તંદૂર કાંડ: રાજકારણના ઓઠા હેઠળ ખદબદતા ગુનાખોરીના એ કાળા પ્રકરણની દાસ્તાન
- સત્તાની છત્રછાયા, પ્રેમ ત્રિકોણની શંકા અને તંદૂરમાં હોમાયેલું એક સપનું
હેમંત પરમાર દ્વારા
2 જુલાઈ 1995નો એ કાળો દિવસ યાદ છે ને? દિલ્હીની ગાદી પર બેઠેલા રાજનેતાઓ જ્યારે દેશ ચલાવવાની વાતો કરતા હતા, ત્યારે તેમની જ પાંખ નીચે ઉછરેલો એક ચપ્પુબાજ યુવા નેતા પોતાની જ પ્રેમિકાના અસ્તિત્વને તંદૂરની ભઠ્ઠીમાં ભૂંસી નાખવાનો હિચકારો પ્રયાસ કરી રહ્યો હતો. આ વાત છે કોંગ્રેસ નેતા સુશીલ શર્મા અને તેની લિવ-ઈન પાર્ટનર નૈના સાહનીની, જેણે આખા દેશની વિવેકબુદ્ધિને હચમચાવી મૂકી હતી.
ગાંધી પરિવારની છત્રછાયા અને ઉછરેલા ગુનાઈત માનસિકતાના કીડા
સવાલ એ થાય છે કે, રાજકારણ સાચે જ લોકસેવાનું માધ્યમ છે કે પછી આવા નરાધમો માટે ગુના છુપાવવાનું સલામત આશ્રયસ્થાન?
ગાંધી પરિવારના નિવાસસ્થાન ૧૦, જનપથની બિલકુલ નજીક, વીવીઆઈપી વિસ્તારમાં આવેલી બગિયા રેસ્ટોરન્ટ એ રાત્રે એક ભયાનક સત્યની સાક્ષી બનવાની હતી. ૩ જુલાઈ ૧૯૯૫ની રાત્રે આશરે ૧૧ વાગ્યે પેટ્રોલિંગ કરી રહેલા દિલ્હી પોલીસના સિપાહી અબ્દુલ નઝીર કુંજુ અને હોમગાર્ડ ચંદર પાલને અશોક યાત્રી નિવાસની અંદરથી આગની જ્વાળાઓ દેખાઈ.
જ્યારે તેઓ તપાસ કરવા પહોંચ્યા ત્યારે ત્યાં દિલ્હી યુવા કોંગ્રેસના પ્રમુખ સુશીલ શર્મા ઊભા હતા. રેસ્ટોરન્ટના મેનેજર કેશવે બહાનું બનાવ્યું કે, “અમે પાર્ટીના જૂના પોસ્ટરો બાળી રહ્યા છીએ.” રાજકીય પક્ષોના પોસ્ટરો આટલી હદે વફાદાર હોય છે કે તેમાંથી માણસના માસની ગંધ આવે? પોલીસકર્મીઓને શંકા ગઈ, તેઓ દીવાલ કૂદીને અંદર ગયા. તંદૂરની અંદર જે દ્રશ્ય હતું તે જોઈને કદાચ યમરાજ પણ કાંપી ઉઠ્યા હશે. કેશવે ફરી જૂઠું બોલતા કહ્યું કે તે બકરાનું માંસ શેકી રહ્યો છે, પણ લાકડી ફેરવતા જ સત્ય બહાર આવ્યું, તે બકરો નહીં, પણ એક સ્ત્રીનો મૃતદેહ હતો.
વફાદારીની આડમાં સળગતું સત્ય અને પ્રેમ ત્રિકોણની ખતરનાક શંકા
તપાસમાં ખુલાસો થયો કે સુશીલ શર્મા અને નૈના સાહની (દિલ્હી યુથ કોંગ્રેસની ગર્લ્સ વિંગની જનરલ સેક્રેટરી) મંદિર માર્ગના ફ્લેટ-8-Aમાં પતિ-પત્નીની જેમ રહેતા હતા. નૈના આ લગ્નને સામાજિક સ્વીકૃતિ આપવા દબાણ કરતી હતી પણ જ્યારે સુશીલના અત્યાચારોથી કંટાળીને તે પોતાના જૂના મિત્ર કરીમની મદદથી ઓસ્ટ્રેલિયા જવા માંગતી હતી.
શંકાનો કીડો અને રિવોલ્વરની ચાર ગોળીઓ
સુશીલ દરરોજ લેન્ડલાઈનનું રી-ડાયલ બટન દબાવી ચેક કરતો કે નૈના કોની સાથે વાત કરે છે. ઘટનાના દિવસે બીજી તરફથી કરીમે ફોન ઉપાડ્યો અને સુશીલનો પિત્તો ગયો. પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વરથી તેણે નૈનાને ચાર ગોળીઓ મારી દીધી.
નદીમાં ફેંકવાનો પ્લાન ફ્લોપ, રેસ્ટોરન્ટ બન્યું સ્મશાન
મૃતદેહને ગાડીની ડિક્કીમાં મૂકીને પહેલા યમુના નદીમાં ફેંકવાનો વિચાર કર્યો, પણ પકડાઈ જવાની બીકે તેણે પોતાની જ રેસ્ટોરન્ટના તંદૂરને સ્મશાન બનાવી દીધું. જો પોલીસ અડધો કલાક મોડી પડી હોત, તો કદાચ આ દેશમાં ક્યારેય “તંદૂર કાંડ” જેવો શબ્દ જ ન આવ્યો હોત, કારણ કે પુરાવા જ ખાખ થઈ ગયા હોત.
