની એક ભેટ અપાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આગામી 31 માર્ચને શુક્રવારથી રિવરફ્રન્ટ ખાતે કાયાકિંગ (નાની રબર કે પ્લાસ્ટિકની હોડી જાતે ચલાવવી) શરૂ કરવામાં આવશે. શહેરના સરદાર બ્રિજની નીચે આવેલા ઘાટ નં 11 થી આંબેડકર બ્રિજ તરફ કાયાકિંગની રમત શરૂ કરાશે. કાયાકિંગ કરનારા શોખીનોને આરંભમાં 800 મીટરથી 1 કિ.મી સુધીનું એક ચક્કર મારવા દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાયાકિંગ જેવી વોટર સ્પોર્ટસ હાલ ગોવા, કેરળ સહિતના દરિયા કિનારાના રાજ્યો અને ઉત્તરાખંડના ઋષિકેશમાં જોવા મળે છે. અમદાવાદમાં  પ્રથમવાર આ પ્રકારની વોટર સ્પોર્ટ્સ સેવા ઉપલબ્ધ બનશે.  રિવરફ્રન્ટમાં વિવિધ વોટર સ્પોર્ટ્સ શરૂ કરવા પાછળ મુખ્ય આશય નદીને એકદમ સક્રિય અને ધબકતી રાખવાનો છે. ગત વર્ષે ગુજરાતમાં જ્યારે નેશનલ ગેમ્સનું આયોજન કરાયું ત્યારે કાયાકિંગની રમત સૌથી વધુ સફળ રહી હતી, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને એમ લાગ્યું હતું કે કાયાકિંગ જેવી વોટર સ્પોર્ટ્સ રિવરફ્રન્ટ ખાતે પણ શરૂ થવી જોઇએ.  આ રમત શરૂ કરવા ખાનગી કંપનીઓ પાસેથી દરખાસ્તો મગાવવામાં આવી હતી અને રસ ધરાવતી પાર્ટીઓએ અરજીઓ પણ કરી હતી. જે પાર્ટીની બોલી સૌથી ઉંચી હતી તેને તેના ભૂતકાળના સફળ અનુભવ અને ટેકનીકલ લાયકાતના આધારે પસંદ કરવામાં આવી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના  રિવરફ્રન્ટ ખાતે કાયાકિંગની રમત શરૂ કરનારી એજન્સીએ કહ્યું હતું કે લોકોને કાયાકિંગની મજા માણવા દૂર સુધી મુસાફરી કરીને જવું પડે છે. અમે બરોડા કાયાક એજન્સી તરીકે કામ કરીએ છીએ અને હાલ મહિસાગર નદીમાં લોકોને કાયાકિંગની મજા કરાવીએ છીએ. મહિસાગર નદી ખાતે આવતા કુલ પ્રવાસીઓ પૈકી 50 ટકા અમદાવાદના લોકો હોય છે જેઓ ફક્ત કાયાકિંગની મજા માણવા આવે છે, જે પુરવાર કરે છે કે અમદાવાદના લોકોને કાયાકિંગની રમતમાં ખુબ રસ છે.

રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાં કાયાકિંગ માટે જેને કોન્ટ્રાક્ટ મળ્યો છે. તે એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદના શહેરીજનો  આતુરતાથી આ રમતની રાહ જોઇ રહ્યા હતા અને આ વોટર સ્પોર્ટ્સ ઇકો-ફ્રેન્ડલી છે. કાયાકિંગના શોખીનો કાયાકિંગની મજા માણવા નદીમાં ઉતરે તે પહેલાં જેકેટ, રેસ્ક્યુ બોટ અને લાઇફગાર્ડ જેવા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવશે. જોકે, 12 વર્ષથી વધુ વયના લોકો જ કાયાકિંગની મજા માણી શકશે. શરૂઆતમાં સાત ડબલ સીટવાળી, ત્રણ સિંગલ સીટવાળી અને એક રેસ્ક્યુ બોટ રહેશે. કાયાકિંગ કરવા ઇચ્છતા શોખીન લોકોને સૌ પ્રથમ વોટર સ્પોર્ટ્સ ઓપરેટર દ્વારા તાલીમ આપવામાં આવશે. તેઓને કાયાકને કેવી રીતે પેડલ મારવા, કેવી રીતે ડાબી-જમણી બાજુએ ટર્ન લેવો જેવી મહત્વની બાબતો શીખડાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code