પાકિસ્તાનનું ષડયંત્ર: પંજાબમાં આતંક ફેલાવવા સેનાના હેન્ડ ગ્રેનેડ મોકલાયાં
ચંદીગઢ, 9 એપ્રિલ 2026: પંજાબમાં દહેશત ફેલાવવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ હવે સીધી રીતે પાકિસ્તાની સેનાના હથિયારોનો ઉપયોગ કરી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પંજાબ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, સીમા પારથી જે હેન્ડ ગ્રેનેડ મોકલવામાં આવી રહ્યા છે, તે ચીની બનાવટના નહીં પરંતુ પાકિસ્તાની સેના માટે આયુધ ફેક્ટરી (POF) માં તૈયાર કરવામાં આવેલા છે. આ હથિયારો ગેંગસ્ટરો અને તેમના સાગરીતોને પહોંચાડી આતંકી ઘટનાઓને અંજામ આપવાનું મોટું કાવતરું રચવામાં આવ્યું છે.
પંજાબ પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તાજેતરમાં જપ્ત કરાયેલા હેન્ડ ગ્રેનેડ પાકિસ્તાનની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બનેલા છે, જ્યાં પાકિસ્તાની સેના માટે દારૂગોળો અને શસ્ત્રો તૈયાર થાય છે. અગાઉ સીમા સુરક્ષા દળએ પણ પાકિસ્તાની ફેક્ટરીમાં બનેલા કારતૂસોનો જથ્થો પકડ્યો હતો. અત્યાર સુધી ચીની બનાવટના ગ્રેનેડ આવતા હતા, પરંતુ હવે પાકિસ્તાની સેનાના સત્તાવાર હથિયારોની ઘૂસણખોરી ચિંતાનો વિષય બની છે.
તપાસમાં બીજો એક મોટો ખુલાસો એ થયો છે કે પાકિસ્તાન તેની દેશી બનાવટની પિસ્તોલોને પંજાબના ગેંગસ્ટરોમાં લોકપ્રિય બનાવવા માટે નવો પેતરો અજમાવી રહ્યું છે. કરાચી અને તેની આસપાસના વિસ્તારોમાં દેશી પિસ્તોલ બનાવી તેના પર ‘મેડ ઈન યુએસએ’ કે અન્ય વિદેશી દેશોના નામ લખવામાં આવે છે. કેટલીક પિસ્તોલ પર તો ‘સ્પેશિયલ ગિફ્ટ’ જેવા શબ્દો લખીને મોકલવામાં આવે છે જેથી સ્થાનિક ગુનેગારો આકર્ષાય. આઈએસઆઈ આ હથિયારો ડ્રોન અને અન્ય માધ્યમો દ્વારા પંજાબ ઉપરાંત અન્ય રાજ્યોના ગેંગસ્ટરો સુધી પહોંચાડી રહી છે.
પાકિસ્તાની એજન્સીએ આ હથિયારો સ્વીકારવા માટે ભારતમાં સ્થાનિક સ્તરે મોટું નેટવર્ક ઉભું કર્યું છે. પંજાબ પોલીસે આ નેટવર્કના કેટલાક સાગરીતોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછમાં અનેક મહત્વની કડીઓ હાથ લાગી છે. પોલીસ હાલ આ હથિયાર સપ્લાય ચેઈનની બાકીની કડીઓને શોધી રહી છે અને પાકિસ્તાનના આ નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવવા માટે તમામ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.


