Homeગુજરાતીગુજરાતગુજરાતભરમાં ઊજવાયો ગણેશ વિસર્જનોત્સવ, બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો

ગુજરાતભરમાં ઊજવાયો ગણેશ વિસર્જનોત્સવ, બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો

અમદાવાદ, 26 સપ્ટેમ્બર,2026 : Ganesh Visarjan celebrated across Gujarat ગુજરાતમાં શુક્રવારે ગણેશ વિસર્જનનો ઉત્સવનું સમાપન થયુ હતું. ભક્તોએ ભાવુક હ્રદયે ગણપતિ બાપ્પાને વિદાય આપી હતી. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત મહાનગરોમાં મૂર્તિઓના વિસર્જન માટે ખાસ કૂંડ બનાવવામાં આવ્યા હતા. ડીજે સાથે ઠેર ઠેર ગણેશ વિસર્જન યાત્રાઓ નિકળી હતી. અમદાવાદ સહિત મોટાભાગના શહેરમાં વિસર્જન યાત્રામાં જમાવટ જોવા મળી રહી છે.

અમદાવાદ શહેરના જમાલપુર રિવરફ્રન્ટ ખાતે ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.  ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટી મૂર્તિઓ માટે 3 ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, પાલડી NID પાછળ સુરક્ષાના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. મ્યુનિ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જન માટે શહેરના દરેક વિસ્તારમાં મોટા કૂંડ બનાવવામાં આવ્યા હતા. પંડાળો અને સોસાયટીઓમાથી સમીસાંજ બાદ ગણેશજી વિસર્જન યાત્રાઓ નીકળી હતી.

સુરતમાં વહેલી સવારથી શરૂ થયેલી વિસર્જન યાત્રામાં બપોર બાદ મુંબઈ જેવો માહોલ જામ્યો છે. શહેરમાં ત્રણ-ત્રણ માળ ઊંચી મૂર્તિઓની રાજમાર્ગ પર શાહી સવારી નીકળી હતી. વિશ્વ શાંતિના સંદેશ સાથે તિરંગા યાત્રા સાથે ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી. તો ભાગળ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. જ્યારે હજીરામાં ગણેશજીની 20થી 28 ફૂટ સુધીની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતું.  ગુલાલ ઉડાડવાની મનાઈ હોવા છતા યુવાનોએ ગુલાલ ઉડાડ્યું હતું, જેથી પોલીસે શ્રીજીની મૂર્તિને લઈ જતા વાહન પરથી યુવાનોને નીચે ઉતાર્યા, ત્યારે એક ટાબરીયાએ પોલીસ પર હાથ ઉપાડ્યો હતો.

વડોદરાના રાજ પરિવાર દ્વારા સ્થાપિત રોયલ ગણેશજીનું લક્ષ્મી વિલાસ પેલેસ પરિસરમાં જ આવેલ કૃત્રિમ તળાવમાં વિધિવત વિસર્જન કરાયું. રાજવી પરંપરા મુજબ વાજતે-ગાજતે અને ભારે શ્રદ્ધા સાથે ગણેશ ભક્તોએ ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ વચ્ચે બાપ્પાને ભાવભીની વિદાય આપી હતી.

આ ઉપરાંત રાજકોટ શહેરમાં ગણપતિ વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને પર્યાવરણ અનુકૂળ રીતે સંપન્ન થાય તે માટે શહેર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરની ભાગોળે આવેલા 6 જુદા-જુદા સ્થળો પર ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ. રાજકોટ ઉપરાંત ભાવનગર, જામનગર સહિત નાના-મોટા શહેરોમાં ગણેશ વિસર્જનોત્સવ ઊજવોયો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular