1. Home
  2. ગુજરાતી
  3. હોર્મોઝમાંથી હવે કોઈ પણ જહાજ પરવાનગી વગર પસાર થઈ શકશે નહીં
હોર્મોઝમાંથી હવે કોઈ પણ જહાજ પરવાનગી વગર પસાર થઈ શકશે નહીં

હોર્મોઝમાંથી હવે કોઈ પણ જહાજ પરવાનગી વગર પસાર થઈ શકશે નહીં

0
Social Share

તેહરાન, 20 જૂન 2026: દુનિયાના સૌથી મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક દરિયાઈ માર્ગો પૈકીના એક એવા ‘હોર્મોઝ જળડમરૂમધ્ય’ને લઈને ઈરાને એક મોટો અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા 14 મુદ્દાના સમજૂતી કરાર બાદ હવે આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ પરથી કોઈ પણ જહાજ સીધેસીધું પસાર થઈ શકશે નહીં. ઈરાન સરકારે નવી મંજૂરી પ્રણાલી લાગુ કરતાં સ્પષ્ટ કર્યું છે કે, હવે માત્ર એ જ જહાજો આ માર્ગનો ઉપયોગ કરી શકશે જેઓ અગાઉથી ઓનલાઈન અરજી કરશે અને નક્કી કરેલા કડક નિયમોનું પાલન કરશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવાના પ્રયાસો બાદ વૈશ્વિક દરિયાઈ વ્યાપારને ફરી સામાન્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. વિશ્વના કુલ તેલ અને એલએનજી પુરવઠાનો આશરે પાંચમો ભાગ આ જ માર્ગેથી પસાર થાય છે, જેથી ઈરાનના આ કદમને કારણે આંતરરાષ્ટ્રીય બજાર, ઉર્જા સુરક્ષા અને શિપિંગ ઉદ્યોગ પર તેની વ્યાપક અસરો જોવા મળી શકે છે.

અત્યાર સુધી હોર્મોઝની સામુદ્રધુનીમાંથી પસાર થવા માટે કોઈ ખાસ પરવાનગીની જરૂર પડતી નહોતી અને જહાજો આંતરરાષ્ટ્રીય દરિયાઈ નિયમો હેઠળ મુક્તપણે અવરજવર કરતા હતા. જોકે, હવે ઈરાને ‘પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી’નામની એક નવી સંસ્થાની રચના કરીને સમગ્ર પ્રક્રિયા જ બદલી નાખી છે. હવે દરેક જહાજે આ વિસ્તારમાં પ્રવેશતા પહેલાં ઓનલાઈન પોર્ટલ પર ફરજિયાત અરજી કરવી પડશે અને મંજૂરી મળ્યા બાદ જ તેઓ આગળ વધી શકશે. ઈરાનનો દાવો છે કે, આ નિર્ણય દરિયાઈ સુરક્ષા, ટ્રાફિક કંટ્રોલ અને પ્રાદેશિક સ્થિરતા મજબૂત કરવા માટે લેવાયો છે.

  • જહાજોએ રૂટ પર પહોંચવાના 48 કલાક પહેલાં કરવી પડશે અરજી

નવા નિયમો અનુસાર, જહાજોએ હોર્મોઝ ક્ષેત્રમાં પહોંચવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલાં પોતાની સંપૂર્ણ વિગતો સાથે અરજી સબમિટ કરવી પડશે. PGSA ના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં હજુ પણ સુરક્ષાના કેટલાક પડકારો અને યુદ્ધની અસરો વર્તાઈ રહી છે. તેથી, દરેક જહાજ માટે અલગ રૂટ અને સમય નક્કી કરવો અનિવાર્ય છે. એજન્સીને પણ આ ડેટાની સમીક્ષા કરવા માટે 48કલાક સુધીનો સમય મળશે, જેથી દરિયામાં અકસ્માત કે સુરક્ષા સંબંધિત જોખમો નિવારી શકાય.

