1. Home
  2. ગુજરાતી
  3. ગાંધીનગરમાં ધારાસભ્યોને મળશે આધુનિક સુવિધાઓથી સજ્જ એરકન્ડિશન લકઝુરિયસ ફ્લેટ્સ
ગાંધીનગરમાં ધારાસભ્યોને મળશે આધુનિક સુવિધાઓથી સજ્જ એરકન્ડિશન લકઝુરિયસ ફ્લેટ્સ

ગાંધીનગરમાં ધારાસભ્યોને મળશે આધુનિક સુવિધાઓથી સજ્જ એરકન્ડિશન લકઝુરિયસ ફ્લેટ્સ

0
Social Share

ગાંધીનગરઃ પ્રજાના સેવક ગણાતા ધારાસભ્યોને માટે પાટનગર ગાંધીનગરમાં અત્યાધૂનિક લક્ઝુરિયસ વાતાનુકૂલિત ફ્લેટ્સ બનાવાશે. ધારાસભ્યો હાલ સેકટર 21માં આવેલા એમએલએ ક્વાર્ટરમાં 3 BHK કવાર્ટરમાં વસવાટ કરે છે. જો કે, હવે તે આવાસો નાના પડતા હોય, હયાત આવાસ કરતા દોઢ ગણી સુવિધા ધરાવતા નવા ક્વાર્ટર બનાવવા માટે રાજ્ય સરકારે વિચારણા હાથ ધરી છે. આધુનિક સુવિધાઓથી સજ્જ ક્વાર્ટર બનાવવા માટે હાલ સરકાર દ્વારા જમીનની પસંદગી કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરી દેવામા આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજય સેવક ગણાતા ધારાસભ્યો માટે સેકટર 17 માં કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક ભૂકંપ પ્રૂફ હાલ કરતા દોઢ ઘણી સુખ સુવિધાઓવાળા ઓફિસ સ્પેસ મળી રહે તે રીતના ત્રણ બેડરૂમ હોલ કિચનનાં હાઈ રાઈઝ ક્વાર્ટર બાંધવામાં આવશે. તે સિવાય ધારાસભ્યોના પરિવારજનોને નાની મોટી ખરીદી કરવા માટે અન્ય માર્કેટમાં જવુ ના પડે તે માટે અત્રે ખાસ અલાયદો સ્ટોર્સ બનાવવાનું પણ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ તેમજ વિધાનસભા અધ્યક્ષ દ્વારા સેકટર 17 ની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરની રચના થઈ ત્યારથી 1 થી 30 સેકટરમાં સેકટર 17 શહેરની મધ્યમાં આવેલું હોવાથી આગવું મહત્ત્વ ધરાવે છે. જુના સચિવાલય, વિધાનસભા તેમજ શહેરના સૌથી મોટા માર્કેટ સેકટર 21 ગણતરીની મિનિટોમાં પહોંચી શકાય તે રીતે નજીક નજીક હોવાના કારણે સેકટર 17 તેની આગવી ઓળખ ધરાવતું સેકટર છે. એક સમયે સેકટર 17ની ઉચ્ચ અધિકારી કર્મચારીઓ માટે રહેવાનું ફેવરિટ સેકટર ગણવામાં આવતું હતું. કેમકે આજ સેકટરમાં સૌથી પહેલાં ધારાસભ્યોને રહેવા માટે ક્વાર્ટર ફાળવવામાં આવ્યા હતા.જેથી સુરક્ષાની દૃષ્ટિએ પણ સેકટર 17 ઘણું સુરક્ષિત સેકટર ગણવામાં આવતું હતું.

સમય જતાં ગાંધીનગર હરણ ફાળ ગતિએ વિકાસ કરતાં સમયાંતરે સેકટર 17 તેની આગવી ઓળખ ગુમાવી ચુક્યું છે. જો કે, હવે સેકટર-17ને ફરી તેની જૂની ઓળખ મળી શકે છે.માર્ગ મકાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ  ગુજરાત વિધાન સભાની રચના થતાં સેકટર 17માં ધારાસભ્યોને ક્વાર્ટર ફાળવવામાં આવ્યા હતા. જેમાં એક ડ્રોઇંગ રૂમ, એક બેડરૂમ, કિચન, ટોયલેટ, બાથરૂમ મળીને 51.87 ચો મી. નું બાંધકામ વાળા ક્વાર્ટર હતા. જે હાલમાં છ ટાઈપ કેટેગરીના મકાનો તરીકે ઓળખ ધરાવે છે. એ વખતે અહીં ધારાસભ્યો માટે 28 હજાર સ્કવેર મીટર એરિયામાં વર્ષ 1977-78 માં નિર્માણ પામેલા 24 બ્લોકમાં ક્વાર્ટર ફાળવવામાં આવ્યા હતા. જેમાથી નવ યુનિટ વાળા ચાર બ્લોક પાડી દેવામાં આવ્યા છે જે જર્જરીત થઈ ગયા હતા. હાલમાં 20 બ્લોક હયાત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code