હત્યા બાદ ગુજરાત ભવનમાં આરામ અને કાયદા સાથે સંતાકૂકડી
એક તરફ દિલ્હી પોલીસ મૃતદેહના ટુકડા વીણી રહી હતી અને બીજી તરફ દેશના શાસક પક્ષનો વગદાર નેતા ગુજરાત ભવનના રૂમ નંબર 20માં આઇએએસ અધિકારી સાથે આરામથી રાત વિતાવી રહ્યો હતો. શું આ વહીવટીતંત્ર અને ગુનેગારોની જુગલબંદી નહોતી?
ત્યાંથી ભાગીને સુશીલ જયપુર, ચેન્નઈ અને બેંગલુરુ ફરતો રહ્યો. તિરુપતિમાં જઈને વાળ કપાવી ચહેરો બદલવાનો પ્રયાસ કર્યો. આશ્ચર્યની વાત એ છે કે આખા દેશમાં હાહાકાર હોવા છતાં ચેન્નઈની કોર્ટે તેને આગોતરા જામીન પણ આપી દીધા હતા. સત્તાનો પાવર બીજું શું કરી શકે?
જેલમાં ધમકીઓ, ડીએનએ ટેકનોલોજી અને રાજકીય ષડયંત્રનું નાટક
જેલમાં બંધ રેસ્ટોરન્ટના મેનેજર કેશવને જ્યારે સરકારી સાક્ષી બનતો અટકાવવા માટે જેલની અંદર જ નશીલી દવા આપીને બે દિવસ સુધી સુવડાવી દેવાયો, ત્યારે કાયદો અને વ્યવસ્થા પર હસવું આવે. આ કેસ એટલો હાઈપ્રોફાઈલ હતો કે કેન્દ્રીય ગૃહ સચિવ પદ્મનાભૈયા પોતે તપાસ કરવા ફ્લેટ પર પહોંચ્યા હતા.
કહેવાય છે કે તપાસ અધિકારી મેક્સવેલ પરેરા પર ભારે દબાણ હતું, તેમના પર આઈબીની તપાસ પણ બેસાડી દેવાઈ. પરંતુ આ ઝાંબાઝ અધિકારી નમ્યા નહીં. તેમણે ભારતના ઇતિહાસમાં પહેલીવાર ડીએનએ અને સ્કલ સુપર-ઇમ્પોઝિશન ટેકનિકનો ઉપયોગ કરીને સાબિત કર્યું કે આ મૃતદેહ નૈનાનો જ હતો અને માત્ર 26 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી. સુશીલે આને તત્કાલીન યુવા કોંગ્રેસ પ્રમુખ મનિન્દરજીત સિંહ બિટ્ટાનું રાજકીય ષડયંત્ર ગણાવ્યું, પણ કાયદાના હાથ લાંબા હતા.
સપનાઓનું તંદૂરમાં શેકાવું અને નરાધમની મુક્તિ પર ઉઠતા સવાલો
નીચલી અદાલત અને હાઈકોર્ટે સુશીલને ફાંસી આપી, પણ 2013માં સુપ્રીમ કોર્ટે તેને આજીવન કેદમાં ફેરવી અને આખરે 22 ડિસેમ્બર 2018ના રોજ દિલ્હી હાઈકોર્ટે તેને જેલમાંથી મુક્ત કરી દીધો. આધાર શું આપ્યો? “વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવા માટે ઘરમાં કોઈ નથી.”
એક તરફ સુશીલનો પરિવાર, જેનો નાનો ભાઈ 1978માં અકસ્માતમાં ગુજરી ગયો હતો અને પિતાએ આખી જમાપૂંજી વકીલોની ફીમાં વાપરી નાખી હતી. બીજી તરફ નૈનાનો પરિવાર હતો જે હરભજન સિંહ (ઓર્ડનન્સ ફેક્ટરીના સ્ટોરકીપર) અને જસવંત કૌરની એ દીકરી, જે કોમર્સ ગ્રેજ્યુએટ હતી અને જેનું સપનું કોમર્શિયલ પાયલટ બનવાનું હતું, તે સુશીલ નામના કોંગ્રેસના ચપ્પુબાજના પ્રેમમાં પડીને રાખ થઈ ગઈ.
રાજીવ ગાંધી સાથે સ્ટેજ શેર કરતા સુશીલ શર્માના વીડિયો અને ફોટા આજે પણ એ વાતની સાક્ષી પૂરે છે કે જ્યારે રાજકારણમાં અપરાધીઓ વહાલા બને છે, ત્યારે દેશની દીકરીઓ સુરક્ષિત નથી રહેતી. સુશીલ શર્મા તો મુક્ત થઈને ફરી ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યો છે, પણ સવાલ એ છે કે શું નૈના સાહનીના સળગી ગયેલા સપનાઓને ક્યારેય ન્યાય મળ્યો ખરો?