નવી વ્યવસ્થા હેઠળ જહાજ ઓપરેટરોએ ઓનલાઈન ફોર્મમાં જહાજનું નામ અને કયા દેશના ફ્લેગ હેઠળ રજિસ્ટર્ડ છે તેની માહિતી, આંતરરાષ્ટ્રીય મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન નંબર અને જહાજનો પ્રકાર, જહાજની વહન ક્ષમતા, વજન અને તેના પર લદાયેલા માલ (કાર્ગો) નો પ્રકાર-જથ્થો અને અંદાજિત કિંમત, જહાજ પર કોઈ ખતરનાક કે વિસ્ફોટક સામગ્રી છે કે નહીં તેની સ્પષ્ટતા, જહાજના રજિસ્ટર્ડ માલિક અને ઓપરેટિંગ કંપનીની વિગતો તથા તેમના સંપર્ક સૂત્રો, જહાજ કયા બંદરેથી રવાના થયું છે અને કયા બંદરે જઈ રહ્યું છે તેનો સચોટ રૂટ પ્લાન, હોર્મોઝ પાર કરવાની પ્રસ્તાવિત તારીખ અને સમય, જહાજ પરના ચાલક દળની કુલ સંખ્યા અને તમામ સભ્યોની રાષ્ટ્રીયતા અને પ્રોટેક્શન એન્ડ ઇન્ડેમ્નિટી વીમો અને અન્ય દરિયાઈ વીમાના દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. જો વિગતો અધૂરી હશે તો અરજી રદ થઈ શકે છે. મંજૂરી મળ્યા બાદ જહાજને સિંગલ ટ્રાન્ઝિટ પરમિટ મળશે જે વધુમાં વધુ 5 દિવસ માટે માન્ય રહેશે.

  • નિયત રૂટ બદલવા પર પ્રતિબંધ, PGSA ના નિર્ણયને પડકારી શકાશે નહીં

ઈરાને જહાજોની અવરજવર માટે લારક ટાપુ પાસેથી એક ચોક્કસ રૂટ નક્કી કર્યો છે. જહાજો પોતાની મરજીથી આ રૂટ બદલી શકશે નહીં. જો કોઈ જહાજ વૈકલ્પિક રસ્તો પકડશે તો તે નિયમોનું ઉલ્લંઘન ગણાશે અને તમામ નુકસાન કે દંડની જવાબદારી જહાજના કેપ્ટનની રહેશે. આ નવી પ્રણાલીનો સૌથી વિવાદાસ્પદ મુદ્દો એ છે કે અરજી કરતી વખતે જહાજ માલિકોએ એક ડિક્લેરેશન (ઘોષણાપત્ર) પર સહી કરવી પડશે, જેમાં લખ્યું છે કે તેઓ ભવિષ્યમાં PGSA ના નિર્ણયોને કોઈ પણ આંતરરાષ્ટ્રીય મંચ પર પડકારી શકશે નહીં.

અમેરિકા-ઈરાન કરાર હેઠળ, શરૂઆતના 60 દિવસ સુધી જહાજો પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. સુરક્ષા, નેવિગેશન સહાય અને વીમા જેવી સુવિધાઓનો ખર્ચ અત્યારે ઈરાન સરકાર ભોગવશે. જોકે, ઈરાને સંકેત આપ્યા છે કે આ સુવિધા કાયમી ધોરણે મફત નથી અને આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ પર ટ્રાન્ઝિટ શુલ્ક અથવા ટેક્સ લાદવામાં આવી શકે છે. ભારત પોતાની ક્રૂડ ઓઈલની જરૂરિયાતોનો બહુ મોટો હિસ્સો મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) ના દેશોમાંથી આયાત કરે છે, જે હોર્મોઝ થઈને જ ભારત પહોંચે છે. જો આગામી સમયમાં ઈરાન દ્વારા અહીં આકરા નિયમો કે મોટો ટેક્સ વસૂલવામાં આવશે, તો દરિયાઈ નૂરમાં મોટો વધારો થશે. પરિણામે વૈશ્વિક સ્તરે પેટ્રોલિયમ પેદાશો મોંઘી થઈ શકે છે. આ જ કારણે ભારત, ચીન, જાપાન અને યુરોપિયન દેશો સહિત આખી દુનિયા ઈરાનની આ નવી હિલચાલ પર બારીકાઈથી નજર રાખી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code