Homeગુજરાતીદેશ-વિદેશમમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત: TMC નું નામ અને પ્રતીક ફ્રીઝ કરવાના...

મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત: TMC નું નામ અને પ્રતીક ફ્રીઝ કરવાના નિર્ણય વિરુદ્ધ તાત્કાલિક સુનાવણી મંજૂર

નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર 2026: સુપ્રીમ કોર્ટે સોમવારે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીની અરજી પર તાત્કાલિક સુનાવણી હાથ ધરવા માટે મંજૂરી આપી દીધી છે. આ અરજીમાં તૃણમૂલ કોંગ્રેસનું નામ અને પાર્ટીનું ચૂંટણી પ્રતીક (ચૂંટણી ચિહ્ન) ફ્રીઝ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. ટીએમસી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠ સમક્ષ આ મામલે ત્વરિત સુનાવણીની માંગ કરી હતી.

સિબ્બલે કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, “ચૂંટણી પંચ એક નોટિફિકેશન બહાર પાડે છે અને પ્રક્રિયાની વચ્ચે જ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કરી દે છે. આ શું થઈ રહ્યું છે? અમે ઈચ્છીએ છીએ કે આ કેસને તાત્કાલિક લિસ્ટ કરીને સુનાવણી હાથ ધરવામાં આવે.”

ચૂંટણી પંચે શુક્રવારે મમતા બેનર્જી અને ઋતવ્રત બેનર્જીના વિરોધી જૂથોને અલગ-અલગ નામ અને ચૂંટણી પ્રતીકો ફાળવ્યા હતા. આ અગાઉ પંચે તેના વચગાળાના આદેશમાં બંને જૂથોને ‘ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ નામનો ઉપયોગ કરવા પર રોક લગાવી દીધી હતી અને વિવાદ પર અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી પાર્ટીના ચૂંટણી ચિહ્નને ફ્રીઝ કરી દીધું હતું.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં મમતા બેનર્જીએ ચૂંટણી પંચ અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા ઋતવ્રત બેનર્જીને પક્ષકાર બનાવ્યા છે. 18 સપ્ટેમ્બરે મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસનું નામ અને ‘જોડા ઘાસ-ફૂલ’ (ઘાસ અને ફૂલ) ચૂંટણી પ્રતીક ફ્રીઝ કરવાના નિર્ણયની તીવ્ર ટીકા કરી હતી. તેમણે પક્ષની ઓળખ ગુમાવવાની સરખામણી માતા દ્વારા પોતાના બાળકને ખોવાના દુઃખ સાથે કરી હતી અને તેને દેશના લોકતાંત્રિક ઈતિહાસનો એક ‘કાળો દિવસ’ ગણાવ્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular