Homeગુજરાતીખોરાકમોદકથી કંઈક અલગ! ગણપતિ બાપ્પા માટે બનાવો કેળાનો હલવો, જાણો રેસીપી

મોદકથી કંઈક અલગ! ગણપતિ બાપ્પા માટે બનાવો કેળાનો હલવો, જાણો રેસીપી

રેસીપી, 17 સપ્ટેમ્બર 2026: ગણેશ ચતુર્થીથી શરૂ થયેલા ગણેશ ઉત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે. આ દરમિયાન ગણપતિ દાદાને તેમની મનપસંદ મીઠાઇ લાડુ, મોદક સહિત વિવિધ પ્રકારની મીઠાઇનો ભોગ ધરાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશનું પ્રિય ભોગ મોદક છે, પરંતુ તે ઘરે બનાવવા થોડાક મુશ્કેલ છે. જો કે, મોદકને બદલે તમે કેળાન હલવો બનાવી શકો છો.

મહારાષ્ટ્રમાં લોકો ગણપતિ બાપ્પાને કેળાનો હલવો પણ અર્પણ કરે છે. આ એક સરળ અને ઝડપી વાનગી છે. જો તમારી પાસે મોદક બનાવવાનો સમય નથી, તો તમે પાકેલા કેળા, ઘી અને ગોળ માંથી સ્વાદિષ્ટ હલવો બનાવી શકો છો.

સામગ્રી

4 પાકેલા કેળા

3-4 ચમચી ગોળ

2 ચમચી ઘી

1 ચમચી સોજી

1/2 ચમચી એલચી પાઉડર

1/2 કપ ડ્રાયફૂટના ટુકડા

2 થી 3 ચમચી દૂધ અથવા જરૂરિયાત મુજબ

બનાવવાની રીત

આ હલવો બનાવવા માટે સારી રીતે પાકેલા કેળાનો ઉપયોગ થાય છે. આ માટે કેળાની છાલ કાઢી એક મોટા બાઉલમાં સારી રીતે મસળી લો. એક અલગ વાટકીમાં ગોળના નાના ટુકડા કરી લો. પછી તેમા પાણીને ગોળ ઓગાળો. ત્યારબાદ ગોળના પાણીને ચાળી લો.

હવે ગેસ ચાલુ કરીને એક કડાઇમાં 2-3 ચમચી ઘી ઓગાળો, તેમા સોજીને 2-3 મિનિટ સુધી શેકો. સોજી સહેજ ગોલ્ડ રંગની થાય એટલે અલગ વાસણમાં કાઢી લો. ત્યારબાદ કડાઇમાં એક ચમચી ઘી ઓગાળો, તેમા છૂંદેલા કેળા મેળવી તેને ધીમા તાપ પર 4-5 મિનિટ સુધી રાંધો. આ મિશ્રણને સતત હલાવતા રહો, જેથી તે કડાઇમાં ચોંટે નહીં.

જ્યારે કેળા સારી રીતે રાંધાઈ જાય ત્યારે તેમા ગોળનું પાણી રેડો અને સારી રીતે મિક્સ કરો. ગોળ ઉમેર્યા પછી મિશ્રણ થોડું પાતળું થઈ શકે છે. તેને ધીમા તાપ પર 3-4 મિનિટ સુધી સતત હલાવતા રહી પકવવા દો. હવે તેમાં શેકેલી સોજી મેળવી સારી રીતે મિક્સ કરી લો. તમે જરૂર મુજબ 2-3 ચમચી દૂધ ઉમેરી શકો છો. તેને સતત હલાવવું પડે છે, જેથી ગાંઠો ન બને. જ્યારે હલવો ઘટ્ટ થવા લાગે અને કડાઇનું તળિયું છોડવા લાગે ત્યારે ડ્રાયફૂટના ટુકડા અને એલચી પાવડર ઉમેરી 1-2 મિનિટ સુધી રાંધો અને છેલ્લે ગેસ બંધ કરી દો.

તમારો સ્વાદિષ્ટ કેળાનો હલવો તૈયાર છે. હવે તેને થોડી વાર ઠંડો થવા દો અને પછી તમે ગણપતિ બાપ્પાને ભોગ ધરાવો. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે હલવાની ઉપર કાજુ બદામ અને સુકી દ્રાક્ષ વડે ગાર્નિશ કરી શકાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular