અંદામાન સમુદ્રમાં મોટી દુર્ઘટના: શરણાર્થીઓ ભરેલી બોટ પલટી, 250થી વધુ લોકો લાપતા
ઢાકા, 15 એપ્રિલ 2026: અંદામાન સમુદ્રમાં રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશી નાગરિકોને લઈ જતી એક બોટ પલટી જવાની કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે બોટમાં સવાર આશરે 250 જેટલા લોકો લાપતા છે, જેમના જીવિત હોવાની શક્યતા નહિવત જણાઈ રહી છે.
સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચ આયુક્તના નિવેદન મુજબ, આ બોટ દક્ષિણ બાંગ્લાદેશના ટેકનાફથી મલેશિયા જવા રવાના થઈ હતી. ૪ એપ્રિલના રોજ બાંગ્લાદેશ છોડનારી આ બોટમાં અંદાજે 280 લોકો સવાર હતા. સમુદ્રમાં ફૂંકાયેલા જોરદાર પવન, ઉછળતા મોજા અને ક્ષમતા કરતા વધુ લોકોને ભરવામાં આવ્યા હોવાને કારણે બોટ સંતુલન ગુમાવી સમુદ્રમાં ડૂબી ગઈ હતી.
લાપતા થયેલા લોકોમાં મોટી સંખ્યામાં બાળકો અને રોહિંગ્યા શરણાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે. આ શરણાર્થીઓ બાંગ્લાદેશના કોક્સ બજાર સ્થિત શિબિરોની અત્યંત દયનીય સ્થિતિમાંથી બચવા માટે દરિયાઈ માર્ગે મલેશિયા ભાગી રહ્યા હતા. મ્યાનમારના રાખાઈન પ્રાંતમાંથી વિસ્થાપિત થયેલા લાખો રોહિંગ્યાઓ હાલ બાંગ્લાદેશની વિવિધ શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે.
બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, 9 એપ્રિલના રોજ ઈન્ડોનેશિયા જઈ રહેલા બાંગ્લાદેશી જહાજ ‘એમ.ટી. મેઘના પ્રાઈડ’ એ અંદામાન ટાપુઓ પાસે મધદરિયે કેટલાક લોકોને તરતા જોયા હતા. જહાજના ક્રૂ મેમ્બરોએ તાત્કાલિક કાર્યવાહી કરી એક મહિલા સહિત ૯ લોકોને બચાવી લીધા હતા. આ તમામ લોકોને બાદમાં કોસ્ટ ગાર્ડના પેટ્રોલિંગ જહાજ ‘મન્સૂર અલી’ ને સોંપવામાં આવ્યા હતા.
બચાવી લેવાયેલા 40 વર્ષીય રફીકુલ ઈસ્લામે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, “તસ્કરોએ અમને મલેશિયામાં નોકરીની લાલચ આપી બોટમાં બેસાડ્યા હતા. અમને ટેકનાફના એક નાના ઓરડામાં અમાનવીય રીતે રાખવામાં આવ્યા હતા. 4 દિવસની મુસાફરી બાદ અચાનક બોટ પલટી ગઈ હતી. હું લગભગ 36 કલાક સુધી સમુદ્રના મોજાઓ વચ્ચે મોતના મુખમાં તરતો રહ્યો, ત્યાં સુધી કે મને બચાવવા માટે જહાજ ન આવ્યું.”
આ ઘટનાએ ફરી એકવાર માનવ તસ્કરી અને શરણાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલમાં લાપતા લોકો માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ સમય વિતવાની સાથે આશાના કિરણો ધૂંધળા થઈ રહ્યા છે.


